રોડમાં કરોડોના ભ્રષ્ટાચાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મીલીભગત...
ભુવાએ કોન્ટ્રાકટર અને પાલિકાના અધિકારીઓની પોલ ઉગાડી પાડી દીધી
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદ પોલીસ સ્ટેશન પાછળ ભાઇલાલ પાર્ક પાસે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો
છેલ્લા એક માસથી ભૂવો પડ્યો છે સ્થાનિકોની રજૂઆત છતાં કોઇ નગરસેવકો ન ફરકતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

સ્થાનિકોએ જણાવ્યું અહીંના ધારાસભય મનિષાબેન વકીલને ઇલેક્શન બાદ જોયા જ નથી, પાલિકાના કાઉન્સિલરો,અધિકારીઓ ને નવરાત્રિ ગરબાનો થાક ઉતાર્યો ન હોય તેમ જણાય છે
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ પોલીસ સ્ટેશન પાછળ આવેલા ભાઇલાલ પાર્ક ખાતે છેલ્લા એક માસ ઉપરાંતથી ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હતો જેના સમારકામ બાબતે સ્થાનિકો દ્વારા અનેકવાર સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડમાં રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ના તો ધારાસભ્ય કે મ્યુનિસિપલ કાઉન્સિલરો અહીં આજદિન સુધી જોવા સુધ્ધાં ન આવતા સ્થાનિકોનો પિતો છટક્યો હતો અને તંત્ર, ધારાસભ્ય અને સ્થાનિકો સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ વહેલી તકે જો અહીં કામગીરી નહીં કરવામાં આવે તો વિસાવદરવાળી કરવાની ચિમકી ઉચ્ચારી છે.શહેરમાં ભૂવાઓ પડવાનો સિલસિલો ચોમાસાની વિદાય છતાં યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા નજીક આવેલા બાપોદ તળાવ સામેના બાપોદ પોલીસ સ્ટેશન પાછળ ભાઇલાલ પાર્ક આવેલું છે. આ વિસ્તારમાં આસપાસ રહેણાંક વિસ્તાર છે અહીંથી દરરોજ બાળકો શાળાએ અવરજવર કરે છે સાથે જ નોકરિયાત અને ધંધા રોજગાર કરતા લોકો વહેલી સવારે અને મોડી રાત્રે પણ અવરજવર કરતા હોય છે.આ રોડ પર છેલ્લા એક મહિનાથી મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે જે અંગેની સ્થાનિકોએ ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરો તથા વોર્ડ કચેરીમાં અવારનવાર કરી હતી પરંતુ આજદિન સુધી પાલિકાના અધિકારીઓ કે સ્થાનિક કાઉન્સિલરો કાર્યવાહી ની વાત તો દૂર રહી પરંતુ જોવા સુધ્ધાં આવ્યા નથી જેના કારણે હવે સ્થાનિકોની સહનશક્તિ પણ જવાબ આપી ગઇ છે ત્યારે બુધવારે સ્થાનિકોએ પાલિકા તંત્રની કામગીરી સામે, સ્થાનિક ધારાસભ્ય અને કાઉન્સિલરો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જો થોડાક દિવસોમાં કાર્યવાહી હાથ નહીં ધરવામાં આવે તો વિસાવદરવાળી કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અહીંના ધારાસભ્ય મનિષા વકીલને ચૂંટણી સમયે વોટ માંગવા આવ્યા હતા ત્યારે જોયા હતા ત્યારબાદ આજદિન સુધી આ વિસ્તારમાં ધારાસભ્ય ને જોયાં સુધ્ધાં નથી. શું પાલિકા તંત્ર કોઇ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? ચૂંટાયેલા સ્થાનિક નગરસેવકો અને પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ને જાણે નવરાત્રિના ગરબાનો થાક ઉતાર્યો નથી એવું જણાય છે તેવા કટાક્ષ સાથે જ લોકોએ આક્રોશમાં સતાધારીઓને ચોપડી આપ્યું હતું જેમાં 'ભાજપના લોકો અમે જીતી ગયા તેવી ખાંડ ખાધી હોય તો ભૂલી જજો નહીંતર વડોદરામાં વિસાવદરવાળી થશે' તેવી ચિમકી ઉચ્ચારી છે. સાથે જ આ ભ્રષ્ટાચાર રૂપી ભૂવાને અગ્રિમતા આપી વહેલી તકે પૂરાણની કામગીરી કરવાની માંગ કરી છે.
શહેરમાં કોન્ટ્રાકટર અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ની મિલીભગતથી વારંવાર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થાય છે
શહેરમાં દર વર્ષે રોડ તૈયાર કરવામાં આવે છે પરંતુ આ રોડ બનાવવા માટે પાલિકા દ્વારા નિયુક્ત કરવામાં આવતા કોન્ટ્રાકટર અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠ થી રોડની તકલાદી કામગીરી કરવામાં આવે છે એટલે કે હલકી ગુણવત્તા, યોગ્ય રીતે રોડના લેવલની કામગીરી, પૂરાણ કરવામાં આવતું નથી જેના કારણે ઉપરથી દેખાડા માટે બનેલ રોડ ખરેખર અંદરથી ઠોસ ન હોવાથી થોડા જ સમયમાં ભારદારી વાહનો ના વજન થકી અથવા તો ચોમાસામાં જમીનમાં વરસાદી પાણી ઉતરતા જ રોડ બેસી જાય છે,રોડમા ખાડાઓ અને ભૂવાઓના નિર્માણ થાય છે. અવારનવાર તૈયાર રોડમા ખાડાઓ, ભૂવાઓ પડી જતાં હોય છે ત્યારબાદ એ જ કોન્ટ્રાકટર ને રોડની કામગીરી મળતી હોય છે આમ આ મિલિભગતથી મજબૂત રોડ ને બદલે તકલાદી રોડ તૈયાર કરવામાં આવે છે જેના કારણે શહેરમાં અવારનવાર ભ્રષ્ટાચાર રૂપી ભૂવાઓ પડતા આવ્યા છે જે સિલસિલો હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ચાલી રહી હોવા છતાં યથાવત જોવા મળી રહ્યાં છે.

રોડ પર દરવર્ષે કાર્પેટિગ કરતા રોડ ઉંચા અને આસપાસની સોસાયટી દુકાનો નીચાણમાં જતાં વરસાદી પાણી ભરાતાં દર વર્ષે નુકસાન થાય છે
શહેરના પૂર્વ વિસ્તારમાં અગાઉ રોડની આસપાસની સોસાયટી સમાંતર રોડ હતા ત્યારે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની શક્યતા અને સમસ્યા જેટલી ઉદભવતી ન હતી તેટલી છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે. અહીં પૂર્વ વિસ્તારમાં અવારનવાર તૈયાર રોડ પર કાર્પેટિગ કરતા હવે રોડના લેવલ ઉંચા થઈ ગયા છે અને આસપાસની સોસાયટીઓ,દુકાનો નીચાણમાં જતાં રહ્યાં છે જેના કારણે ચોમાસાની ઋતુમાં નજીવા વરસાદમાં પણ આસપાસના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતાં હોય છે જેના કારણે દર વર્ષે લોકોના ઘરવખરીના સામાનને નુકસાન થાય છે સાથે જ દુકાનોમાં લાખોના સામાનને નુકસાન થાય છે. વરસાદી પાણીનો નિકાલ થઇ શકતો નથી .દર વર્ષે લોકોનો આક્રોશ આ વિસ્તારમાં જોવા મળે છે તેમ છતાં જાડી ચામડીના તંત્ર ને અસર થતી નથી.
પૂર્વ વિસ્તારમાં રોડનું લેવલ ઉંચા થતાં ડ્રેનેજના પાણી ચોમાસામાં બેક મારતાં લોકોના મકાનમાં ડ્રેનેજના પાણી ભરાય છે
શહેરના પૂર્વ વિસ્તારમાં રોડ પરનું કાર્પેટિગ કરવાને કારણે રોડ નું લેવલ ઉંચુ ગયું છે સાથે જ ડ્રેનેજ મેમ્બરો પણ ઉંચી કરવી પડી છે જેના કારણે ચોમાસામાં જ્યારે વરસાદી પાણી ભરાઇ જાય ત્યારે ડ્રેનેજના પાણી આગળ વધી ન શકતા તે દુર્ગંધયુક્ત પાણી લોકોના મકાનોમાં બેક મારતાં લોકોને શૌચ અને સ્નાનાદિ ક્રિયા માટે પણ તકલીફ પડે છે. પાલિકા પાસે યોગ્ય ઇજનેરો અને આધુનિક ટેકનોલોજી વાળા સાધનો જ નથી જેના કારણે ડ્રેનેજ લાઇન, ડ્રેનેજ ચેમ્બર, પાણીની લાઇનો અને રોડ તથા રોડ પરના સ્પિડબ્રેકરો પણ આડેધડ બનતા સરવાળે વેરો ભરતી જનતાને તકલીફ થાય છે. અને દર વર્ષે રોડના અયોગ્ય લેવલ, ડ્રેનેજ ચેમ્બર ઉંચી થતાં લોકોને લાખોના નુકસાન વેઠવાનો, પરેશાન થવાનો વારો આવે છે.
પૂર્વ વિસ્તારમાં રોડ પર આડેધડ, ધારાધોરણો વિનાના સ્પિડ બ્રેકરો ને કારણે ઇમરજન્સી વાહનોનો સમય વેડફાય છે*
શહેરના પૂર્વ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં રોડ પરના સ્પિડ બ્રેકરો ધારાધોરણો વિનાના જોવા મળે છે. કોઇપણ સ્પિડબ્રેકરો એક સરખા અને નિયમો મુજબ બન્યા જ નથી સાથે જ જ્યાં જરૂર જ નથી તેવી જગ્યાએ સ્પિડબ્રેકરો બનાવવામાં આવ્યા છે. ખરેખર અમુક અંતરે જ સ્પિડ બ્રેકરો હોવા જોઈએ અને તે પણ એક સરખા ધારાધોરણ મુજબ પરંતુ આવડત વિનાના ઇજનેરો અને પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાકટરોને કામગીરી સોંપી દેતા હોય છે પરિણામે ઇમરજન્સી એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ જેવા વાહનોને સમયસર પહોંચવામાં વિલંબ થાય છે.
ટોલ રોડ પ્રોજેક્ટમાં એક વાર રોડ બન્યા પછી વર્ષો સુધી જોવું પડતું નથી પરંતુ શહેરમાં અવારનવાર રોડ બનાવવા પડે છે તેના પાછળનું કારણ ભ્રષ્ટાચાર
રાજ્યમાં કોઇપણ ટોલરોડ એક વખત બન્યા પછી વરસો સુધી ત્યાં જલ્દી રોડમા ખાડાઓ,ભૂવાઓ પડતા નથી પરંતુ શહેરમાં એવા તે કયા પ્રકારની રોડની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવે છે કે અવારનવાર રોડમા ખાડાઓ, ભૂવાઓ પડી જાય છે? વારંવાર રોડની કામગીરી કરવી પડે છે? શહેરમાં કોઇ જ નિયમો જ નથી રહ્યાં એકવાર રોડ બન્યા પછી થોડા જ સમયમાં તે રોડને ગેસ લાઇન,અંડરગ્રાઉન્ડ વીજ લાઇન, પાણીની તથા ડ્રેનેજ લાઇનો માટે ખોદી નાખવામાં આવે છે પરંતુ શા માટે આ તમામ બાબતની કામગીરી અગાઉથી આયોજનબદ્ધ રીતે કર્યા બાદ જ રોડ તૈયાર કરવામાં આવતો નથી? શું શહેરની પાલિકા પાસે યોગ્ય ઇજનેરો નથી? આવડત વિનાના અધિકારીઓ છે? કોન્ટ્રાકટર અને અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓને લાભ થયા કરે તે માટે આવી રીતે વારંવાર રોડની કામગીરી બાદ ખોદકામ ફરી રોડની કામગીરી નું ચક્ર અવિરતપણે ચલાવવામાં આવી રહ્યું છે? સરવાળે તો આ પૈસા પ્રજાના વેરાના છે અને સરકારના છે તો પ્રામાણિકતા નેવે મૂકી દેવામાં આવે છે કે શું?

Reporter: admin







