8, માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની વિશ્વભરમાં ઉજવણી થશે. તે પૂર્વે વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર દ્વારા કપરી પરિસ્થિતીઓ વચ્ચે ઝઝૂમતી બે મહિલાઓને ટેકો આપવામાં આવ્યો છે. એક મહિલા કેન્સરની બિમારીની સારવાર લઇ રહી છે. તેમને જીવન ચલાવવા માટે જરૂરી રાશન-પાણીની વ્યવસ્થા માટે પણ વલખાં મારવા પડે તેમ હતું. આ હાડમારીનો અંત નીરવ ઠક્કરે લાવી આપ્યો છે. બીજી મહિલા ચક્ષુ દિવ્યાંગ છે, જેઓ બિમાર હોવાથી પોતાની દુકાન ચલાવી શક્યા ન્હતા. જેથી તેમના રોજબરોજના ખર્ચમાં મુશ્કેલી સર્જાઇ હતી. આ મહિલાને જોઇતો સામાન ભરી તેમને નિયમીત થવા માટે મદદ કરવામાં આવી છે.

- પતિ મૃત્યુ પામ્યા અને પરિવારમાં માત્ર એક સંતાન
નીરવ ઠક્કર જણાવે છે કે, મહિલાઓને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે. તેઓ આપણી આસપાસ માતા, બહેન, માસી, મિત્ર, માર્ગદર્શક કોઇને કોઇ સ્વરૂપે જોવા મળે છે. આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર બે કિસ્સાઓ અમારી સામે આવ્યા, જેણે અમને વિચારવા પર મજબુર કરી દીધા છે. એક મહિલા પિન્કી કેન્સરથી પીડિત છે. હાલ તે કિમો થેરાપીની સારવાર લઇ રહી છે. જીવનમાં બધુ સારૂ હતું ત્યારે તે કમાઇ શકતા હતા. પરંતુ અચાનક આવી પડેલી કેન્સરની બિમારીમાં તેઓને ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અકોટા વિસ્તારમાં રહેતા મહિલાની હકીકત જાણી અમારી ટીમ ત્યાં પહોંચી છે. ત્યાં જાણ્યું કે તેમના પતિ મૃત્યુ પામ્યા છે. અને પરિવારમાં માત્ર એક સંતાન છે. તેમને મુખ્ય રોજબરોજના રાશનની જરૂરિયાત હોવાનું ધ્યાને આવતા તેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આગામી ત્રણ માસ સુધી તેઓ રાશનની જરૂરિયાતને લઇને નિશ્ચિંત બન્યા છે. સમયાંતરે એક વર્ષ સુધી અમે તેમને રાશન સહિતની જરૂરી સહાય આપવા કટિબદ્ધ છીએ.

- જરૂરિયાત કેવી રીતે પુરી કરવી તેનો પ્રશ્ન સર્જાયો
નીરવ ઠક્કર વધુમાં જણાવે છે કે, ચક્ષુ દિવ્યાંગ મહિલા અર્ચના બહેન સ્ટેશન વિસ્તારમાં લારી ચલાવે છે. તેમાંથી થતી આવક તેમની આજીવિકાનું સાધન છે. છેલ્લા કેટલાય દિવસથી તેઓ બિમાર પડ્યા હોવાથી, તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરવા પડ્યા હતા. જે દરમિયાન તેમનું કામ બંધ રહ્યું હતું. જેથી રોજબરોજની જરૂરિયાત કેવી રીતે પુરી કરવી તેનો પ્રશ્ન સર્જાયો હતો. અમારા દ્વારા તેમની દુકાનમાં પાણીની બોટલ, વેફર, બિસ્ટીટ સહિતનો જરૂરી સામાન ભરી આપવામાં આવ્યો છે. હવે તેઓ નિશ્ચિંત બનીને રોજીંદા કામ કરી શકશે. તેમના પતિનું વર્ષો અગાઉ દેહાંત થયું છે.
- નાનો ટેકો કોઇના જીવનમાં મોટી મદદ સાબિત થઇ શકે આખરમાં નીરવ ઠક્કર જણાવે છે કે, તમારી આસપાસ પણ જો કોઇ મહિલા પરિસ્થિતીઓ સામે ઝઝૂમી રહી હોય તો તેમને તુરંત મદદ પહોંચાડો. તમારી નાની સહાય કોઇના જીવનમાં મોટી મદદ સાબિત થઇ શકે છે. શ્રવણ સેવ ફાઉન્ડેશન દ્વારા નાનકડો પ્રયાસ કરીને બે મહિલાઓને યથાશક્તિ મદદ કરવામાં આવી છે. અને બંને મહિલાઓને ભવિષ્યમાં પણ મદદ સુનિશ્ચિત થાય તેવા અમારા પ્રયત્નો રહેશે.

Reporter: admin