સ્ત્રી વ્યંધિકરણ (ફીમેલ સ્ટેરિલાઈઝેશન)માં નવેમ્બર–૨૦૨૪માં ૨,૩૨૬ કેસ હતા જે સઘન ઝૂંબેશ બાદ માર્ચ–૨૦૨૫ સુધી ૭,૨૫૯ કેસો થયા : ટકાવારી ૨૬.૯૬% થી વધી ૮૪.૧૪% સુધી પહોંચાડવામાં સફળતા મળી

વડોદરા, તા.૧૮: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોની સુખાકારી માટે “નાનું કુટુંબ – સુખી કુટુંબ”ના સંકલ્પ સાથે કુટુંબ નિયોજન કાર્યક્રમનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમના પરિણામે વડોદરા જિલ્લામાં ટોટલ ફર્ટિલિટી રેટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે વડોદરા જિલ્લાના કર્મનીષ્ઠ અધિકારીઓ તથા કર્મચારીઓના સહિયારા અને સતત પ્રયાસોનું પ્રતિબિંબ છે.આ ઉત્કૃષ્ટ કામગીરી માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન આપવા જિલ્લા તંત્ર દ્વારા રોકડ ઇનામ આપવાનો નિર્ણય લેવાયો છે. માતા અને બાળકના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી, રાતદિવસ અવિરત સેવા આપનાર આરોગ્ય કર્મયોગીઓનું બહુમાન કરવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ વડોદરા જિલ્લા તંત્ર દ્વારા કરાયો છે. જિલ્લા પંચાયત, વડોદરાની વર્ષ ૨૦૨૪–૨૫ની સ્વભડોળ ગ્રાન્ટમાંથી રૂ. ૨.૦૦ લાખ મંજૂર કરવામાં આવ્યા હતું. કુટુંબ નિયોજન કાર્યક્રમ અંતર્ગત ‘કુટુંબ નિયોજન પ્રોત્સાહક યોજના’ અનુસાર સ્ત્રી વ્યંધિકરણ (ફીમેલ સ્ટેરિલાઈઝેશન) ક્ષેત્રે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ આરોગ્ય કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ મેડિકલ ઓફિસર, કુલ ૨૪ તાલુકાવાઈઝ ફીમેલ હેલ્થ વર્કર, કુલ ૨૪ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કુલ ૨૪ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મળી કુલ- ૭૬ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા છે. આંકડાઓ મુજબ, સ્ત્રી વ્યંધિકરણ (ફીમેલ સ્ટેરિલાઈઝેશન)માં નવેમ્બર–૨૦૨૪ અંતે કુલ ૨,૩૨૬ કેસ (૨૬.૯૬%) નોંધાયા હતા. ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના સંયુક્ત માર્ગદર્શન અને પ્રયાસોથી ડિસેમ્બર–૨૦૨૪ થી માર્ચ–૨૦૨૫ દરમિયાન કુલ ૭,૨૫૯ કેસ (૮૪.૧૪%) નોંધાયા છે, જે જિલ્લાની ઉત્કૃષ્ટ પ્રગતિ દર્શાવે છે.

સન્માનિત થયેલા અધિકારીઓ પૈકી એક અલવા પીએચસીના ડો. કલ્પેશ પગીએ પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે, PHC ખાતે તમામને કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન આપતાં હતા. તેમણે પરિવારમાં પતિ-પત્નીને બે બાળકો વચ્ચે રાખવાના થતા અંતર અંગે તથા આ અંતરના કારણે માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે થતા ફાયદાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કરજણ પીએચસીના સીએચઓ શીતલ પટેલે જણાવ્યું કે, અમે કપલને કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ અંગે જાગૃત કર્યા હતા. જેને કપલ દ્વારા સામે ચાલીને સ્વીકાર કરવામાં આવ્યો છે. જેના કારણે માતા અને બાળક બન્ને સ્વસ્થ રહે છે અને માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો થાય છે. અમે ઘરે ઘરે જઈ દરેક પરિવારને કુટુંબ નિયોજનના મહત્વ અંગે જાગૃત કર્યા છે. વડોદરા પીએચસીના ફિમેલ હેલ્થ વર્કર પૂર્ણિમાબેન લીમ્બાચીયાંએ જણાવ્યું કે, અમારા દ્વારા દરેક દંપતીને સગર્ભા અવસ્થા દરમિયાન જ કુટુંબ નિયોજન અંગે જાગૃત કરી ઓપરેશન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. જેને દંપતિએ સારી રીતે સમજી તેનો સ્વીકાર કર્યો છે જેના કારણે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માં દેખીતો સુધાર જોવા મળ્યો છે. અને જે પરિવારના આર્થિક અને સામાજિક વૃદ્ધિનું કારણ બન્યા છે.વસ્તી વધારો માત્ર આંકડાનો પ્રશ્ન નથી, પરંતુ તે આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને સમાજના સર્વાંગી વિકાસ સાથે સીધો સંકળાયેલો મુદ્દો છે. નાનું કુટુંબ – સુખી કુટુંબનો સંદેશ સ્વીકારી દરેક દંપતી જો જવાબદારીપૂર્વક કુટુંબ નિયોજન અપનાવે તો માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે તેમજ પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બને છે. વડોદરા જિલ્લામાં આરોગ્ય વિભાગના સંકલિત પ્રયાસોથી કુટુંબ નિયોજન કાર્યક્રમમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિ યોગ્ય માર્ગદર્શન, સતત જાગૃતિ અને જનસહભાગીતાથી વસ્તી વધારાને નિયંત્રિત કરી શકાય તે દર્શાવે છે. આવી જાગૃતિ અને સહકાર સાથે આગળ વધવાથી સ્વસ્થ સમાજ અને વિકસિત ભવિષ્યનું નિર્માણ શક્ય બનશે.



Reporter:







