આણંદ વહીવટી તંત્ર દ્વારા પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવાઇ

ટ્રકને સલામત રીતે બહાર કાઢવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરાશે : કલેક્ટર પ્રવીણ ચૌધરી
આણંદ :ગંભીરા પૂલ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કર બહાર કાઢવાની કાર્યવાહી સંદર્ભે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઇ આગામી ત્રણેક દિવસમાં આ ટેન્કરને પૂલ પરથી ખસેડી લેવાનું આયોજન છે. તેમણે જણાવ્યું કે, ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલો છે, તેને કાઢવા માટે વિવિધ તજજ્ઞોની મદદ લેવામાં આવી રહી છે.આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે ભારતમાં મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર દ્વારા આ ટેન્કરને કેવી રીતે ઉતારવું એ અંગેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ટ્રકને બહાર કાઢવા માટે પૂલથી ૯૦૦ મિટર દૂર રહીને ઉક્ત એજન્સી દ્વારા એક હંગામી ઓફિસ શરૂ કરવામાં આવી છે. ત્યાંથી આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવશે. ટ્રકને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ન્યુમેટિક એરબેગ, હાઈડ્રોલિક સ્ટ્રેન્ડ જેક, એન્જીનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટીલીવર જેવા સાધનોથી ટ્રકને સલામત રીતે બહાર કાઢવાનું આયોજન છે. આ ઓપરેશન સમયે માનવ અને બ્રિજના સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન થાય નહી એ રીતે કરવામાં આવશે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બે થી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.


Reporter: admin







