News Portal...

Breaking News :

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સરપંચઓ માટે તાલીમ શિબિર યોજાઈ

2025-07-23 18:20:01
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સરપંચઓ માટે તાલીમ શિબિર યોજાઈ


ગામનો સર્વાંગીણ વિકાસ કરો, સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ સૌ વંચિતો સુધી પહોંચાડો: જિ. પં. પ્રમુખ ગાયત્રીબા મહિડા



ગામની સુખાકારીમાં વધારો થાય અને વિકસિત ગામનું વિઝન સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવા કલેકટર ડો. અનિલ ધામેલિયાનું આહ્વાન
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે જિલ્લાના તમામ સરપંચશ્રીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ પંચાયતી રાજના માળખું, સરપંચઓના હક્કો અને ફરજો, અને વિવિધ સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર બનાવીને ગ્રામ વિકાસના કાર્યો વધુ અસરકારક રીતે અમલમાં લાવવાનો હતો.તાલીમ શિબિરમાં ઉપસ્થિત સરપંચોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવીને જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકીને ગામોને સ્વચ્છ અને આરોગ્યમય રાખવા આગ્રહ કર્યો હતો. તેમણે ગામનો સર્વાંગીણ વિકાસ કરીને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ગામના દરેક વંચિત સુધી પહોંચે તે માટે કાર્ય કરવાનું આહ્વાન કર્યું હતું.સરપંચ સજાગ અને જાણકાર હોય તો ગામની સુખાકારીમાં વધારો થાય છે, તેમ જણાવી મહિડાએ તાલીમ શિબિરને વિશેષ ગણાવી હતી. ગામનો વિકાસ કેવી રીતે કરવો? એ પ્રશ્ન હમેંશા સરપંચના હૈયે હોવો જોઈએ, તેમ કહી તેમણે ગામમાં સુવિધાઓ ઉભી કરવા માટે સતત ઉત્સાહી રહેવાની શીખ આપી હતી.કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ તાલીમ શિબિરના પ્રથમ સત્ર દરમિયાન સરપંચઓનું ધ્યાન તેમના પદની જવાબદારી તરફ દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગામના હિતને સર્વોચ્ચ સ્થાન આપીને, આયોજનબદ્ધ રીતે વિકાસલક્ષી કામગીરી કરવા સાથે સરકારની તમામ યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે એ દિશામાં જવાબદારીપૂર્વક કામ કરવું જરૂરી છે. સરપંચ તરીકેની કામગીરીની ક્ષમતામાં વધારો થાય તે માટે જિલ્લા પંચાયત દ્વારા આયોજીત તાલીમ શિબિરની તેમણે સરાહના કરી જિલ્લા પંચાયતને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પુરાણીએ વિકસિત ગામથી વિકસિત તાલુકો અને વિકસિત તાલુકાથી વિકસિત જિલ્લા તરફ આગળ વધવા માટે સરપંચશ્રીઓની સક્રિયતા અને દિશાદર્શન મહત્વપૂર્ણ છે. 


ઈચ્છાશક્તિ ધરાવતાં સરપંચોને તાલુકા-જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર સતત સહકાર આપવા તત્પર છે તેમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એમ. એમ. પટેલે પણ તાલીમ શિબિરના આયોજનની પ્રશંસા કરી અને સરપંચઓએ પોતાની ફરજ અને અધિકારોને સમજીને લોકહિતમાં તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એમ જણાવ્યું હતું.તાલીમ શિબિરના દ્વિતીય સત્રમાં, જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા પ્રેઝન્ટેશન થકી તે શાખાની કામગીરી, મહત્વ સહિતના વિગતો પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે મનરેગા, પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, જળ જીવન મિશન વગેરેના અસરકારક અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન સરપંચઓએ પણ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ જરૂરી શંકાઓનું નિવારણ કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શનમાં જિલ્લા પંચાયત દ્વારા શાખાના અધિકારીઓ દ્વારા સંયોજનપૂર્વક કરવામાં આવ્યું હતું.તાલીમ શિબિરમાં વડોદરા જિલ્લાના જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા પંચાયતના દંડકશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post