News Portal...

Breaking News :

મંત્રીમંડળ વિસ્તરણમાં વડોદરાની ડુગડુગી નહિ વાગે

2025-08-27 10:22:54
મંત્રીમંડળ વિસ્તરણમાં વડોદરાની ડુગડુગી નહિ વાગે

વડોદરાનાં ધારાસભ્યોને પોતાનો જ ભૂંડો ભૂતકાળ નડશે

ગુજરાત સરકારનાં મંત્રીમંડળનાં વિસ્તરણમાં વડોદરાને સ્થાન મળે તેવી કોઈ શક્યતા નથી...

પ્રદેશ સંગઠન પાસે, વડોદરાનાં કેટલાક ભ્રષ્ટ ધારાસભ્યોની વિગતવાર કુંડળી.
છેલ્લા 30 વર્ષમાં ચૂંટાયેલા, વિઝન વગરનાં ધારાસભ્યોએ વડોદરાનો વિકાસ કરવાને બદલે પોતાનો વિકાસ કર્યો. દરેક ધારાસભ્ય ઉપર લક્ષ્મીજીની કૃપા રહી. લગભગ બધા કરોડપતિની કેટેગરીમાં મુકાઈ ગયા. ફકીરની જેમ ફરનારા પણ ઐયાશી સાથે જિંદગી જીવતા થઈ ગયા. 


પ્રદેશ કક્ષાએ વિગતવાર માહિતી જાગૃત નાગરિકો દ્વારા તબક્કાવાર પહોંચતી થઈ ગઈ. ભ્રષ્ટાચારમાં સતત ડૂબેલા ધારાસભ્યોની વિગતવાર માહિતી હોવાના કારણે, પ્રદેશ સંગઠન વડોદરાનાં કોઈ પણ ધારાસભ્યને હવે મંત્રી પદ નહીં આપે,તેવા હાલનાં સંજોગો છે..ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલે સોમવારે ગાંધીનગરના કોબામાં સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પોતાના વકતવ્યમાં સંકેત આપ્યા હતા કે, આગામી દિવસોમાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને સાથે સાથે પ્રદેશ ભાજપને નવા પ્રમુખ પણ મળશે. સી આર પાટિલે આપેલા સંકેત બાદ ભાજપનાં નેતાઓ અને કાર્યકરોનું માનવું છે કે, ૧૭મી સપ્ટેમ્બરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ પહેલા ગુજરાતમાં નવા મંત્રીમંડળ અને પ્રદેશ અધ્યક્ષના નામોની ઘોષણા થઈ જશે. 

કહેવાય છે કે, આ વખતે મંત્રીમંડળના વિકાસમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળશે. અને એમાંય મધ્ય ગુજરાતના નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવો ગણગણાટ શરુ થયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ મધ્ય ગુજરાતના જ હશે તેવી વાત પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં વહેતી થઈ છે. જો કે, મધ્ય ગુજરાતમાં વડોદરાને કોઈ મંત્રીપદ મળે તેવી શક્યતા નહિવત છે. હકીકતમાં ગુજરાતના રાજકારણમાં વડોદરાના નેતાઓનું વર્ષોથી કશું ઉપજતું નથી.મોટાભાગનાં ધારાસભ્યો અનેક વિવાદોથી ઘેરાયેલા છે.ભાગબટાઈનાં ધંધામાં કાળા હાથ કરી ચુક્યા છે. સત્ય એ પણ છે કે,પ્રદેશ સંગઠનમાં પણ વડોદરાના વરિષ્ઠ કાર્યકરોને જોઈએ એવુ સ્થાન મળતું નથી. એનું કારણ વડોદરાની કમજોર નેતાગીરી છે. જેમને અજમાવ્યા તેઓ અસફળ રહ્યા છે. ના પ્રદેશનું ભલું કરી શક્યા. ના શહેર-જીલ્લાનું ભલું કરી શક્યા. ભૂતકાળમાં વડોદરાના ઘણા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું પરંતુ, તેમણે એકપણ એવું કામ કર્યુ નથી જેનાથી એની નોંધ લઈ શકાય. વડોદરાનાં ભુપેન્દ્ર લાખાવાલા, યોગેશ પટેલ, જીતેન્દ્ર સુખડીયા, મનીષાબેન વકીલ, રાજેન્દ્ર ત્રિવેદી જેવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા હતા. પણ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન એકપણ એવું કામ કર્યું નથી જે ઉડીને આંખે વળગે. એટલે સ્વાભાવિક છે કે, મોવડી મંડળ વડોદરાના એકપણ ધારાસભ્યને ફરીથી મંત્રી મંડળમાં સ્થાન આપવાની ભુલ કરે..!! એક તરફ વડોદરાની નેતાગીરીનું પ્રદેશ કક્ષાએ પર્ફોમન્સ તળિયે છે અને બીજી તરફ વડોદરાની પ્રજા ભાજપને ખોબેખોબા ભરીને મત આપે છે. 



અલબત્ત, આખાય ગુજરાતમાં વડોદરા એકમાત્ર એવું શહેર છે. જેને આંખો મીંચીને ભાજપનો ગઢ કહી શકાય. વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ-ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. ભાજપના પાંચે-પાંચ ધારાસભ્યો ભાજપના છે. અને વડોદરાના સાંસદ પણ વર્ષોથી ભાજપના જ છે. વડોદરામાં ભાજપનું એક હથ્થુ શાસન છે અને એ નરેન્દ્ર મોદી પણ જાણે છે અને કદાચ એટલે જ એમણે જ્યારે લોકસભાની ચુંટણી પહેલી વખત લડી ત્યારે તેમણે સીટની પસંદગીની મહોર વડોદરા ઉપર જ મારી હતી. આમ, વડોદરા એટલે ભાજપનો અભેદ કિલ્લો.!! વડોદરાની જનતા વર્ષોથી ભાજપની નિ:સ્વાર્થ ભાવે સેવા કરતી આવી છે અને ખોબેખોબા ભરીને મત પણ આપી રહી છે. કહેવાય છે કે, ભાજપની ટિકિટ પર વડોદરામાં કોઈ બહારના વ્યક્તિને પણ ચુંટણી લડાવવામાં આવે તો અહીંની જનતા કોઈપણ પ્રકારના રાગદ્વેશ વિના એને જંગી બહુમતિથી જીતાડી લાવે. હવે, સવાલએ ઉભો થાય છે કે, છતાં સંગઠન પોતાના મંત્રીમંડળમાં વડોદરાના કોઈ નેતાને સ્થાન કેમ નથી આપતી ? ભાજપનાં સંગઠનમાં ઉચ્ચ હોદ્દા ઉપર વડોદરાના કોઈ અગ્રણીને કેમ સ્થાન કેમ નથી અપાતું ? જોકે, આ સવાલની પાછળ જ વડોદરાનો વિકાસ અટકેલો છે. અને કદાચ એટલે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જાહેરમંચ ઉપરથી સ્વીકારવું પડ્યું હતુ કે, અમદાવાદ અને સુરત વચ્ચે વિકાસની દોડમાં વડોદરા પાછળ કેમ રહી ગયું ? જ્યારે કોઈપણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળે છે તે કોઈપણ વડોદરા શહેરનો વિકાસ કરતો નથી. જેને જેને સત્તા મળી છે તેઓએ સત્તાનો ભરપૂર દુરુપયોગ કર્યો છે. વડોદરાવાસીઓને વફાદાર રહ્યા નથી.આટલા વર્ષોમાં ફક્ત નેતાઓએ પોતાનો જ વિકાસ કર્યો છે. વડોદરા શહેર ફક્ત કહેવા માટે સ્માર્ટ સિટી છે. શહેરના નાગરિકોને હજુ પણ પ્રાથમિક સુવિધા મળતી નથી. જેનું કારણ વડોદરાની નબળી નેતાગીરી છે. જેથી વડોદરાના કોઈ પણ ધારાસભ્ય મંત્રી મંડળમાં સ્થાન મેળવવા માટે લાયક નથી.

શહેર જ નહીં જિલ્લામાં પણ કોઈ સક્ષમ નેતા નથી
વડોદરા શહેર જ નહીં પણ જિલ્લાના પણ કોઈ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા અણસાર જણાતા નથી. વાત કરીએ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની તો સરકાર સામે બાંયો ચડાવવાની એમની છાપ છે. તેવી જ રીતે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભૂતકાળમાં ભાજપને જ હરાવીને જીત હાંસલ કરી હતી એટલે એમની છાપ પણ કંઈક અલગ જ છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના મૂળ કોંગ્રેસના છે એટલે એમનું પત્તુ પણ આપોઆપ કપાઈ જાય છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની છાપ એવી છે કે, એ બોલવા બેસે તો એમને રોકવા મુશ્કેલ હોય છે. એટલે એમને મંત્રીપદ મળવુ મુશ્કેલ છે. હવે વાત રહી ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની તો જો એમને મંત્રીપદ મળવાનું હોત તો ક્યારનું મળી જાત. પણ હવે એમનું મંત્રી બનવુ મુશ્કેલ છે. આમ, વડોદરા શહેર અને જિલ્લામાં એકપણ એવો સક્ષમ નેતા નથી. જેને ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે.

Reporter: admin

Related Post