પોલીસ કમિશનર નવતર અભિગમ, બુટલેગીંગ અને જુગારના કેસોમાં સંડોવાયેલા તત્વોને સમજાવીને સુધરી જવાની ચેતવણી આપી...
રાજ્ય પોલીસ વડાની અસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ છેલ્લા 2 દિવસથી વડોદરા શહેર પોલીસ દ્વારા પણ અસામાજીક તત્વોની સાદી તૈયાર કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર પોલીસે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા તત્વોને શોધીને તેમની યાદી તૈયાર કરી છે તો સાથે સાથે રાત્રે રખડીને શહેરમાં ટપોરીગીરી કરતા તત્વો તથા અન્ય અસામાજીક તત્વો સામે પણ ઝુંબેશ શરુ કરી છે. પોલીસે સોમવારે અંદાજે 400થી વધુ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરી હતી. શહેર પોલીસ તંત્રના નાના કર્મચારીઓથી માડીને ઉચ્ચ અધિકારીઓએ સોમવારે અને મંગળવારે રાત્રે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી વળ્યા હતા જેથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે તમામ અસમાજીક તત્વો સામે કાર્યવાહી કરી તેમને પકડ્યા હતા તો કેટલાકને સુધરી જવા અને કાયદાની સીમામાં રહીને જીવન પસાર કરવા સમજાવવામાં આવ્યા હતા.

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કહ્યું કે શહેરમાં કાયદો વ્યવસ્થાને અસર કરનારા તત્વો સામે અભિયાન શરુ કરાયું છે અને આવા તત્વોને અસરકારક રીતે ડામવા માટે પ્રયાસ કર્યા છે. ટપોરીઓ અને મોડી રાત સુધી શહેરમાં સક્રીય રહેતા તત્વો ઉપરાંત શરીર સંબંધી, પ્રોપર્ટી સંબંધી, વ્યાજખોરી કરનારા સહિત ગંભીર ગુનાઓમાં સક્રિય રહેનારા તત્વો સામે કાર્યવાહી જામીન રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સોમવારે રાત્રે પોલીસે 400 કરતા વધુ ગુનેગારો સામે કાર્યવાહી કરી છે અને આગામી દિવસોમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારની સતત કાર્યવાહી કરાશે. પોલીસ પ્રોહિહીશન, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસ, જોખમી રીતે વાહન ચલાવવાના કે, જાહેરનામા ભંગના કેસો કરી રહી છે તો સાથે સાથે આવા તત્વોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.

પોલીસ કમિશનરની ચેતવણી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો...
અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સાથે સાથે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે નવતર પ્રયોગ પણ મંગળવારે કર્યો હતો અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગીંગ અને જુગારના કેસોમાં ભુતકાળમાં સંડોવાયેલા તથા પકડાયેલા તત્વોને સમજાવીને સુધરી જવાની ચેતવણી આપી હતી. પોલીસ કમિશનરે કહ્યું હતું કે હવે શહેરમાં દરે વિસ્તારમાં પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે તો મોડી રાત સુધી સક્રિય રહેનારા તત્વોને પણ ઓળખીને તેમની સામે કાર્યવાહી કરાઇ રહી છે. આ વખતે અમે નવો પ્રયોગ કરી રહ્યા છીએ. ગયા વર્ષે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં બુટલેગીંગ અને જુગારના 3 હજારથી વધુ કેસો કરાયા હતા અને 400 વાહનો જપ્ત કરાયા હતા તથા 130 બુટલેગરો સામે પાસાની પણ કાર્યવાહી કરાઇ હતી છતાં હજું પણ આ પ્રવૃત્તી કેટલાક તત્વો કરી રહ્યા છે. તેમને આઇડેન્ટીફાઇ કરીને તેમને સમજાવામાં આવી રહ્યા છે. અને કાયદાની સીમામાં રહેવા સમજાવીને આના તત્વોને કાબુમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલાક તત્વો સામે ગુના પણ નોંધાશે. આ તત્વો જવાબદાર નાગરીક બને તે માટે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા તેમનું પુનવસન કરવાની સાથે સ્કીલ ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે. આ તત્વોને ગુનાખોરીથી દુર રહી પોતાના અને પરિવારના તથા સમાજની સાથે રહેવા સમજાવામાં આવી રહ્યા છે. હકારાત્મક વલણ સાથે અમે આવા તત્વોને ગુનાખોરીથી દુર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


Reporter: admin







