વોર્ડ 10માં ઉમેદવારનો ધમકીભરી ઓડિયો અને માંજલપુર ધારાસભ્યનાં અભદ્ર વીડિયો બાદ આંતરિક વિખવાદ ચરમસીમાએ
વોર્ડ 11માં ભાગીદારી વિવાદ, અશાંતધારા મંજૂરી પર સવાલો અને ભ્રષ્ટાચારીઓનાં રિપીટથી કાર્યકરોમાં રોષ; શિસ્ત સમિતિ મૌન હોવાથી પક્ષની છબી પર ગંભીર પ્રશ્નચિહ્ન
પક્ષનાં વફાદાર કાર્યકરોને ધમકાવતા ઉમેદવાર અને શહેર પ્રમુખ વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરતા ધારાસભ્યનાં કારણે ભાજપની આબરૂનાં ધજાગરા; શિસ્ત સમિતિના મૌન સામે ઉઠતા સવાલો

વડોદરામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ માટે આંતરિક જૂથબંધી અને નેતાઓની બેલગામ વાણી પક્ષ માટે ગળાનું હાડકું બની ગઈ છે. શહેરનાં વોર્ડ નંબર 10, 11 અને ધારાસભ્ય સ્તરે જે પ્રકારે વિવાદો વકર્યા છે, તેનાથી ભાજપની 'કેડર બેઝ્ડ' પાર્ટી હોવાની છબી ખરડાઈ છે. ખાસ કરીને વોર્ડ નંબર 10નાં ઉમેદવાર નીતિન દોંગાનો ધમકીભર્યો ઓડિયો અને ધારાસભ્ય યોગેશ પટેલનો વાયરલ વીડિયો પક્ષમાં મોટા વિસ્ફોટના સંકેત આપી રહ્યા છે.વોર્ડ નંબર 10માં ભાજપે ગત ટર્મનાં 12 ધોરણ પાસ કાઉન્સિલર નીતિન દોંગાને રિપીટ કરતા જ સ્થાનિક સ્તરે વિરોધ ફાટી નીકળ્યો હતો. તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પણ હતા.ગત ટર્મની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અને સભ્યો ઉપર ભ્રષ્ટાચારનાં આક્ષેપો થઈ રહ્યા છે.અસંતોષ એટલી હદે વકર્યો કે ક્રાંતિકારી સેના દ્વારા નીતિન દોંગાનાં નબળા વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા પોસ્ટરો આખા વોર્ડમાં લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરોથી અકળાયેલા નીતિન દોંગાએ પક્ષના જ પૂર્વ કાર્યકર અને ક્રાંતિકારી સેનાના યુવાન શ્રેય પટેલ સાથે ફોન પર જે વાતચીત કરી, તેનો ઓડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.વાયરલ ઓડિયોમાં નીતિન દોંગા લોકશાહીની મર્યાદા ઓળંગીને યુવકને ધમકાવતા સંભળાય છે કે, “ચૂંટણી પતવા દે, તારો હિસાબ કરી લઈશ. તું બહુ દુઃખી થઈશ.” એક જનપ્રતિનિધિ જ્યારે જનતાના સવાલોના જવાબ આપવાને બદલે સત્તાના નશામાં ધમકીઓ આપે, ત્યારે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉઠે છે કે જે ઉમેદવાર ચૂંટણી પહેલાં જ મતદારોને અને કાર્યકરોને ધમકાવતા હોય, તે જીત્યા પછી જનતાની સેવા શું કરશે?વિવાદ માત્ર વોર્ડ-10 પૂરતો મર્યાદિત નથી. વડોદરાનાં કદાવર નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શહેર ભાજપ પ્રમુખ વિરુદ્ધ અત્યંત અભદ્ર અને ના સાંભળી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરતા જોવા મળે છે. પક્ષનાં જ હોદ્દેદાર સામે જ્યારે સિનિયર ધારાસભ્ય આવું વર્તન કરે, ત્યારે પક્ષની શિસ્ત ક્યાં ગઈ તેવો સવાલ પાયાના કાર્યકરો પૂછી રહ્યા છે. આ ઘટનાએ ભાજપનાં આંતરિક વિખવાદને ચકચોરે લાવી દીધો છે। વડોદરા ભાજપમાં જ્યારે આટલી મોટી શિસ્તભંગની ઘટનાઓ બની રહી છે, ત્યારે ભાજપની શિસ્ત સમિતિના સભ્ય શબ્દશરણ બ્રહ્મભટ્ટની ભૂમિકા સામે આંગળી ચીંધાઈ રહી છે. શું સત્તાના નશામાં ચૂર નેતાઓ સામે પગલાં લેવાની હિંમત પક્ષ બતાવશે? કે પછી 'મોટા માથા' હોવાને કારણે આ આખા મામલાને દબાવી દેવામાં આવશે?વડોદરામાં ભાજપ અત્યારે આંતરિક વિખવાદનાં જ્વાળામુખી પર બેઠું છે. નીતિન દોંગાની ધમકી હોય કે યોગેશ પટેલનો રોષ—આ તમામ ઘટનાઓ પક્ષનાં ટોચના નેતૃત્વની પકડ ઢીલી પડી રહી હોવાનું સાબિત કરે છે. હવે જોવાનું એ રહે છે કે શિસ્ત સમિતિ માત્ર 'નોટિસ' આપીને સંતોષ માને છે કે ખરેખર દાખલારૂપ કાર્યવાહી કરે છે।
વોર્ડ-11માં નરવીરસિંહના ભાઈની વિધર્મીઓ સાથેની ભાગીદારીથી વિવાદ
વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર નરવીરસિંહ ચુડાસમા પણ વિવાદોમાં ઘેરાયા છે. તેમના ભાઈ રાજવીરસિંહ ચુડાસમાએ તાંદલજા જેવા સંવેદનશીલ વિસ્તારમાં વિધર્મીઓ સાથે ભાગીદારી કરી ‘બંગલોઝ’ની સ્કીમ મૂકતા જ ભાજપની વિચારધારા સામે સવાલો ઉઠ્યા છે. જે પક્ષ હિન્દુત્વ અને અશાંત ધારાની વાતો કરે છે, તેનાં જ ઉમેદવારના સગા ભાઈ આ પ્રકારે ભાગીદારી કરતા હોવાથી પક્ષની આબરૂનાં લીરેલીરા ઉડ્યા છે. કાર્યકરોમાં ચર્ચા છે કે એક તરફ પક્ષ રાષ્ટ્રવાદની વાતો કરે છે અને બીજી તરફ નેતાઓ અંગત સ્વાર્થ માટે વિધર્મીઓ સાથે વ્યાપારી સંબંધો કેળવે છે.
અવની સ્ટેમ્પવાલાથી નીતિન દોંગા સુધી: પોસ્ટર વોરનો ભોગ બનતા ઉમેદવારો
વોર્ડ નંબર 10માં ટિકિટ વિતરણ બાદ જ પોસ્ટર વોર શરૂ થઈ ગયું હતું. પહેલા મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ ‘આયાતી’ ઉમેદવાર હોવાના બેનરો લાગ્યા હતા. ત્યારબાદ નીતિન દોંગાનાં પાંચ વર્ષના નિષ્ફળ શાસનના હિસાબ માંગતા પોસ્ટરોએ આખા વિસ્તારમાં સનસનાટી મચાવી હતી. સામાન્ય રીતે ભાજપનાં ગઢ ગણાતા આ વિસ્તારોમાં આવો પ્રચંડ વિરોધ સૂચવે છે કે પક્ષે ઉમેદવારોની પસંદગીમાં જનતાના મિજાજને ઓળખવામાં ભારે ભૂલ કરી છે. ધમકીઓ આપવી એ આ ડરનું જ પરિણામ હોવાનું મનાય છે।
લોકશાહીમાં હિસાબ મતપેટીથી થાય, લાઠીથી નહીં!
ચૂંટણી એ જનતાનો દરબાર છે. અહીં ઉમેદવારે નમ્રતાથી પોતે કરેલા કામોનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનો હોય છે. પરંતુ વડોદરા ભાજપના નેતાઓ જે રીતે “જોઈ લેવાની” અને “દુઃખી કરવાની” ભાષા વાપરે છે, તે લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડે છે. જો પક્ષ વહેલી તકે આવા તત્વો સામે કડક કાર્યવાહી નહીં કરે, તો આવનારા દિવસોમાં સામાન્ય મતદારો પણ ભાજપથી અંતર જાળવતા થઈ જશે. કાર્યકરો અત્યારે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પૂછી રહ્યા છે કે શું આ જ છે ભાજપની શિસ્ત?
સંસ્કારી નગરી વડોદરાની ચૂંટણીની ટિકિટ ફાળવવા ભાજપ પ્રદેશ નેતાઓએ કડક નિર્ણયનાં બંણગા ફૂંક્યા, પરંતુ ભ્રષ્ટાચારી કોર્પોરેટરનાં ગોડફાધરના દબાણવશ થઈ અંતે ભ્રષ્ટાચારમાં ડૂબેલા કોર્પોરેટરને રિપીટ કરવા પડ્યા.નગર રચના યોજના ૨૭ તાંદલજામાં ચારેય દિશાએ હિંદુ સોસાયટીઓની વચ્ચે વિધર્મીઓને મકાન વેચવાના હોવાનો આક્ષેપ સાથે હિંદુ સોસાયટીઓનાં સ્થાનિક રહેવાસીઓએ સખત વિરોધ કર્યો. ગઈ ટર્મનાં ભાજપનાં કોર્પોરેટર અને હાલ રિપીટ થયેલા વોર્ડ નં. ૧૧માંથી ભાજપનાં ઉમેદવાર નરવીરસિંહ ચુડાસમાના ભાઈ રાજવીરસિંહ ચુડાસમાએ વિધર્મીઓ સાથે ભાગીદારી કરીને તાંદલજામાં બંગલોઝની સાઈટ મૂકતા જ વિવાદ સર્જાયો છે. ત્યાં આવેલી અક્ષર આર્ય સોસાયટી તથા સદર પ્લોટની આજુબાજુની સોસાયટીઓનાં રહેવાસીઓએ કોર્પોરેટરના ઘરે અને ભાજપ કાર્યાલયે મોરચો માંડ્યો હતો અને દસ્તાવેજ રદ કરવાની માંગણી સાથે સખત આક્રોશથી રજૂઆત કરી હતી.
શિસ્ત સમિતિ મૌન: ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી ગાયબ
ભારતીય જનતા પક્ષ દ્વારા પક્ષના સભ્યો અને પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવેલા ઉમેદવારો શિસ્ત જાળવી રાખે અને શિસ્તબદ્ધ નિયમોનું પાલન કરીને સેવા બજાવે તે સંદર્ભે શિસ્ત સમિતિનું આયોજન કરવામાં આવેલ છે.જો કોઈ સભ્ય કે મેન્ડેટ આપવામાં આવેલ ઉમેદવાર શિસ્ત વિરુદ્ધનું કાર્ય કરે, તો શિસ્ત સમિતિના નિયમો મુજબ તે સભ્ય/ઉમેદવાર સામે પક્ષ દ્વારા નક્કી કરેલા કાયદેસરના પગલાં ભરવાની જોગવાઈ છે.પરંતુ ભાજપ પક્ષની શિસ્ત સમિતિના સભ્ય, શબ્દશરણભાઈ વડોદરાનાં હોવા છતાં શિસ્તનાં નામે ફજેતી થઈ રહી છે… છાપરે ચડીને શિસ્તનાં લીરેલીરા ઉડ્યા છે। અમારા જાણવા મુજબ શિસ્ત સમિતિ દ્વારા વોર્ડ નંબર ૧૧માં રિપીટ થયેલા કોર્પોરેટરને એક પણ નોટિસ આપવામાં આવી નથી; શિસ્ત સમિતિ મૌન છે. તેનો અર્થ એ કે દાળમાં કાળું નથી, પરંતુ આખી દાળ જ કાળી લાગે છે. કેમ કે સદર ભ્રષ્ટાચારી કોર્પોરેટરનાં ગોડફાધર સામે પક્ષનું મોવડી મંડળ પણ નતમસ્તક લાગે છે. ભાજપ પક્ષના અનુભવી અને સિનિયર સભ્ય તથા પૂર્વ મંત્રીશ્રી લાખાવાલા સાહેબે પ્રમાણિકતાથી ગત પાંચ વર્ષમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ખુલાસો કર્યો છે. તે મુજબ સદર ભ્રષ્ટાચારી કોર્પોરેટરને મેન્ડેટ આપી ફરી પાંચ વર્ષના ભ્રષ્ટાચારનો પરવાનો આપવામાં આવ્યો હોય એવું લાગે છે.
ભ્રષ્ટાચારીઓને મેન્ડેટ: વિકાસ નહીં, વિનાશનો ડર
પૂર્વ મંત્રીના કહેવા મુજબ ગત પાંચ વર્ષ ભ્રષ્ટાચારથી ભરેલા હતા, અને આવનારા પાંચ વર્ષ માટે મહાભ્રષ્ટાચારનો પરવાનો આપવામાં આવ્યો હોય એવું દેખાય છે.સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો પ્રધાનમંત્રીશ્રીનાં નામ પર મત આપે છે અને વિકાસની આશા રાખે છે, પરંતુ આવા ભ્રષ્ટાચારીઓને મેન્ડેટ આપવાથી નાગરિકોને વિકાસના બદલે વિનાશ જોવા મળે છે. આવા તત્વોને મેન્ડેટ આપી સંસ્કારી નગરીના નાગરિકોનું અપમાન થયું છે. હવે ભાજપ પક્ષના મોવડીઓએ નક્કી કરવાનું છે કે આવા ભ્રષ્ટાચારીઓને આગળના પાંચ વર્ષ માટે પ્રોત્સાહન આપવું કે તેમને કાબૂમાં રાખવા। જો તેમને કાબૂમાં નહીં રાખવામાં આવે, તો નાગરિકોમાં નારાજગી વધશે તે ચોક્કસ છે.
અશાંતધારા મંજૂરી પર સવાલો: અભિપ્રાય વગર પરવાનગી કેમ?
કલેક્ટરશ્રીની કચેરીમાંથી સદર અશાંતધારાની મંજૂરી કોના અભિપ્રાયથી અને ભલામણથી આપવામાં આવી, તેની પ્રમાણિક તપાસ કરવી જરૂરી છે. ત્યાંના રહીશોએ આક્ષેપ કર્યો છે કે હિંદુઓની જમીન વિધર્મીઓ સાથે ભાગીદારી પેઢી બનાવીને બાંધકામ માટે પરવાનગી કેવી રીતે આપવામાં આવી? સદર રે.સ. નંબર માટે બાંધકામ શાખામાંથી પરવાનગી આપવામાં આવી છે. અશાંતધારાની મંજૂરી આપતી વખતે પોલીસ કમિશનરશ્રી અને તેમના હેઠળના અધિકારીઓ આસપાસની સોસાયટીઓના અભિપ્રાય મેળવીને મંજૂરી માટે મત આપે છે.પરંતુ આ કેસમાં અશાંતધારાની મંજૂરી વખતે કોનો અભિપ્રાય લેવામાં આવ્યો? શું અભિપ્રાય લેવામાં આવ્યો? આજુબાજુની સોસાયટીઓનાં કોઈ રહીશનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી। ત્યારે આ મંજૂરી માટે કયા અધિકારીઓ સ્થળ પર આવ્યા અને તેમણે શું ફરજ બજાવી તે બાબતે પણ શંકા ઊભી થાય છે.
ભ્રષ્ટાચારીઓ પર મહેરબાન
મહાનગરપાલિકા વડોદરાની ચૂંટણીમાં ભાજપ પ્રદેશના પદાધિકારીઓએ જાહેર કર્યું હતું કે પ્રમાણિક અને કાર્યશીલ ભાજપના કાર્યકરોને ટિકિટ આપવામાં આવશે. પરંતુ ગત ટર્મમાં ભ્રષ્ટાચારમાં ડૂબેલા અને નાગરિકોની સેવા કરતાં પોતાની સેવા કરવામાં વ્યસ્ત રહેલા કાર્યકરોને તેમના ગોડફાધરના દબાણવશ થઈ ટિકિટ આપવામાં આવી છે.તે કારણે આવા કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારનાં મામલામાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને “પેટનું પાણી પણ હલતું નથી” એવી સ્થિતિ સર્જાઈ છે.
Reporter: admin







