ભાડે થી લઈ મકાન માલિક બનવાની સફરમાં ચાવડા પરિવારે પ્રધાનમંત્રીનો દિલથી આભાર વ્યક્ત કર્યો...
પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U) એ ભારત સરકારની ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા 25 જૂન, 2015 થી શરૂ કરાયેલી મહત્વકાંક્ષી યોજના છે.
આ યોજના શહેરી વિસ્તારોમાં વસતા આવકની દૃષ્ટિએ નબળા વર્ગના નાગરિકોને પાક્કા ઘરો પૂરા પાડવાનો ઉદ્દેશ ધરાવે છે. ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) અંતર્ગત વડોદરા શહેરના રીક્ષા ચલાવનાર 42 વર્ષીય નિમિષકુમાર ચાવડા હવે પોતાનાં સ્વપ્નના નવા ઘરમાં વસવાટ કરી રહ્યાં છે. વર્ષો સુધી ભાડાના મકાનમાં સમય વિતાવ્યા બાદ ફેબ્રુઆરી 2025ના શુભ સમયમાં તેમણે અને તેમના પરિવારજનોએ પોતાનું પહેલું પોતાનું એક BHK ઘર મેળવ્યું.નિમિષભાઈના જણાવ્યા અનુસાર, “અમે ઘણા વર્ષો સુધી ભાડાના મકાનમાં રહ્યા. ભાડા ભરવા, ઘરમાલિકની મરજી પ્રમાણે જીવું, અને વારંવાર સ્થળ બદલવું જેનાથી અમારું જીવન વારંવાર ખોરવાઈ જતું. પરંતુ હવે ઘર આપણું પોતાનું છે તેમાં વસવાનો એક આગવો સંતોષ છે.”ચાવડા પરિવાર મૂળ વડોદરાવાસી છે અને નિમિષભાઇના પિતા શહેરની એક ખાનગી બરફ ફેક્ટરીમાં કાર્યરત હતા, જે નિવૃત્તિ બાદ પણ પરિવાર માટે રીક્ષા ચલાવીને એક આદર્શ પિતા તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. અગાઉ તેઓ કંપની દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આવાસમાં રહેતા, અને ત્યારબાદ વડોદરા શહેરના છાણી જકાત નાકા વિસ્તારમાં ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા.આજથી કેટલાક મહિના અગાઉ, તેમણે સ્થાનિક અખબારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે જાણકારી મેળવી. દીકરા નિમિષભાઇની ઉત્સુકતા અને સ્વપ્ન સાકાર કરવાની ઇચ્છાએ પરિવારને અરજી માટે પ્રેરિત કર્યું. ત્યરબાદ ટૂંક જ સમયમાં જ ડ્રોમાં પસંદગી મળતાં તેમને પોતાનું ઘર ખરીદવાનું સપનું સાકાર કર્યું.રામજીભાઈએ ભાવવિભોર થઈ જણાવ્યું કે, “આજ જ્યારે હું સાંજે ઘરની ઓટળીએ બેસીને પાડોશીઓ સાથે વાત કરું, ઘરે મહેમાનોને આમંત્રિત કરીએ, ત્યારે એવું લાગે છે કે આખી જિંદગીના સંઘર્ષને આજે શાંતિ મળી છે. આ યોજના માત્ર ઘરના ઈંટ-ગારાની મદદ નથી, પણ એ સન્માન, ઓળખ અને આત્મસન્માન આપતી યોજના છે.” અન્ય હજારો પાત્ર નાગરિકોની જેમ ચાવડા પરિવાર પણ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા રચાયેલ પ્રણાલીબદ્ધ અને પારદર્શક પ્રક્રિયા પ્રસંશનીય છે. આવું ઘર દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે અને ભારત સરકારના આવા પ્રયાસો સમાજમાં સમૃદ્ધિ અને સ્થિરતાનું બીજ વાવે છે.નિમિષભાઈ અને તેમનો પરિવાર આજે પોતાના ઘરમાં હર્ષ અને ગૌરવ સાથે જીવન વિતાવે છે. ઘર જે માત્ર ચાર દીવાલો નહિ, પણ યાદગાર ક્ષણોનું આંગણું છે.
Reporter: admin







