આણંદ : દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બનતા આણંદની બિસ્મિલ્લા સોસાયટીમાં શખ્સે ઉત્સવ મનાવવા દેશી પિસ્ટલથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
બનાવની જાણ થતાં એલસીબીએ દરોડો કરી શખ્સને બે પિસ્ટલ, ચાર જીવતા કારતુસ અને બે ફૂટેલા કારતુસ સાથે ઝડપી પાડયો હતો. એલસીબીની ફરિયાદના આધારે શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય થતાં આણંદ જિલ્લામાં ઠેર ઠેર ક્રિકેટ રસિયાઓ જાહેર માર્ગો પર ઉત્સવ મનાવી રહ્યા હતા. તેવામાં આણંદના ઈસ્માઈલનગરની બિસ્મિલ્લા સોસાયટી નજીક કેટલાક યુવકોએ ફટાકડા ફોડયા હતા. જોકે, મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી અબ્દુલ કાદર શેખે વિજયના ઉન્માદમાં બાંકડા પર બેસી હાથ બનાવટની પિસ્ટલથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
આ અંગે આણંદ એલસીબીને જાણ થતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એલસીબીએ મોહમ્મદ યાસીનને ઝડપી તેના ઘરની તલાશી લેતા તિજોરીમાંથી બે દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા. તેમજ એફએસએલની મદદથી એલસીબીએ બે ફૂટેલા કારતુસ પણ શોધી કાઢ્યા હતા. એલસીબીએ તમામ મુદ્દામાલ જપ્ત કરી શખ્સની પૂછપરછ કરતા દેશી બનાવટની પિસ્ટલ અને ૬ જીવતા કારતુસ મધ્યપ્રદેશથી કોઈ અજાણ્યા શખ્સ પાસેથી રૂ. ૪૫ હજારમાં લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
Reporter: admin