ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગની ઘટના અંગે SITએ 300 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે.સૂત્રોએ જણાવ્યું હતું કે અહેવાલમાં નાસભાગ પાછળનું મુખ્ય કારણ ભીડભાડ હોવાનું માનવામાં આવે છે.
સત્સંગ માટે 2 લાખથી વધુ લોકો પહોંચ્યા હતા, જ્યારે અધિકારીએ લગભગ 80,000 લોકોની પરવાનગી માંગી હતી.બીજી જુલાઈએ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકો માર્યા ગયા હતા. એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે સત્સંગનું આયોજન કરતી સમિતિની બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે. આ ઉપરાંત વહીવટીતંત્ર પર પણ સવાલો ઉભા થયા છે. જો કે રિપોર્ટમાં ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નથી. માહિતી અનુસાર, SITના આ રિપોર્ટમાં 119 લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તપાસ ટીમમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને અલીગઢના કમિશનર ચૈત્રા વી. સામેલ હતા. આ સિવાય સત્સંગમાં મૃતકોના સ્વજનો અને ઈજાગ્રસ્ત ભક્તોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ મંજૂરી કરતાં વધુ લોકોને બોલાવવા, અપૂરતી વ્યવસ્થા તેમજ પરવાનગી હોવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ ન કરવું, ઘટના માટે જવાબદાર છે.ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના રોજ બાબાના સત્સંગમાં થયેલી નાસભાગમાં 121થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે.
Reporter: News Plus