વડોદરા: જિલ્લામાં લાંબા સમય બાદ રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન થશે.પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા જિલ્લામાં અઢી વર્ષના લાંબા ગાળા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. રવિવારે વરસાદી માહોલ વચ્ચે ચૂંટણી થાય તેમ હવામાન ખાતાની આગાહી મુજબ મનાઇ રહ્યું છે.
જિલ્લાના આઠ તાલુકા વડોદરા ગ્રામ્ય, પાદરા, ડભોઇ, વાઘોડિયા, કરજણ, શિનોર, સાવલી અને ડેસર તાલુકામાં કુલ ૨૦૮ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ ૧૦ બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાનાર છે. આ પંચાયતોમાં સૌથી વધુ પાદરા તાલુકામાં અને સૌથી ઓછી શિનોર તાલુકામાં પંચાયતોની ચૂંટણી યોજાશે.ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચપદ માટે કુલ ૫૮૪ અને સભ્યપદની ચૂંટણી માટે કુલ ૨૪૭૧ ઉમેદવારો વચ્ચે જંગ યોજાનાર છે. જિલ્લામાં યોજાનારી પંચાયતોની ચૂંટણી માટે કુલ ૯૧૯ મતપેટીઓનો ઉપયોગ થશે. જ્યારે ૫૪૦ બુથો પર મતદાન યોજાશે. પંચાયતની ચૂંટણી લાંબા સમય બાદ આવી હોવાથી ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં ચૂંટણી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહથી ચાલતા પ્રચારનો પરમદિવસે અંત આવ્યા બાદ કાલે મતદાનથી ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીઓમાં સીલ થઇ જશે.
Reporter: admin







