વડોદરા : વિવાદિત પરિપત્રને લઇ ચર્ચામાં આવનાર વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હવે તેની મહિલા હોદ્દેદાર અને મહિલા અધિકારી વચ્ચે ગજગ્રાહને કારણે ચર્ચામાં છે.શિક્ષણ સમિતિનાં મહિલા ઉપાધ્યક્ષ અને શાસનાધિકારી વચ્ચે એકબીજાને નીચું દાખવવા માટે પત્ર યુદ્ધ શરૂ થયું છે. જેનો વિવાદ છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ પાછળનું મુખ્ય કારણ છે, સમિતિની બે ઉચ્ચ મહિલા હોદ્દેદારો વચ્ચેનો ઝઘડો વાસ્તવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં મહિલા ઉપાધ્યક્ષ અંજના ઠક્કરનો આક્ષેપ છે કે, તાજેતરમાં યોજાયેલ શિક્ષકોનાં ફેરબદલી કેમ્પમાં શાસનાધિકારી શ્વેતા પારગીએ તેઓને આમંત્રણ ન પાઠવી તેમનું ઉપરાંત ઉપાધ્યક્ષની ગરિમાનું અપમાન કર્યું છે.અપમાન થયાનું લાગતા ઉપાધ્યક્ષ અંજના ઠક્કરે આમંત્રણ ન પાઠવવા મામલે શાસનાધિકારીને પત્ર લખી ખુલાસો પૂછતાં વિવાદ વધ્યો હતો.

પત્ર મામલે મહિલા શાસનાધિકારી શ્વેતા પારગીએ ઉપાધ્યક્ષને વળતો પત્ર લખી ઉપાધ્યક્ષની ફરજો અને નિયમોની શિખામણ આપતાં મોટો વિવાદ થયો હતો.આ મામલે શિક્ષણ સમિતિનાં આ બંને ઉચ્ચ મહિલા હોદ્દેદારો વચ્ચે રીતસરનો ઝઘડો થયો હતો.. જેથી વિવાદ શાંત કરવાં શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ નિષીધ દેસાઇએ દરમ્યાનગીરી કરવી પડી હતી. ચેરમેને બંને મહિલા હોદ્દેદારોને સાથે બેસાડી મામલો થાળે પાડવાનાં પ્રયાસ કર્યાં હતાં.હોદ્દેદારો, સભ્યો અને અધિકારીઓ વચ્ચે અહમનાં ટકરાવની લડાઇને કારણે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદોનું ઘર બનતી જાય છે. અંદરો અંદરની લડાઈને કારણે મામલો જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત છેક મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો છે. આ મામલે તપાસ કરવા માટે અગાઉ શાસનાધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને તપાસ સોંપાઇ છે.


Reporter: admin







