વડોદરા : ભરૂચના 125 કિમી દરિયા કાંઠે હિલ્સા માછલીની બેહિસાબ આવક વચ્ચે બરફના અભાવે ભાવો ગગડી માત્ર 100 રૂપિયે પહોંચ્યો છે. માછેર રાજા કિંગ ઓફ ફિશના ઉપનામથી જગ વિખ્યાત ભરૂચની હિલ્સા માછલી આ વખતે કોડીઓના દામે આવી ગઈ છે.
રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલ્સા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લાના 25 હજાર માછીમારોએ દેવપોઢી એકાદશીથી દરિયા દેવ અને નર્મદા મૈયાના પૂજન કરી વિધિવત માછીમારીની મૌસમનો શુભારંભ કર્યો હતો.વહેલા વરસાદ અને વધારાના જુવાળે માછીમારોને હિલ્સાની મબલક આવક થતા ગેલમાં લાવી દીધા હતા. પ્રતિ કિલોએ હિલ્સાનો ભાવ રૂપિયા 1200 એ પોહચ્યો હતો. જોકે ત્યાર પછીના બીજા જુવાળમાં પણ હિલ્સાની બેહિસાબ આવક ચાલુ જ રહેતા. હિલ્સાના આવેલા ઘોડાપુરમાં ભરૂચ જિલ્લાના માછીમારો તણાઈ ગયા છે. અને ભાવો ડૂબી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે.
ભાડભૂત સહિતના માછીમારોને હિલ્સા અઢળક હસ્તગત થઈ છે પણ તેની સામે ભરૂચ જિલ્લામાં બરફની સમસ્યા સર્જાય છે. ભરૂચની આઇસ ફેકટરીઓ હાલ માછીમારોની માંગ સામે બરફની ભારે અછત વર્તાઈ રહી છે.જિલ્લાની 4 જેટલી આઇસ ફેક્ટરીઓમાંથી છેલ્લા 2 દિવસથી રોજનો તમામ ઉત્પાદિત થતો 1 લાખ કિલો બરફનો ઉપાડ માછીમારો કરી રહ્યા છે. તેમ છતાં માછીમારોના કહેવા મુજબ તેમને બરફની ઘટ પડી રહી છે. માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોમા ટ્રાન્સપોર્ટ માટે બરફ નહિ મળતા કેટલાય માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેકવાનો વારો આવ્યો છે.
Reporter: admin







