News Portal...

Breaking News :

વડોદરાના યુવક પાસેથી શેર માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને ઠગાઈ કરતી રાજકોટની ઠગ ટોળકીના બે આરોપીઓ ઝડપાયાં

2024-07-03 20:25:01
વડોદરાના યુવક પાસેથી શેર માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને ઠગાઈ કરતી રાજકોટની ઠગ ટોળકીના બે આરોપીઓ ઝડપાયાં



વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે શેર માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને ઠગાઈ કરતી રાજકોટની ઠગ ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી વડોદરાના યુવક સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા.
વડોદરાના યુવકને રાજકોટની ઠગ ટોળકી દ્વારા ફેસબુક પર શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને વ્હોટસએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો. જેમા શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને SS EQUITRADE નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. જેમાં તેઓએ K.Y.C. કરાવ્યા બાદ તેઓને વ્હોટસેપમાં મેસેજથી IPO ખરીદવા આ એપ્લિકેશનમાં પૈસા જમા કરાવડાવ્યા. અને એપ્લીકેશનમાં એલોટમેંટ લાગી ગયુ હોય તેમ દર્શાવવામાં આવેલ હતું. 




આ એપ્લિકેશનમાં તેઓએ કુલ રકમ રૂપિયા ૧૮,૯૨,૨૧૨/- ભરેલ હતા જેના નફા રૂપે એપ્લિકેશનમાં રૂપિયા ૬૯,૧૧,૭૩૨/- દેખાડતા હતા. જેને ઉપાડવા માટે ટેક્ષ લાગશે તેમ જણાવી તેઓએ સામેવાળાને રૂપિયા વીડ્રો કરીને ફરિયાદીને પરત કરવાનું જણાવ્યું હતું. પરંતુ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત ન આપતા તેમજ પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દેતાં ફરિયાદીને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી રાજકોટ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પૈકી કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટ ખાતે રહેતા 23 વર્ષીય દીપસિંહ યોગેશભાઇ રાઠોડ બેંક એકાઉંટ હોલ્ડર છે જેમાં ફરિયાદીનાં રુપિયા ૧૫,૦૯,૦૦૦/- ટ્રાંસફર કરવામાં આવ્યા હતા. જેના બાદમાં તેણે ત્રણ બેંક એકાઉંટ ખોલાવીને સહ આરોપીને આર્થિક લાભ મેળવીને વેચી દીધા હતા. 
જયારે અન્ય પકડાયેલ આરોપી સંતોષનગર મેઇન રોડ, રાજકોટ ખાતેનો રહેવાસી 22 વર્ષીય નિલીકકુમાર વિમલભાઇ ગાંધી દીપસિંહનો મિત્ર છે. જે પોતે કાફે ચલાવતો હતો જ્યાં તેણે દીપસિંહ અને સહઆરોપીનો સંપર્ક કરાવેલ હતો. અને સહઆરોપી માટે બેંક એકાઉન્ટ હોલ્ડર શોધવાનું તેમજ એકાઉન્ટને લગત બીજી પ્રોસેસ કરવાનું કામ કરતો હતો જેના માટે તેને આર્થિક લાભ મળતો હતો. હાલ આ બંને પકડાયેલા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

Reporter: News Plus

Related Post