રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની આજ સુધી યોજાયેલ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની પૂર્ણાહુતિ પ્રસંગે કરજણ તાલુકાના મા રેવા તીર્થ અને પરમપૂજ્ય રંગવધૂત મહારાજની પવિત્ર તપોભૂમિ નારેશ્વર ધામ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વચ્છ ભારતનું સ્વપ્ન સેવનાર મહાત્મા ગાંધીજી અને મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન મુજબ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મા નર્મદાના કિનારે અને પરમ પૂજનીય રંગ અવધૂત મહારાજની પાવન નિશ્રામાં આજે નારેશ્વર ધામ ખાતે જાહેરમાર્ગો પર સ્વચ્છતા માટે સાવરણો લઈને કચરો સાફ કરવામાં આવ્યો હતો. આ સાથે ઉપસ્થિત સૌ સ્વચ્છતાને પોતાનો જીવનમંત્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.પ્રાસંગિક ઉદ્દબોધન વેળાએ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સ્વચ્છ ભારત અભિયાનની યાત્રા આજે દેશના જન જન અને ગામ ગામ સુધી પહોંચી છે. સ્વચ્છતાને જીવનશૈલી અને સ્વભાવ બનાવવા માટે સંસ્કારોમાં સ્વચ્છતા શિસ્ત શીખવાડવું ખુબજ જરૂરી છે.વધુમાં ઉમેરતાં ધારાસભ્યએ રેવા તીર્થ અને રંગવધુત મહારાજની પવિત્ર ભૂમિ નારેશ્વર તીર્થધામ ખાતે સ્વચ્છતા માટે ખાણીપીણીની દુકાનો, કચરાનું એકત્રીકરણ અને કચરા વ્યવસ્થાપન માટે ચાલી રહેલી દૈનિક પ્રવૃત્તિઓ વિશે લોકોને સ્વચ્છતા શિસ્તના દર્શન કરાવ્યા હતા.સ્વાગત પ્રવચન દરમ્યાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પારેખે જણાવ્યું કે ગાંધીજી આજે જીવીત હોત તો અહિંસા પરમો ધર્મ સહિત સ્વચ્છતા પરમો ધર્મ સૂત્રને અપનાવવા માટે વિશેષ ભાર આપતા.
વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમો થયા છે. આ અંતર્ગત જનભાગીદારી થકી દરેક વ્યક્તિ સ્વચ્છતા માનસમાં કેળવે તે ખુબજ જરૂરી છે. સ્વચ્છતા જાગૃતિ ના સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વડોદરામાં જિલ્લાએ શ્રેષ્ઠ કામગીરી કરેલ તાલુકા અને ગ્રામ પંચાયતો નું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ જનભાગીદારી સાથે સી.ટી.યુ. ટ્રાન્સફોર્મેશન મુજબ સહભગીઓની સંખ્યા મુજબ લક્ષ્યાંકના ૧૦૦ ટકા ભાગીદારી બદલ કરજણ તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લામાં સૌથી વધુ ૩૯૮ ઇવેન્ટ અને ૧૨૦ સી.ટી.યુ. ટ્રાન્સફોર્મેશન પૂર્ણ કરતા વડોદરા તાલુકા વિકાસ અધિકારીને પ્રથમ સ્થાન મેળવતા સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લામાં સૌથી વધુ ૨૭૨ જેટલા સફાઈ મિત્રોનું મેડિકલ ચેકઅપ કરવા બદલ વડોદરા તાલુકાનાં આરોગ્ય અધિકારી નીરજભાઈ દોશીનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સી.ટી.યુ. ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી બદલ ડભોઇ તાલુકાની કરનાળી ગ્રામપંચાયત ૧૮ કાર્યક્રમ, કરજણ તાલુકાની વલણ ગ્રામપંચાયત ૮ કાર્યક્રમ અને વાઘોડિયા તાલુકાની આમોદર ગ્રામપંચાયત ખાતે ૭ કાર્યક્રમ માટે સરપંચ તથા તલાટીનું સન્માન કરવામાં આવ્યું હતું.એક પેડ મા કે નામ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે મહાનુભવોનું ઔષધીય છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાએ યોજાયેલા સ્વચ્છ હી સેવા અભિયાનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ વસાવા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મથુરભાઈ રોકડિયા, તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષાબેન પટેલ, જિલ્લા કલેકટર બીજલ શાહ, જિલ્લા વિલાસ અધિકારી મમતા હીરપરા, કરજણ પ્રાંત અધિકારી શિવમ બારીઆ, તાલુકા વિકાસ અધિકારી મામલતદાર, જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીગણ, લીલોડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, નારેશ્વર ખાતે પધારેલ દર્શનાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: