News Portal...

Breaking News :

જીલ્લા ભાજપ અધ્યક્ષ પર પદના દુરુપયોગના આક્ષેપ: વિકાસના નામે ભવાની પેવર્સને ફાયદો?

2025-11-21 11:36:42
જીલ્લા ભાજપ અધ્યક્ષ પર પદના દુરુપયોગના આક્ષેપ: વિકાસના નામે ભવાની પેવર્સને ફાયદો?


સત્તા કે સોદો? વડોદરા જીલ્લા ભાજપ અધ્યક્ષના પેવરબ્લોક ધંધાને લઈ ઉઠ્યા સવાલો...



પક્ષની છબી પર ડાઘ: અધ્યક્ષના પ્રભાવ હેઠળ જીલ્લાની ગ્રાન્ટોમાં પહોંચ્યા પોતાના પેવરબ્લોક...
વડોદરા જીલ્લા ભાજપમાં સત્તા અને સંગઠનનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે થતો હોવાના આક્ષેપોથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ પર પોતાના પદનો દુરુપયોગ કરી પેવરબ્લોકના વેપારને વધારવાનો આક્ષેપ થયો છે. પદની પ્રભાવના હેઠળ તેમણે લખેલા વિકાસના આયોજન મુજબ જ તેમની જ ફેક્ટરી ‘ભવાની પેવર્સ’માંથી પેવરબ્લોક સપ્લાય થયા હોવાનું બહાર આવ્યું છે.માહિતી મુજબ, 20 ઓગસ્ટે રસિકભાઈ પ્રજાપતિએ વડોદરા તાલુકા પંચાયત પ્રમુખને પત્ર લખી આશરે 15 લાખના વિકાસના કામોની યાદી મોકલી હતી. આ પૈકી 10 લાખના કામો મંજુર થયા હતા, જેમાંથી ત્રણ કામો ખાસ કરીને પેવરબ્લોક સંબંધિત હતા. રસિકભાઈના નજીકના ઈજારદાર કેતન ઠાકોર અને ધર્મેશ પટેલને આ કામો ફાળે મળ્યા, અને આશ્ચર્યજનક રીતે તમામ કામોમાં રસિકભાઈની જ ફેક્ટરીના બ્લોક ઉપયોગમાં લેવાયા.પડદા પાછળ ચર્ચા છે કે, જીલ્લા ભાજપ અધ્યક્ષ બન્યા બાદ રસિકભાઈના પેવરબ્લોક વેપારમાં અચાનક તેજી આવી છે. ધારાસભ્ય ગ્રાન્ટ, તાલુકા અને જીલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી મંજુર થતા મોટાભાગના પેવરબ્લોકના કામો હવે તેમના નજીકના કોન્ટ્રાક્ટરોના હાથમાં જ જાય છે. રુંવાદ, સલાડ, રાભીપુરા અને અનેક ગામોમાં જે કામો થયા છે, તેમાં પણ ભવાની પેવર્સના બ્લોકનો જ ઉપયોગ થયો હોવાની પુષ્ટિ થઈ રહી છે.


વિરોધપક્ષના નેતાઓએ આ મામલે ભાજપની નૈતિકતા અને પારદર્શિતાને સવાલ હેઠળ રાખી છે. ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપના સંગઠનના હોદ્દેદાર પોતાના પદનો દુરુપયોગ કરી વ્યક્તિગત ફાયદો લેતા હોય તો આ સીધી સત્તાનો વેપાર ગણાય. “જે ભાજપ પોતાને સંકલ્પિત અને અંશદશા રહિત શાસન કહે છે, એ પક્ષના અધ્યક્ષ જો વેપાર માટે ગ્રાન્ટ સુધીમાં હસ્તક્ષેપ કરે તો આ ‘સત્તા નહિ, સોદેબાજી’ છે, બીજી બાજુ, ભાજપના આંતરિક સ્તરે પણ આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે. કેટલાક કાર્યકરો કહી રહ્યા છે કે પદને વ્યાપારના સાધન તરીકે ઉપયોગ કરવાથી પક્ષની છબી ખરાબ થઈ રહી છે. જિલ્લા સ્તરે કોઈ તપાસ હાથ ધરાય તો અનેક એવા કોન્ટ્રાક્ટર અને રાજકીય સંબંધો બહાર આવી શકે છે, જે પેવરબ્લોકના સોદાઓ સાથે જોડાયેલા છે.રસિકભાઈ પ્રજાપતિએ પોતાનો પક્ષ રાખતાં જણાવ્યું કે તેઓ 2007થી પેવરબ્લોકના વેપારમાં છે અને પક્ષના પદ પહેલાંથી જ આ વ્યવસાય ચલાવે છે. “લોકોની રજૂઆતો મેળવ્યા પછી અમે વિકાસના કામોની ભલામણ કરીએ છીએ, અને કોણે કયો સપ્લાય કરવો તે ઈજારદાર નક્કી કરે છે,” એમ તેમણે સ્પષ્ટતા કરી.તેમ છતાં, ભાજપના આંતરિક વર્તુળોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે સંગઠન અને સત્તાધીશો વચ્ચેની એ લાઇન ક્યાં સુધી ખેંચાશે. કારણ કે, એક સંગઠન અધ્યક્ષના હાથમાં જ જો ગ્રાન્ટ, કોન્ટ્રાક્ટ અને સપ્લાયનો સૂત્ર એકસાથે બંધાય તો તે માત્ર વેપાર નહિ, સંગઠનના આદર્શો માટે જોખમ ગણાય.

Reporter:

Related Post