News Portal...

Breaking News :

કોરોનાં વખતનાં ,પાંચ વર્ષ બાદ, અચાનક પતરાકાંડનાં 2,53,00000 નાં બીલો અચાનક જાગૃત થયા !! કોન્ટ્રાક્ટરને ચુકવણી કરવા માટેની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી

2025-08-27 10:08:40
કોરોનાં વખતનાં ,પાંચ વર્ષ બાદ, અચાનક પતરાકાંડનાં 2,53,00000 નાં બીલો અચાનક જાગૃત થયા !! કોન્ટ્રાક્ટરને ચુકવણી કરવા માટેની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી

પતરા કાંડની તપાસ થવી જોઈએ. કોન્ટ્રાક્ટને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. જે અધિકારીઓએ ખરીદી કરી તેમના ઉપર એસીબીની તપાસ મુકાવી જોઈએ. એને બદલે પાંચ વર્ષ બાદ તગડી રકમની ચુકવણી થઈ રહી છે. બજારભાવથી ડબલની ચુકવણી વડોદરા મહાનગરપાલિકા જ આપી શકે
જે તે વિભાગનાં અધિકારીઓ,કમિશનર કચેરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,સ્ટેન્ડિંગનાં સભ્યો,સભા સેક્રેટરીની ચોક્કસ ગોઠવણ થઈ હોય તો જ કોરોનામાં મૃતક જાહેર કરેલ કરોડોનું બીલ અચાનક જીવતું થયું !!
પાલિકામાં ગીવ એન્ડ ટેક ની, તત્કાલ સ્કીમમાં, બજાર ભાવથી 150-200% ઉપર પણ તમે તમારા બિલ પાસ કરાવી શકો છો

કોરોના કાળમાં થયેલા પતરા કાંડની દરખાસ્ત ફરી સ્થાયીમાં આવી, કમિશનરને કેમ આ દરખાસ્તમાં રસ પડ્યો ? કયા સનદી અધિકારી કે નેતાની ભલામણ આવી ?
આગામી 29 ઓગષ્ટે યોજાનારી સ્થાયી સમિતીની બેઠકમાં ઉત્તર ઝોનના વહિવટી વોર્ડ નંબર 5, 7 અને 8ના વિસ્તારમાં કોવિડ-19ના ગાળામાં પતરા લગાવાના એટલે કે બેરીકેટીંગ કરવાના કામે જીપીએમસી એક્ટની કલમ 67/3/c હેઠળ કોન્ટ્રાક્ટર રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર પાસેથી પાવભત્રની પ્રક્રિયાનો બાધ દુર કરી 2 ટકા અને 3 ટકા અનામત વીમા કપાત તથા કરાર કરવો તથા આનુસાગીક કાર્યવાહી પ્રક્રિયામાંથી મુક્તી આપી આ કામગીરીનો ખર્ચ કોવિડ 19ની ગ્રાન્ટમાંથી પડાય તેની કામગીરી અર્થે 2 કરોડ 53 લાખની  કમિશનર તરફથી વિવાદાસ્દ દરખાસ્ત કરાઇ છે. આ પતરાંકાંડ આખા ગુજરાતમાં ગાજેલો છે અને 20-21ની આ દરખાસ્ત અત્યારે કેમ કરાઇ તે મોટો સવાલ છે. કારણકે આખા ગુજરાતમાં કોરોના સમયનું કોઇ પણ જગ્યાએ પેમેન્ટ બાકી રહ્યું નથી. સવાલ એ છે કે અગાઉના કમિશનરોએ આ દરખાસ્તનો કેમ નિકાલ ના કર્યો? વિજીલન્સ તપાસ થવી જોઈતી હતી? પતરાં કાંડની આ દરખાસ્તમાં મનને ફાવે અને ભાવે પતરા લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી ! કલમ 67/3/c કમિશનર અરુણ મહેશ બાબુના સમયની નથી પણ  અગાઉના કમિશનર ની હતી. તો આ દરખાસ્તનો આગાઉનાં કમિશનરે કેમ નિકાલ ના કર્યો? કે પછી ભાગ બટાઇમાં વાંધો હતો? આટલી જૂની રકમ બાકી કાઢીને પ્રમાણિક ગણાતા કમિશનરે પોતાની જાતે કાળો ડાઘ લગાવ્યો છે. કોઈ અધિકારી નેતાએ એમને ગુમરાહ કર્યા લાગે છે. જે કમિશનરે 67 સી મુજબ મંજૂરી આપી હતી તેણે કેમ આ દરખાસ્તનો નિકાલ ના કર્યો. ઉલ્લેખનિય છે કે કોરોનાકાળમાં બહુ ગાજેલા આ પતરા કાંડ માં અઢી ગણા ભાવે ખરીદી થઇ હતી. અને હવે તો લાગી રહ્યું છે કે કલમ 67/3/c ભ્રષ્ટાચારનો ભાગ થઇ ગઇ છે. અગાઉના કમિશનરની દરખાસ્ત નિકાલ, આવનાર કમિશનર કેમ સંભાળે છે? તેથી જ લાગે છે કે અગાઉ પણ ભ્રષ્ટાચાર તો થયો જ છે પણ એની ઉપર હવે બીજો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. 



જીપીએમસી એક્ટની કલમ 67-3-સીની જે સત્તા આપેલી છે તેનો વધુ પડતો દુરપયોગ થઈ રહ્યો છે.
આ પતરાકાંડની તપાસ થવી જરુરી છે. ઓર્ડર કોણે કર્યો અને ક્યા કમિશનરે તેને પાસ કર્યો ? તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ તથા એક પણ રુપિયો પરત ના કરવો જોઇએ. જે તે સમયના નેતાઓના રાજમાં આ વહિવટ ના થયો એટલે હવે આ પાંચ વર્ષે આ દરખાસ્ત મુકાઇ છે. કમિશનરને જીપીએમસી એક્ટની કલમ 67-3-સીની જે સત્તા આપેલી છે તેનો વધુ પડતો દુરપયોગ થઇ રહ્યો હોય તેમ હવે લાગી રહ્યું છે.

એક પૂર્વ કોર્પોરેટર આ દરખાસ્ત પાછળ પડ્યો હતો.RTI કરીને મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હતી.
જાણવા મળેલી માહિતી મુજબ એક પૂર્વ કોર્પોરેટર આ દરખાસ્ત પાછળ પડ્યા બાદ એનું સેટલમેન્ટ થઇ જતાં આ દરખાસ્ત અચાનક જાગૃત થઈ છે. આ પૂર્વ કોર્પોરેટર,પૂર્વ મંત્રી,પૂર્વ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ શહેર પ્રમુખ સાથે ઘનિષ્ટ સંબંધ રાખતો હતો. એકબીજાનો હેતુ પાર પડ્યા બાદ,હવે હવે નવા નેતાને ગુરૂ બનાવ્યા છે.


રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરે અંદાજેલી રકમથી 150 ટકા વધુ મુજબની ઓફર આપી હતી. 
કોરોના કાળમાં ઉત્તર ઝોન વહિવટી વોર્ડ 5, 7 અને 8માં બેરીકેટીંગ કરવા માટે કોન્ટ્રાક્ટર કમિશનરે કલમ 67-3-સી હેઠળ તાત્કાલિક ધોરણે સૈધ્ધાતિંક મંજૂરી મેળવી કોન્ટ્રાક્ટર રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરને હુકમ આપી કામગીરી કરાવી હતી. જેમાં કોન્ટ્રાક્ટર રચના બિલ્ડીંગને નવા પતરા, ફેબ્રીકેશન, ખોદાણ અને ફિટીંગ સાથે 2500 રુપિયા પ્રતિ ચોમી તથા જરુરીયાત મુજબ મારેલા પતરાને સ્થળેથી દુર કરી અન્ય સ્થળે ફિટીંગ કરવા 633 રુપીયા પ્રતિ ચોમી મુજબ ઓફર અપાઇ હતી !! બજારભાવ મુજબ 1,28,42,441 રુપીયાનો ભાવ અપાયો હતો અને પછી કોન્ટ્રાક્ટર રચના બિલ્ડીંગે અંદાજેલી રકમથી 150 ટકા વધુ મુજબની ઓફર આપી હતી.  



કોન્ટ્રાક્ટરે 97 ટકા વધુ ભાવથી ખર્ચો કર્યો

ત્યારબાદ ભાવ ઘટાડો કરવા જણાવાતા રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરે 1,28,42,442થી 97 ટકા વધુ ભાવ મુજબ 2 કરોડ 53 લાખથી કામ કરવા સંમતિ પત્ર આપ્યું હતું અને કોર્પોરેશને 24 કલાક કામ કરાવવા બમણી રકમ ચુકવેલી હતી. અને ઇજારદારે 2.53 કરોડનો ખર્ચ કરેલો હતો 

સુરતમાં પણ આજ પ્રકારે પતરાં કાંડ ગાજ્યો હતો

સુરતમાં પણ આજ પ્રકારે પતરાં કાંડ ગાજ્યો હતો.જેમાં એક મંડપ કોન્ટ્રાક્ટરે જાહેર હિતની અરજી પણ કરી હતી.કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે આ પતરાં લગાવાયા હતા પણ તેમાં હિત ધરાવતા તત્વોએ કમાવવાનું શોધી કાઢ્યું હતું. સામાન્ય રીતે સરકારી ખરીદી કે ભાડે લેવાનું કામ ટેન્ડરીગ વગર કરાતું નથી પણ કોરોના કાળ વખતે આરોગ્ય ઇમરજન્સીની આડમાં ટેન્ડરીંગ પ્રક્રિયાને દુર કરીને કોઇ પણ પ્રકારના ટેન્ડર વગર જ પતરા મારવાના કામને મંજૂરી આપી દેવાઇ હતી. સુરતમાં જે માહિતી બહાર આવી તેમાં પતરા મારવા માટે રોજનું 350 રુપિયા ભાડુ ચકવાયું હતું જે નવા પતરાની બરાબર થાય છે. આટલા પતરાં ભાડે રાખવા તેના કરતા કોર્પોરેશન પોતાના ખર્ચે પતરા ખરીદી લે તે સસ્તુ પડે પણ કમાવાનું શીખી ગયેલા તત્વોએ ભાડે પતરા રખાવ્યા હતા

300 રુપિયાની બજાર કિંમતના પતરાની 550માં ખરીદી કરાઇ

વડોદરાના બહુ ગાજેલા પતરા કાંડમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પતરા લખાવવા માટે 300 રુપિયાની બજાર કિંમતના પતરાની 550માં ખરીદી કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને 1.50 કરોડના પતરા પાલીકાએ 2.53 કરોડમાં ખરીદ્યા હતા. માત્ર ઉત્તર ઝોનમાં પતરા લગાવાનો ખર્ચ 2.53 કરોડ થયો પણ બાકીના જે ઝોન છે તેમાં 16થી 25 લાખનો ખર્ચો થયો હતો અને તેથી જ દાળમાં કાળુ લાગી રહ્યું હતું. કોન્ટ્રાક્ટરે કોરોનાકાળમાં 97 ટકા વધુ ભાવ વસુલી લીધો હતો . સવાલ એ છે કે કોર્પોરેશને કોરોનાકાળમાં પણ પ્રજાને લૂંટવામાં બાકી રાખ્યું ન હતું  અને 300 ના પતરાને 550ના ભાવે કેમ ખરીદ્યા તે મોટો સવાલ છે.

Reporter: admin

Related Post