વલસાડ:દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર તોફાની બેટીંગ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે.
ઉમરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ,સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
નર્મદાના લાછરસમાં પાંચ ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભરૂચના નેત્રંગમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
Reporter: admin