તંત્રના વિકાસ આયોજનો વિનાશકારી કેમ? વિકાસ સારો છે,સુવિધા આપે છે,સુવિધા વધારે છે.પણ વગર વિચાર્યો વિકાસ વિપદા આપે છે.પર્યાવરણ ને ભરખી જાય છે અને ગેમ ઝોન કે લેક ઝોન બનીને બાળકો અને મોટેરાઓ ને જીવતા સળગાવે અને ડુબાડે છે.
પરિવાર ચાર રસ્તા થી સોમા તળાવ ચાર રસ્તા સુધી દીવાલ થી દીવાલ એટલે કે વોલ ટુ વોલ રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે,છેક થી છેક સુધી પાકો ડામર રોડ બની રહ્યો છે.સારું છે,ચોમાસામાં કાદવ કીચડ અટકશે.આ રોડ ની બંને બાજુઓ અને ખાસ કરીને ડાબી બાજુએ કતારબંધ નાના મોટા વૃક્ષો આવેલા છે.ચંપો,કદમ,શીમળો,જાંબુ જેવા વૃક્ષો થોડીક શીતળતા આપે છે અને તાપમાં આંખ ઠારે છે.જો કે વોલ ટુ વોલ રસ્તાનું વિસ્તરણ જાણે કે આ હર્યાભર્યાં વૃક્ષોને,' ઓ! ઝાડવા તમે બહુ જીવ્યા..હવે સુકાઈ જવા તૈયાર રહો' એવી કારમી ચેતવણી આપી રહ્યું છે.આ રોડ વાઈડનિંગ શરૂ થયું ત્યારે જ ફાળ પડી હતી કે હવે આ વૃક્ષોનું શું થશે.કારણ કે તે સમયે આ વૃક્ષોના થડ જેટલી જગ્યા છોડીને એકાદ મીટર ઊંડા ખાડા કરવામાં આવ્યા હતા.પછી આ ખાડાઓમાં મોટા પત્થર અને કપચી ભરવામાં આવ્યા અને તેની પર રેતી પાથરવામાં ત્યારે લાગ્યું કે વૃક્ષોને વાંધો નહિ આવે.વરસાદનું પાણી રેતી અને પત્થરો વચ્ચે થી નિતરીને જમીનમાં ઉતરશે અને વૃક્ષોને પાણી મળતું રહેશે.જો કે આ આશા ઠગારી નીવડી.કામના ભાગરૂપે આ વૃક્ષોના થડને તો સલામત રાખ્યા પણ આસપાસ ડામર પાથરી બધું ,ટીપુ પાણી જમીનમાં ના ઉતરે એટલી ચોકસાઈ થી પાકું કરી દીધું વિકાસ ની આ ઇન્સાનિયત નથી હેવાનિયત છે.ઇજારદાર થડની ચારે બાજુ અર્ધો ફૂટ જગ્યા છોડી,વૃક્ષની આસપાસ ખામણા જેવી રચના કરે તો વરસાદનું પાણી વૃક્ષોને જરૂરી પ્રમાણમાં જમીનમાં ઉતરી શકે અને પાકા રસ્તાનો લાભ મળે.પરંતુ એવું કરવામાં ઇજારદાર ના કામનું માપ અને ક્ષેત્રફળ ઘટી જાય અને બિલમાં એટલી રકમ ઓછી મળે.
આ ખોટ સહન કરવા કરતાં થડની ચોપાસ ડામર પાથરી દઈએ તો માપ વધે અને રૂપિયા વધે.પાસેના એક દુકાનદારે કહ્યું કે લીલા વૃક્ષો કાપે તો ઉહાપોહ થાય.એટલે સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ એવો ઉપાય મનપા એ કર્યો છે. પાકા ડામર ને લીધે પાણી જમીનમાં ઉતરશે નહિ અને પાણી નહિ મળે એટલે વૃક્ષો આપોઆપ સુકાઈ જશે.હાલમાં મનપા ના હોદ્દેદારો ચોમાસું કામોના નિરીક્ષણ માટે ચારેકોર ફરી રહ્યા છે.એમના ધ્યાનમાં આવી પર્યાવરણ ને નુકશાન કરનારી બાબત આવતી નથી એ દુઃખદ છે.ખાસ કરીને સ્થાયી સમિતિના અધ્યક્ષ એક નામાંકીત તબીબ છે.એમને પર્યાવરણ ના મહત્વની ખબર છે.હમણાં દૂરદર્શન દ્વારા પાકા ડામર રોડ પર અને વૃક્ષની છાયામાં ઉનાળુ બપોરનું તાપમાન માપવાનો પ્રયોગ કર્યો તો વૃક્ષ હેઠળ ખૂબ ઠંડક જણાઈ.એટલે સ્થાયી અધ્યક્ષ અને વિસ્તારના નગર સેવકો આ વૃક્ષ સંપત્તિ ને બચાવવા સત્વરે આગળ આવે તે જરૂરી છે.વિશેષ કશું કરવાનું નથી.ઇજારદાર ને કહીને આ વૃક્ષોના થડની આસપાસ ચારેબાજુ અર્ધો ફૂટ જગ્યા ડામર વગરની રખાવવા ની છે અને જ્યાં પાકું કરી દીધું છે ત્યાં ડામર ખોતરી , ક્યારી જેવું બનાવવાની સૂચના આપવાની છે.જોઈએ હવે આ વૃક્ષ સંવેદનની વાત એમના હૃદય અને મન સુધી પહોંચે છે ખરી? પહોંચશે તો આ વૃક્ષો બચશે અને નહિ પહોંચે તો આ ડામર વૃક્ષો માટે ગેમ ઝોન અવશ્ય બની જશે..
Reporter: News Plus