વડોદરા: શહેર પોલીસ વિભાગમાં કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા તાજેતરમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી હતી.

આ બદલી યાદીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હરિત વ્યાસનું રહ્યું. તેમની ટ્રાફિક શાખામાં બદલી થતાં માત્ર પોલીસ બેડામાં જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં આ નિર્ણય ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગયો છે.સામાન્ય રીતે કોઇ અધિકારીની બદલી વખતે ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે, પરંતુ આ વખતે કારેલીબાગ વિસ્તારમાં વેપારીઓ, સ્થાનિક આગેવાનો અને હિતેચ્છુઓએ કાળી પટ્ટી બાંધી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ઇન્સ્પેક્ટરની બદલી સામે આ રીતે ખુલ્લો વિરોધ નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુનેગારો સામે કડક વલણ, નિર્ભીક કાર્યશૈલી અને લોકોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવી લોકપ્રિય બનેલા ઇન્સ્પેક્ટર હરિત વ્યાસની અચાનક બદલીથી વિસ્તારના નાગરિકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. હરિત વ્યાસની બદલીને લઇ કારેલીબાગ પોલીસ સ્ટેશનની બહાર સર્જાયેલા દ્રશ્યો વડોદરાની પોલીસ કામગીરી પ્રત્યે લોકોના વિશ્વાસ અને અધિકારીઓ સાથેની નજીકની લાગણીનો અનોખો દાખલો પુરો પાડે છે.

Reporter: admin







