વડોદરા : અમદાવાદ તરફ જતી એસટી બસોનું પીકઅપ સ્ટેન્ડ સમા તળાવ પાસેથી ખસેડીને ફરી એક વખત અમિત નગર ચાર રસ્તા પાસે લઈ જવામાં આવ્યું છે.
પરંતુ એસટીની બસો અમિત નગર બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ સર્કલ પર જ ચાર રસ્તે અવારનવાર ઉભી રહી જાય છે. જેથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કરે છે.ખાનગી લક્ઝરી બસો પણ અમિત નગર સર્કલ પાસે જ ઉભી રહી જતી હોવાના કારણે વાહન ચાલકો ચાર રસ્તાના કારણે ગુંચવાયા કરે છે આવી જ રીતે શટલીયા વાહન ચાલકો પણ પેસેન્જર માટે આ સર્કલ પર જ અડીંગો જમાવી દેતા હોવાના કારણે ક્યારેક મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
ત્રણેક વર્ષ અગાઉ વહેલી સવારે નજીકની અંબે સ્કૂલમાં યોજાયેલી સાઇકલ મેરેથોનમાં ભાગ લેવા આવી રહેલો માસુમ વિદ્યાર્થી એસટી બસ તળે કચડાઈ ગયો હોવાના કારણે તાત્કાલિક ધોરણે એસટી સ્ટેન્ડ અમિત નગરથી ખસેડવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કેટલાક રાજકારણી અને કોર્પોરેટરની દરમિયાન ગીરીથી એસટી બસ સ્ટેન્ડને સમા તળાવથી ફરી એક વખત ખસેડીને અમિત નગર સર્કલ પાસે લઈ આવવામાં આવ્યું છે. હવે એસ.ટી વિભાગની હાલત 'માં મને કોઠીમાંથી કાઢ' જેવી થઈ છે.
Reporter: admin