News Portal...

Breaking News :

લાયકત વગરનાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફરજ ચૂક્યા

2025-03-19 09:59:13
લાયકત વગરનાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફરજ ચૂક્યા


શહેર નજીક ભંગારમાં વિકરાળ આગ લાગી હોવા છતાં બિનઅનુભવી સીએફઓએ બ્રિગેડ કોલ પણ જાહેર ના કર્યો..
વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાતે લાગેલી આગને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડા છવાયા હતા. આગ એટલી ભીષણ હતી કે આસપાસના 10 કિલોમીટર સુધી આગનો ધુમાડો જોવા મળ્યો હતો. આગને બુઝાવવા માટે 10થી વધુ ફાયર ફાયટરને મંગાવવા પડ્યા હતા અને 6 કલાકની ભારે જહેમત પછી આગને બુઝાવી શકાઇ હતી. જો કે આટલી મોટી આગ હોવા છતાં અને 10 ફાયર ફાયટરો મોકલવા પડ્યા હોવા છતાં  ફાયર બ્રિગેડમાં મેજર કોલ એટલે કે બ્રિગેડ કોલ સુદ્ધાં જાહેર કરાયો ન હતો.અને બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ પણ સ્થળ પર પહોંચ્યા ન હતા. નવા ચીફ ફાયર ઓફિસર બિનઅનુભવી છે અને તેમણે ફાયર બ્રિગેડમાં કામ સુદ્ધાં કર્યું નથી જેથી મંગળવારે લાગેલી આગની ઘટના તેમને ગંભીર લાગી ન હતી અને ફાયર ઓફિસરો પર બધુ છોડી દીધું હતું. 



વડોદરાથી વાઘોડિયા જતા ખટંબા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આગ એટલી ભીષણ હતી કે આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં ધુમાડા જોઈ શકાતા હતા. બનાવને પગલે ગ્રામજનોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આગનું તાંડવ જોતા ફાયર બ્રિગેડે એક પછી એક 10 ફાયર ફાઈટર મંગાવવા પડ્યા હતા. છ થી આઠ કલાક બાદ આગનું જોર ધીમે પડ્યું હતું. પોલીસે પણ બનાવની પ્રાથમિક વિગતો મેળવી હતી. કપુરાઇ ચાર રસ્તા પાસે વિરાટ એસ્ટેટ આવેલું છે. આ એસ્ટેટની અંદર અલગ અલગ ભંગારના ગોડાઉન આવેલા છે. જે પૈકી પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બિગેડના લાશ્કરો દોડી ગયા હતા અને ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.નવાઇની વાત એ છે કે આટલી મોટી વિકરાળ આગ હોવા છતાં અને 10 ફાયર ફાયટરોને મોકલવા પડ્યા હોવા છતાં ફાયર બ્રિગેડના અધિકારીઓ ઉંઘતા જ રહ્યા હતા અને મેજર કોલ પણ જાહેર કર્યો ન હતો. નવા સીએફઓ મનોજ પાટીલ અને ડે.સીએફઓ નૈતિક ભટ્ટને પણ જાણ કરાઇ હતી પણ બંને અધિકારીઓએ ઘટનાની ગંભીરતા ન હતી અને સવારનો સમય હોવાથી ફાયર ઓફિસરોને સમગ્ર મામલો સોંપી ઉંઘી ગયા હતા. નવા સીએફઓ બિનઅનુભવી છે તે લગભગ આખુ શહેર સતત કહી રહ્યું છે અને આજે તે પુરવાર થઇ ગયું હતું. 



7થી વધુ ફાયર ફાયટર મોકલાય તો બ્રિગેડ કોલ જાહેર કરવો જ પડે...
નિયમો મુજબ જો કોઇ સ્થળે આગ લાગી હોય અને આગ એટલી વિકરાળ હોય કે તેને બુઝાવવા માટે 7થી વધુ ફાયર ફાયટરોને જો મોકલવા પડે તો તુરત જ ફાયર બ્રિગેડમાં મેજર કોલ એટલે કે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવતો હોય છે અને ચીફ ફાયર ઓફિસરે પણ જાતે જ સ્થળ પર જવું પડતું હોય છે. જો કે આજની આ આગની ઘટના આટલી જ ગંભીર હતી અને 10થી વધુ ફાયર ફાયટરો મોકલવા પડ્યા હોવા છતાં ફાયર બ્રિગેડમાં બ્રિગેડ કોલ જાહેર કરાયો ન હતો. નવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે મંગળવારે લાગેલી આગની ઘટનાની ગંભીરતા જ સમજી ન હતી અને તેઓ પોતે પણ સ્થળ પર ગયા જ ન હતા. કે તેમણે બ્રિગેડ કોલ પણ જાહેર કર્યો ન હતો. આવા બેજવાબદાર સીએફઓ વડોદરા શહેરને રાણાજીના પ્રતાપે પહેલીવાર મળ્યા છે. આ તો સારી વાત હતી કે આગ ભંગારના ગોડાઉનમાં લાગી હતી. જો કમનસીબે રહેણાંક વિસ્તારમાં આવી મોટી આગ લાગે તો સીએફઓ તેની પણ ગંભીરતા સમજશે ખરા તે સવાલ હવે ઉભો થયો છે. 
સીએફઓને ફાયર બ્રિગેડની કામગિરીનો કોઇ અનુભવ જ નથી...
સીએફઓ મનોજ પાટીલને ફાયર બ્રિગેડની કામગિરીનો કોઇ જ અનુભવ નથી. તેમણે તો બેંકમાં કામ કરેલું છે. આરઆર મુજબ સીએફઓની જગ્યા માટે ઉમેદવારે કોઇપણ નગરપાલિકા કે મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં નોકરી કરી હોવાનો અનુભવ જોઇએ છે પણ રાણાજીના પ્રતાપે આરઆરનું ઉલ્લંઘન કરીને મનોજ પાટીલને ફાયર વિભાગની ખુરશી પર બેસાડી દેવાયા છે. મંગળવારે બનેલી જેવી ઘટના બની તેવી ઘટના જો શહેરમાં બનશે તો સીએફઓ શું કરશે કારણ કે તેમને તો કોઇ અનુભવ જ નથી આવી કામગિરી કરવાનો. તેમને વહિવટી કામ કરતા પણ આવડતું નથી અને એનઓસીની અરજીઓ પણઁ પેન્ડિગ રહી છે. તેઓ વેન્ડરો પાસે ફાયરની કામગિરી કેવી રીતે કરવી તે શીખે છે અને બાકીનું તાબાના અધિકારીઓ પર છોડી દે છે.

 
રેલવે સ્ટેશન સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા...
કપુરાઇ પાસે લાગેલી આ આગ એટલી ભયંકર હતી કે છેક રેલવે સ્ટેશન સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભંગારમાં રહેલો સામાન જલ્દીથી આગમાં પકડાઇ ગયો હતો અને ફાયર બ્રિગેડને આગ બુઝાવવા માટે ભારે મહેનત કરવી પડીહતી. ઉપરી અધિકારીઓ સ્થળ પર ના પહોંચતા સ્ટેશન ઓફિસરોએ પોતાની કૂનેહ વાપરીને આગ બુઝાવી હતી.

Reporter: admin

Related Post