News Portal...

Breaking News :

કોંગ્રેસ-મુક્તનાં ઢોલ નગારા વગાડતું વડોદરા ભાજપ પણ હવે કોંગ્રેસ-યુક્ત થઈ ગયું

2026-04-20 11:57:01
કોંગ્રેસ-મુક્તનાં ઢોલ નગારા વગાડતું વડોદરા ભાજપ પણ હવે કોંગ્રેસ-યુક્ત થઈ ગયું


કોંગ્રેસનાં કાર્યકરો એકલા ના પડી જાય તેથા કંપની આપવા માટે "આપ"નાં કાર્યકરોને પણ ભાજપમાં ભેળવી લીધા.
લોકસભાની પ્રથમ ચૂંટણી બાદ ભાજપએ દેશને કોંગ્રેસ મુક્ત કરવાનું સ્વપ્ન અને સૂત્ર આપ્યું હતું 
દેશને કોંગ્રેસ મુક્ત કરવામાં ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ
વડોદરા હોય કે ગુજરાત, ચૂંટણી આવતા જ ભાજપમાં ભરતી અભિયાનથી ભાજપ જ ડોહળાઈ ગયું.
આયાતી નેતાઓ અને કાર્યકરોના કારણે ડોહળાઈ ગયેલા પાણીમાં પાયાના કાર્યકરો દેખાતા નથી



ચૂંટણી આવે એટલે ભાજપમાં ભરતી અભિયાન શરૂ થઈ જતું હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે લોકસભા કોંગ્રેસ કે આપમાંથી કાર્યકરો અને નેતાઓના ભાજપમાં પ્રવેશની વણઝાર લાગી જાય છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ એક સૂત્ર આપવામાં આવ્યું હતું કે, દેશને કોંગ્રેસ મુક્ત બનાવવાનો છે. પરંતુ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, દેશને કોંગ્રેસ મુક્ત બનાવવામાં ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે. ભાજપમાંથી નારાજ થઈ કોંગ્રેસમાં કે આપમાં જતાં કાર્યકરોને તો ગણતરીનાં કલાકોમાં જ શામ, દામ, દંડ અને ભેદની નીતિથી પાછો કેસરીયો ખેસ પહેરાવી દેવામાં આવે છે. તો બીજી તરફ જૂના નેતાઓને પણ આ વખતે પાછા લેવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરને શુધ્ધ પાણી ન આપી શકનાર શિસ્તની વાતો કરતી પાર્ટી ભાજપ પણ ડોહળાઈ ગઈ છે. જેના પગલે ડોહળાઈ ગયેલા પાણીમાં ભાજપના પાયાના કાર્યકરો જ દેખાતા નથી. ચૂંટણીની જાહેરાત થઈ તે દિવસથી વડોદરા જિલ્લા અને શહેરમાં કોંગ્રેસ અને આપમાં ગાબડાં પાડવાની હોડ લાગી છે. હજી ગઇકાલે જ આપમાંથી એક પ્રદેશ કક્ષાના નેતા અને તેમની સાથે ૫૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાય છે. જેમાંથી પ્રદેશ કક્ષાનાં નેતાનો પરિવાર ભાજપ સાથે સંકળાયેલો હોવા છતાં ભાજપથી નારાજ થઈને ભાજપમાંથી આપમાં જોડાયા હતા. તો બીજી જિલ્લા અને શહેરના હાલના ધારાસભ્યોની વાત કરવામાં આવે તો તેમાંથી પણ મોટાભાગનાનું મૂળ ગોત્ર ભાજપનું નથી. ત્યારે ડોહળાઈ રહેલી ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય શું હશે તે પણ વિચારવા જેવુ છે. જે પ્રમાણે એનસીપી અને શિવસેનાનાં રાજકીય ફાયદા માટે ભાજપ દ્વારા બે ભાગલા કરી દેવામાં આવ્યા છે. તેજ રીતે ભવિષ્યમાં મૂળ ભાજપ અને અન્ય પક્ષમાંથી જોડાયેલા નેતાઓ ભાજપનાં પણ બે ભાગલા કરે તો નવાઈ નહીં. ભાજપમાં હાલ મૂળ પાયાનાં કાર્યકરો અને નેતાઓ ભૂલાઈ રહ્યા છે. પરંતુ કોંગ્રેસ કે પછી અન્ય પક્ષમાંથી આવેલા કાર્યકરોને આગળ કરવામાં આવી રહ્યા છે. જેના ઉદાહરણ ગણવવાની શરૂઆત કરીએ તો તેનો અંત આવે તેમ નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને લોકસભા સુધી ભાજપમાં કોંગ્રેસનાં અનેક નેતાઓને આવકારીને પહેલી હરોળમાં બેસાડવામાં આવી રહ્યા છે. જેના પગલે જ ભાજપના કાર્યકરોમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી છે. બીજી તરફ ભાજપની આ નીતિના કારણે જ ભાજપની સ્થાપનમાં અને તેના વિકાસ અને જાળવણીમાં જેનો સૌથી મોટો હાથ છે તે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ નારાજ છે. ભાજપના પાયાના કાર્યકરોમાં મોટાભાગના સંઘ સાથે જોડાયેલા છે, ત્યારે કાર્યકરો સાથે થતાં અન્યાયથી સંઘ પણ નારાજ છે. જેના પગલે જ વડોદરામાં ભાજપના નહીં પરંતુ સંઘના પ્રમુખ મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ સામે ભાજપ નહીં પરંતુ સંઘ સામે ભાજપની લડાઈ છે. કોંગ્રેસને હરાવવા નહીં પરંતુ ભાજપ અને સંઘ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ચૂંટણી જંગમાં ઉતરી રહ્યા છે. 



કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાજ્યનાં મોટા નામો 
2024 : અર્જુન મોઢવાડિયા (પૂર્વ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ), અરવિંદ લાડાણી, ચિરાગ પટેલ, નિરંજન પટેલ.
2023-2024 : અલ્પેશ ઠાકોર (2019માં જોડાયા, પછીથી ભાજપમાં પાછા ફર્યા), હાર્દિક પટેલ (ભૂતપૂર્વ કાર્યકારી પ્રમુખ).
2022 : મોહનસિંહ રાઠવા (આદિવાસી પીઢ), નરેશ રાવલ (ભૂતપૂર્વ ગૃહમંત્રી), રાજુ પરમાર (ભૂતપૂર્વ આરએસ સાંસદ).
2020-2021 : જીતુ ચૌધરી (કપરાડા), બ્રિજેશ મેરજા (મોરબી), જે વી કાકડિયા (ધારી), અક્ષય પટેલ (કરજણ), પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા).
2019-2020 : અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા.
અન્ય નોંધપાત્ર નામ : અશ્વિન કોટવાલ (આદિવાસી નેતા), રાઘવજી પટેલ, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, કુવરજી બાવળિયા.
આપના એક નેતાને ભાજપમાં લાવવા ૧૦૦ કરોડની ઓફર 
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત પોતાનું વર્ચસ્વ જમાવવા માટે લડી રહ્યા છે. ત્યારે ચર્ચા છે કે આપનાં એક ધારાસભ્યને ભાજપમાં લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપનાં ધારાસભ્યોમાં સૌથી મોટું નામ હોવાથી તેમને ઓફર પણ મોટી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્યને રુ. ૧૦૦ કરોડની ઓફર અને લોકસભાની ટિકિટની ઓફર કરવામાં આવી હતી. જેમાં રુ. ૫૦ કરોડ પહેલા અને રુ. ૫૦ કરોડ જાહેરાત બાદ આપવાની વાત થઈ ગઈ છે. જોકે, આપનાં નેતાને ભાજપમાં જવામાં કોઈ રસ નથી. હજી સુધી આ જાહેરાત થઈ નથી. જોકે, હજી પણ ભાજપ દ્વારા શામ, દામ, દંડ અને ભેદના સહારે નેતાને ભાજપમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. 

ભરતી અભિયાન માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં 
ભાજપનું ભરતી અભિયાન ચૂંટણી આવતા માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં શરૂ થઈ જાય છે. કોંગ્રેસ, આપ, સ્થાનિક પાર્ટીઓ તમામમાંથી ડોલ ભરી ભરીને ઉલેચી ઉલેચીને નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં લાવવામાં આવતા હોય છે. જેમાંથી મોટાભાગે તો એવા નેતા અને કાર્યકરો હોય છે જેમને તેમની સોસાયટીમાં કે ફળિયામાં પણ કોઈ ઓળખતું ન હોય છતાં મોટા ઉપાડે જાહેરાત એવી કરવામાં આવે છે કે, ગાબડું પાડ્યું. જે ખરેખર ગાબડું નહીં પરંતુ માત્ર દેખાડો જ હોય છે.

Reporter: admin

Related Post