News Portal...

Breaking News :

ફક્ત 12 પાસ રોહિતભાઈ હાલ ડિજિટલ માધ્યમ થકી કરી રહ્યા છે વિદેશ વ્યાપાર

2025-07-21 14:02:18
ફક્ત 12 પાસ રોહિતભાઈ હાલ ડિજિટલ માધ્યમ થકી કરી રહ્યા છે વિદેશ વ્યાપાર


વાંસમાંથી તૈયાર કરેલા કાર્બન આધારિત પ્રોડક્ટ્સ આજે માત્ર ભારતમાં નહીં, પણ વિદેશોમાં પણ ડિજિટલ માધ્યમ થકી પહોંચ્યા...



રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીમાં કરેલા સ્ટાર્ટઅપ માટે રૂ. 25 લાખની સહાય...
વડોદરાના કરજણ તાલુકાના ધાવટ ગામના ખેડૂત રોહિતભાઈ પટેલે માત્ર 12મું ધોરણ પૂર્ણ કર્યું છે પણ તેમના વિચારો અને કાર્યપદ્ધતિ વિશ્વ સ્તરે પોતાનું નામ કંડારવા જેવાં છે. તેઓ આજે એવી ક્ષિતિજે ઊભા છે જ્યાં ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી એક નવો ક્રાંતિકાળ સર્જાયો છે. વાંસમાંથી તેમણે તૈયાર કરેલા કાર્બન આધારિત પ્રોડક્ટ્સ આજે માત્ર ભારતમાં નહીં, પણ વિદેશોમાં પણ ડિજિટલ માધ્યમ થકી પહોંચ્યા છે. મૂળ સુરતમાં જન્મેલા, હાલમાં વડોદરામાં રહેતા અને ધાવટ ગામે પ્રાકૃતિક ખેતી કરતા રોહિતભાઈએ વર્ષ 2016માં સીતાફળની ખેતીથી શરૂઆત કરી હતી. પરંતુ શરૂઆતમાં જ રાસાયણિક જંતુનાશકો પર 70,000 રૂપિયાનો ખર્ચ કરીને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું. આ નિષ્ફળતાથી દુ:ખી થયા પણ હાર નહીં માની. કુદરતથી પ્રેમ અને ધરતીને બચાવવાની લાગણી સાથે તેમણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું.

સંશોધન અને આત્મવિશ્વાસનું સંયોજન
ત્યારબાદ તેમને બાયોચાર વિશે જાણ થઇ અને આંતરરાષ્ટ્રીય બાયોચાર સંસ્થા (IBI) સાથે સંકળાઈને બાયોચારના વૈજ્ઞાનિક પાસાઓને સમજ્યા અને પોતાના ખેતરમાં વાંસમાંથી બાયોચારનું ઉત્પાદન શરૂ કર્યું. બાયોચાર એટલે એવો કાળો કાર્બન ઘટક જે કૃષિ અવશેષો અને બાયોમાસમાંથી બને છે અને જમીનની સજીવતા વધારવામાં અને પર્યાવરણને બચાવવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રોગ્રામ ઓફ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીમાં કરેલા સ્ટાર્ટઅપને વધુ વિકસિત કરવા માટે રૂ. 25 લાખની સહાય પ્રાપ્ત થઈ છે.
વાંસમાંથી વૈવિધ્યસભર આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉત્પાદનો
રોહિતભાઈ આસામથી આયાત કરેલા વાંસની વડોદરાની જમીનમાં ખેતી કરે છે. હાલ તેમની પાસે 12 વિઘા જમીન છે જેમાં કુદરતી પદ્ધતિથી વાંસ, કેરી અને મોસમી શાકભાજીની ખેતી થાય છે. 600થી વધુ વાંસના વૃક્ષો આજે તેમના ખેતરમાં શોભી રહ્યા છે. વાંસમાંથી તેઓ જે બાયોચાર અને અર્ક તૈયાર કરે છે તેનો ઉપયોગ વાળ, ચહેરા, દાંત, અને પાચનતંત્ર માટે કરવામાં આવે છે. કાર્બનનો આ સ્વરૂપ શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને કિડનીના કાર્યને સુધારવામાં ખૂબ સહાયક સાબિત થાય છે.



આજે રોહિતભાઈના ખેતરમાં આસામથી આયાત કરેલા અને હવે સ્થાનિક રીતે વાવેલા વાંસમાંથી અનેક પ્રકારના આરોગ્યદાયક પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. જેમકે: એક્ટિવ ચારકોલ પાવડર – ચહેરા, દાંત અને વાળ માટે; બામ્બુ વિનેગર – પાચન સુધાર માટે; ડ્રોપ, સ્પ્રે, શેમ્પૂ, બોડી વોશ; ફેસપેક, કાર્બન અને વિનેગર સાબુ; પશુઓ માટે ખાસ વિનેગર ડ્રોપ્સ, વગેરે. આ તમામ પ્રોડક્ટ્સ શરીરના ડિટોક્સિફિકેશન, ટોક્સિન નિવારણ, કોલેસ્ટ્રોલ ઘટાડો અને પાચનશક્તિ સુધારવા માટે ઉપયોગી છે. ખાસ કરીને તેમની પ્રોડક્ટ્સમાં 50% થી વધુ કાર્બન હોય છે, જે શરીરમાં રહેલા રાસાયણિક પદાર્થોને શોષી લેવા માટે સક્રિય રહે છે.

નાનકડા ગામથી વિશ્વ સુધીનું ડિજિટલ સંચાલન
તેઓ હાલમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો સહારો લઈને તેમની પ્રોડક્ટ્સને દેશના વિવિધ રાજ્યો ઉપરાંત યુએસએ સુધી નિકાસ કરે છે. તેમના વ્યવસાયની વાર્ષિક આવક આશરે 10થી 15 લાખ સુધી છે.રોહિતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ આજુબાજુના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપે છે અને પર્યાવરણની જાળવણી સાથે માનવજાતને આરોગ્ય તરફ દોરી જાય છે.જ્યાં એક તરફ ભણેલા લોકો પણ ખેતીથી ગભરાય છે, ત્યાં રોહિતભાઈએ માત્ર 12મા ધોરણ સુધીના અભ્યાસ બાદ પોતાના ખેતરને સંશોધનનું લેબોરેટરી બનાવ્યું છે. વાંસ જેવી સામાન્ય વસ્તુમાંથી તેમણે જે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે, તે દરેક નવયુવાન ખેડૂત માટે પાથદર્શક છે.

Reporter:

Related Post