જામનગર: શહેરના કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટીમાં રહેતા એક વ્હોરા કારખાનેદારના બંગલામાં આયુર્વેદિક દવા આપવાના બહાને બે લૂંટારુઓ ઘૂસ્યા હતા.
પ્રૌઢ મહિલાને મુઢ માર મારી મોઢે ડુચો દઈ બંધક બનાવી ઘરમાંથી એક લાખની રોકડ રકમ અને સોનાના દાગીના સહિત રૂપિયા 14 લાખની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. બંને લૂંટારુઓએ ઉપરના માળે રહેલા પ્રૌઢ મહિલાના પુત્રવધૂ તેમજ પૌત્રને છરીની અણીએ ધમકી આપી મારપીટ કરી હતી. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી નાકાબંધી કરી બે લૂંટારુઓને વહેલી સવારે પોરબંદર પંથકમાંથી દબોચી લીધા છે અને ગણતરીના કલાકોમાં જ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.
સનસનીખેજ લૂંટના આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નુરુદ્દીનભાઈ અતરિયા ગઈકાલે પોતાના કામસર બહાર ગામ ગયા હતા. ત્યારે તેમના પુત્ર અબ્બાસભાઈ મુસ્તફા કારખાને ગયા હતા. દરમિયાન બપોરે 12 વાગ્યા આસપાસ તેઓના બંગલામાં બે અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘૂસ્યા હતા. ઘરમાં હાજર રહેલા મુસ્તફાભાઈના 58 વર્ષીય પત્ની ફરીદાબેનને વાતચીત કર્યા પછી તેઓના મોઢામાં કપડું ભરાવી દઈ માર મારી ઘરમાં લૂંટ ચલાવી હતી. ફરીદાબેનનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી ધમકાવી તિજોરીની ચાવી માંગી લીધી હતી. જે નાના પર્સમાં રાખી હતી તે ચાવી કાઢીને તિજોરીમાંથી 1 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોનાનું બિસ્કીટ અને અન્ય નાના-મોટા સોનાના ઘરેણાંઓ સહિત 14 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી.
Reporter: admin