વડોદરા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામતની કામગીરી મિશન મોડમાં હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે વડોદરા-પાદરા રોડ સંપૂર્ણપણે દુરસ્ત કરી દેવામાં આવ્યો છે.

રાજ્યના નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો મુજબ વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું.માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર કૌશિકભાઈ પ્રજાપતિએ વિગતો આપતા જણાવ્યું હતું કે, એક જ દિવસમાં વડોદરા-પાદરા માર્ગ પર ૮ કિલોમીટરની લંબાઈમાં રસ્તા પર ૨૦૦ જેટલા નાના-મોટા ખાડાઓને પૂરીને રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ કામગીરી માટે કુલ ૪૨ ટન ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ૧ રોલર, ૧ ડમ્પર અને ૧૭ શ્રમિકોની ટીમે ભારે વરસાદના કારણે થયેલા ખાડાઓ અને ક્ષતિઓને સુધારવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. આ કામગીરી અધિકારીઓની દેખરેખ હેઠળ સરકારની સૂચના મુજબ પૂર્ણ કરવામાં આવી છે.હવે વડોદરા-પાદરા માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત અને સુવિધાજનક બન્યો છે, જેનાથી પ્રવાસીઓને સરળતાથી અવરજવર કરી શકાશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અન્ય ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામતનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.




Reporter:







