News Portal...

Breaking News :

ફ્રીશીપ કાર્ડ યોજના થકી વડોદરાની દીકરી દિપ્તી પરમારે મેળવ્યું એમ. ડી. રેડિયોલોજીમાં એડમિશન

2025-04-07 18:13:54
ફ્રીશીપ કાર્ડ યોજના થકી વડોદરાની દીકરી દિપ્તી પરમારે મેળવ્યું એમ. ડી. રેડિયોલોજીમાં એડમિશન


અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં વિનામૂલ્યે સહેલાઈથી પ્રવેશ ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ ના મળ્યો હોત તો મારું ડોક્ટર બનવાનું સપનું અધૂરું જ રહી જાત:દીપલ અને પ્રિન્સી વંચિતોને મુખ્ય ધારામાં લાવવા માટે સૌથી અગત્યનું શિક્ષણ છે. 


શિક્ષણ થકી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને બહાર લાવવામાં રાજ્ય સરકારની યોજનાઓ ખુબજ અસરકારક નીવડી છે. વડોદરા જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ નામાંકિત સ્વનિર્ભર સંસ્થાઓમાં પસંદગીના અભ્યાસ ક્રમમાં માત્ર ફ્રીશિપ કાર્ડ આપીને અભ્યાસ કરી રહ્યા છે."મને જો ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ ના મળ્યો હોત તો મારું ડોક્ટર બનવાનું સપનું અધૂરું જ રહી જાત.આ લાગણી ફક્ત એક વ્યક્તિની નહીં પરંતુ સમાજના વંચિત એવા અનુસૂચિત જાતિના અનેક યુવાનોની છે જેઓ ફ્રીશિપ કાર્ડ થકી સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં વિના મૂલ્યે પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે.વાત કરવી છે આજે વડોદરાની નામાંકિત સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થામાં ડૉક્ટરેટ ઑફ મેડિસિન - રેડિયોલોજીમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની દીકરી દિપ્તી પરમારની. દિપ્તીના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દિપ્તી પોતાના પસંદગીના ઉચ્ચ અભ્યાસક્રમ એવા એમ. ડી. રેડિયોલોજીમાં પ્રવેશ મેળવવા માટેની તમામ લાયકાતો ધરાવતી હતી. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે રૂ.૪૫ થી ૫૦ લાખ જેટલી ફી ભરવી તદ્દન અશક્ય હતી.પોતાની દીકરીને ડૉક્ટર બનાવવાની ઉત્કંઠા વચ્ચે અનેકો રસ્તાઓ શોધતા પિતા મહેન્દ્રભાઈને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી ફ્રીશિપ કાર્ડ યોજના વિશે જાણ થઈ. દીકરીના અભ્યાસ માટે ફ્રીશીપ કાર્ડ યોજના અંતર્ગત તમામ ફી સરકાર ચૂકવશે તેવી જાણ થતા પરિવારમાં ખુશીનો કોઈ જ પાર ન રહ્યો.રાજ્ય સરકાર દ્વારા વંચિતોના વિકાસ માટે કંડારેલા માર્ગ થકી સપનાને પૂર્ણ કરવા નીકળેલ દિપ્તી પરમાર આજે ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ લઈને ફી ભર્યા વિના સહેલાઈથી પ્રવેશ મેળવીને વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં એમ. ડી. રેડિયોલોજીમાં અભ્યાસ કરી રહી છે.


ખુશીની લાગણી વ્યક્ત કરતા દિપ્તી પરમાર જણાવે છે કે, એડમિશન ના મળ્યું હોત તો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂરું જ ન થયું હોત. સમયનો વ્યય થાત અને પોતાની ઈચ્છા ના હોય તેવા કોઈ અભ્યાસક્રમમાં કારકિર્દી બનાવવી પડી હોત. આજે આ યોજના મારા સપનાની ઉડાન ભરવામાં વરદાનરૂપ સાબિત થઈ છે.વધુમાં ઉમેરતાં દિપ્તી જણાવે છે કે, શૈક્ષણિક સત્રના પ્રારંભમાં જ ભરવી પડતી પ્રવેશ માટેની શિક્ષણ ફી સરકાર દ્વારા જ ભરી દેવામાં આવી છે. આ એડમિશન મળતા સૌથી વધુ ખુશ તેના પિતા મહેન્દ્રભાઈ છે. સાથે સાથે એમ. ડી. રેડિયોલોજીના અભ્યાસમાં હવે માત્ર દોઢ વર્ષ બાકી છે પરંતુ એડમિશન મળ્યું ત્યારથી હું મારા સપનાને જીવી રહી છું.આવી જ વાત વડોદરાની દીપલ પરમાર અને પ્રિન્સી વણકરની પણ છે. બંને અનુસૂચિત જાતિની દીકરીઓ પારુલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહી છે. દીપલના પિતા છૂટક ધંધો કરે છે જ્યારે પ્રિન્સીના પિતા દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે. ફ્રીશીપ કાર્ડ યોજના અંતર્ગત બન્ને દીકરીઓના એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે એક વર્ષના રૂ. ૧૦.૦૭ લાખની આર્થિક સહાય મળતાં ડોક્ટર બનવાના સપનાને આકાર આપી રહી છે. આવી આર્થિક સહાય માટે આ બન્ને દીકરીઓ રાજ્ય સરકારનો સહર્ષ આભાર પણ વ્યક્ત કરી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અમલી સામાજિક કલ્યાણ વિભાગની શૈક્ષણિક, સામાજિક અને આર્થીક યોજનાઓ થકી વંચિતો હવે વંચિત ન રહેતા અગ્રિમ હરોળના નાગરિકો બની ગયા છે. આ યોજનાઓની ફળશ્રુતિરૂપ દીકરીઓ દિપ્તી, દીપલ અને પ્રિન્સીના જેમ અનેક અનુસૂચિત જાતિના યુવાનો સશક્ત બની સમરસ ગુજરાતના નિર્માણની દિશામાં મક્કમ આગેકૂચ કરી રહ્યા છે.

Reporter: admin

Related Post