News Portal...

Breaking News :

વડોદરા મ્યુ.કમિશનરની કેમ્પ ઓફિસ કે કારભારા ઓફિસ

2025-11-21 11:43:26
વડોદરા મ્યુ.કમિશનરની કેમ્પ ઓફિસ કે કારભારા ઓફિસ


આ ફાઇલોને ચોરી કરવા પાછળનો હેતુ શું હોઈ શકે? આ ફાઇલો સાથે ચેડા કરવા, કેટલાક દસ્તાવેજને નષ્ટ કરવાથી મૂળ શરતો રેકોર્ડ ઉપર રહે જ નહીં જેથી શરત ભંગનો કોઈ પ્રશ્ન આવે પણ નહીં. કેટલાક મૂળ દસ્તાવેજો સાથેની આ ફાઇલો હતી. આ ફાઈલો ઉપર જવાબદાર અધિકારીઓ- ઉચ્ચ અધિકારીઓનાં સહી- સિક્કા પણ થયા હતા. અસલ મહત્વના દસ્તાવેજ સાથેની આ ફાઇલો હતી. આ ફાઇલમાં સહી- સંમતિ-નોટિંગને જો ચકાસવામાં આવે તો અધિકારીઓની ભૂંડી ભૂમિકા બહાર આવે તેમ છે....



કેમ્પ ઓફિસ સુરક્ષા ગાર્ડ અને રાઉન્ડ ધ ક્લોક સીસીટીવીથી ઘેરાયેલી હોવા છતાં કોઈએ ‘અતાપી’ સંબંધિત ફાઈલોની કેવી રીતે ચોરી કરી?
કમિશનરની કેમ્પ ઓફિસમાંથી ‘અતાપી’ સહિત 150 ફાઇલો ગાયબ, પોલીસે તપાસ શરૂ કરી.
સુરક્ષા વચ્ચે ફાઇલ ચોરીનો મામલો, સીસીટીવી ફૂટેજ અને ઓફિસ અવરજવર સંદર્ભે તપાસ....
ફાઇલ ચોરીના કેસમાં અધિકારીઓની ભૂમિકા અંગે ચર્ચા, કેમ્પ ઓફિસ સંચાલન પર પ્રશ્નો....
રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા વચ્ચે ‘અતાપી’ ફાઇલ ગાયબ — કમિશનરની કેમ્પ ઓફિસમાં પૂર્વ આયોજીત કાવતરાની શંકા..
વડોદરા સ્માર્ટ સિટીમાં સ્માર્ટ ચોરી — કમિશનરનાં કેમ્પસમાંથી 150 ફાઇલો ક્યાં ઉડી ગઈ ?..
વડોદરા મ્યુનિસીપલ કમિશનરના બંગલા પાસે આવેલી કેમ્પ ઓફિસમાંથી ‘અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક’ સંબંધિત ફાઇલ સહિત લગભગ 150 ફાઇલો ગાયબ થવાની ઘટનામાં સયાજીગંજ પોલીસે હાલ ‘માહિતી માટે’ ફરિયાદ લઈ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસ આખો ઘટનાક્રમ સમજી તેના આધારે તપાસ કરી રહી છે. જોકે કેટલો સમય વીતી ગયો હોવાને કારણે સીસીટીવી ફૂટેજ મળે કે ન તે શંકાનો વિષય છે. તેમ છતાં, કેમ્પ ઓફિસમાં અવરજવર કરનારાં તમામ લોકો વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે.નવાઇની વાત એ છે કે આખો વિસ્તાર સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડોથી સજ્જ હોવા છતાં ફાઈલ ચોરાઈ જાય છે.  કોઈને ભનક પણ ન લાગી. આ કેમ્પ ઓફિસ મ્યુનિસીપલ કમિશનરના બંગલાની અંદર હોવાથી  ‘રાઉન્ડ ધ ક્લોક’ સુરક્ષા રાખવામાં આવે છે. તો પછી જ્યારે સત્તાધીશો જાણ થઈ કે અતાપીની મહત્વપૂર્ણ ફાઇલો ચોરાઈ ગઈ છે, ત્યારે તેઓએ તાત્કાલિક સીસીટીવી ફૂટેજ સુરક્ષિત શા માટે ન કર્યું ? જો ફૂટેજ ટકાવી રાખવામાં આવ્યું હોત તો આરોપી વહેલી તકે પોલીસ હાથ ધી લાગી શકતાં. લાગે છે કે કોઈ ટોળકીએ આ કૃત્ય પૂર્વયોજિત રીતે કર્યું છે, તેથી ફાઇલ શોધવી પોલીસ માટે મુશ્કેલ થઈ શકે છે.વડોદરા સ્માર્ટ સિટી હોય છતાં અને આખા શહેરમાં 1,500થી વધુ સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં આવી ચૂસ્ત સુરક્ષામાં ફાઈલ ચોરી થવી અશક્ય છે. આ કેમ્પ ઓફિસમાં સામાન્ય વ્યક્તિને પ્રવેશ અમુક હદ સુધી અશક્ય છે. અહીં માત્ર મહત્ત્વના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જ પ્રવેશ કરી શકે છે. તેથી સૌથી પહેલાં તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરવી જરૂરી છે. જે અધિકારીઓ વારંવાર આવન-જાવન કરતા હોય તે જ  આ ફાઇલો ગાયબ કરી શકે છે. આફાઇલો પૂર્વયોજિત રીતે બદઇરાદાપૂર્વક ગાયબ કરી દેવામાં આવી છે. એ કામ સામાન્ય અધિકારી ન કરી શકે તેવું  માનવામાં આવે છે. કોઈ અધિકારી અથવા પૂર્વ સનદી અધિકારી દ્વારા આ કૃત્ય થયું હોવાનો અનુમાન છે.હાલના કમિશનર અરુણ મહેશ બાબુએ આ મામલામાં ફરિયાદ આપી પોતાની જવાબદારી માંથી છૂટવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ દરેક વડોદરાવાસીઓ જાણે છે કે સંચાલક વિવાદાસ્પદ છે. ભુજ સીઆઈડીએ તેના ઉપર જમીન સંદર્ભ ગુનો દાખલ કર્યો છે. સંચાલક જેલવાસ ભોગવી ચુક્યો છે. હાલ જામીન ઉપર છુટેલ છે



બાંધકામ શાખામાંથી પણ સેંકડો ફાઇલો ગુમ કરાઈ છે.
કોર્પોરેશની ભ્રષ્ટાચારની ગંગોત્રી ગણાતી બાંધકામ પરવાનગી શાખા પણ વિવાદોમાં રહે છે. જ્યાંથી સેંકડો ફાઇલો ગુમ થવાની માહિતી છે‘'ઇમ્પેક્ટ’ સંબંધિત ઘણાબધા કેસ માં ફાઇલો સગેવગે કરાઇ છે પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીના કાર્યકાળમાં પણ આવી વિવાદાસ્પદ  ઘણી ફાઇલો ગાયબ થયાની ચર્ચા છે. કમિશનરે હવે બાંધકામ શાખામાં વિજીલન્સ દ્વારા તપાસ શરુ કરવી જોઈએ. એમાં ચોંકાવનારી માહિતીઓ પ્રકાશમાં આવી શકે છે.

કેમ્પ ઓફિસમાંથી ફાઇલો ક્લિયર કરવાની પ્રથા પૂર્વ કમિશનરો એ શરુ કરી હતી....
મ્યુનિસીપલ કમિશનરની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ માં આવેલી છે અને કમિશનર સામાન્ય રીતે ત્યાં જ બેસીને કાર્ય ચલાવે છે. તો પછી કેમ્પ ઓફિસ માં મહત્વની ફાઇલો કેમ લાવવામાં આવી તે મોટો પ્રશ્ન છે. કેમ્પ ઓફિસમાંથી ફાઇલો ક્લિયર કરવાની પ્રથા પૂર્વ કમિશનરોએ શરુ કરી હતી. જે તે સમયે વિવાદાસ્પદ રહી છે. પૂર્વ કમિશનરો કેમ્પ ઓફિસમાંથી જ આખા શહેરનો વહીવટ ચાલાવતા થઈ ગયા હતા અને ત્યાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની અવરજવર વધુ રહતી હતી. તે સમયે સત્તાના મદ મા રહેલા કમિશનરો ભાન ભૂલી ગયા હતા. ભ્રષ્ટાચારમાં રંગાયેલા પૂર્વ કમિશનરો મહત્વની ફાઇલો કેમ્પ ઓફિસમાં જ લઈ જતાં અને ત્યાં બેસીને તે ફાઇલો ગીવ એન્ડ ટેકથી ક્લિયર કરતા હતા.

પોલીસે પ્રારંભિક તપાસ શરુ કરી

હાલ સયાજીગંજ પોલીસે આ મામલે ફરિયાદ લઈ પ્રારંભિક તપાસ શરુ કરી છે. સીસીટીવી ફૂટેજ મળે કે ન મળે તે પણ તપાસ અંતર્ગત છે. આગળ જેમ જેમ માહિતી મળશે તે મુજબ વધુ તપાસ કરાશે.
— ડૉ. જગદીશ ચાવડા, ડી સી પી

Reporter: admin

Related Post