News Portal...

Breaking News :

આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 5 ઇસમોને પીસીબીએ ઝડપી પાડ્યા

2026-04-20 12:01:38
આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 5 ઇસમોને પીસીબીએ ઝડપી પાડ્યા


અલકાપુરી વિસ્તારમાં રેડ; પ્રોજેકટર પર મેચ જોઈ એપ્લિકેશન મારફતે હારજીતનો જુગાર રમાતો



પોલીસ રેડ દરમિયાન ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચો પર ઓનલાઇન સટ્ટાબાજી કરતા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પીસીબી ટીમે અલકાપુરી વિસ્તારમાં રેડ કરીને પ્રોજેકટર મારફતે મેચ જોઈ સટ્ટો રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસને મળેલી બાતમીના આધારે અલકાપુરીના અરુણોદય સર્કલ નજીક આવેલી અરુણોદય સોસાયટીમાં એક જૂના મકાનમાં કેટલાક ઇસમો ભેગા થઈ આઇપીએલ મેચ પર ઓનલાઇન એપ્લિકેશન મારફતે હારજીતનો સટ્ટો રમતા હોવાનું જાણવા મળ્યું હતું. માહિતીના આધારે પીસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપીઓને રંગેહાથ ઝડપ્યા હતા.


ઝડપાયેલા આરોપીઓમાં અશોક ખરાલ (રહે. પ્રગતિનગર, ગોરવા), ધમેશ ઉર્ફે ગલો કહાર (રહે. નવાપુરા), પીયુષ તડવી (રહે. સેવાસી-ગોત્રી), સુનિલ બારૈયા (રહે. લક્ષ્મીપુરા) અને વિજય વાધેલા (રહે. સયાજીગંજ)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી કુલ 2.91 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 10,720, પાંચ મોબાઇલ ફોન, એક પ્રોજેકટર અને ડીટીહ સેટટોપ બોક્સ, ઓનલાઇન આઇડીના પ્રિન્ટઆઉટ તેમજ પાંચ વાહનો જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પ્રોજેકટર પર મેચ જોઈને મોબાઇલ એપ્લિકેશન દ્વારા સટ્ટાબાજી ચલાવતા હતા.આ કામગીરી પોલીસ ઇન્સપેકટર જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાય.વી. પટેલ અને સ્ટાફના અન્ય અધિકારીઓએ સંયુક્ત રીતે હાથ ધરી હતી. શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે.

Reporter: admin

Related Post