તા. ૨૬મીએ (સોમવારે) સવારે ૭ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધીનો-પાર્કિંગ ઝોન અને નો-એન્ટ્રી ઝોન જાહેર કરાયા
જાહેરનામા અન્વયે પ્રતિબંધિત રસ્તાઓની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ
તા.૨૬/૦૫/૨૦૨૫ ને સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા શહેરના પ્રવાસે છે. જેને લઈને ટ્રાફિક સુગમતા, જાહેર જનતાને તકલીફ ન પડે તેમજ વડાપ્રધાનશ્રીની સુરક્ષાને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાફલો જૂના હરણી એરપોર્ટથી રોડ-શો ના સ્વરૂપમાં નીકળી એરપોર્ટ સર્કલથી ડાબી બાજુ વળી એરફોર્સ સ્ટેશન સુધી જશે. જેથી પોલીસ કમિશનરશ્રી નરસિમ્હા કોમારે તા. ૨૬/૦૫/૨૦૨૫ ને સોમવારના રોજ સવારના ૭ વાગ્યાથી હરણી જૂના જકાતનાકા સર્કલથી એરપોર્ટ સર્કલથી ડાબી બાજુ વળી, પ્રાણાયમ હોસ્પિટલ સુધી રોડની બંને બાજુએ ૨૦૦ મીટર સુધીના તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર કર્યો છે.
જ્યારે એરપોર્ટ સર્કલ તરફ જતા હરણી મુકિતધામ ત્રણ રસ્તાથી ગદા સર્કલ તરફ, ડમરૂ સર્કલથી ગદા સર્કલ, હરણી જુના જકાતનાકા સર્કલ તરફ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, ખોડીયારનગર ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ, નટવરનગર ત્રણ રસ્તા (પ્રાણાયામ હોસ્પિટલ વાળા), પંચશીલ ત્રણ રસ્તાથી (વી.આઇ.પી રોડ) નટવરનગર ત્રણ રસ્તાં (પ્રાણાયામ હોસ્પિટલ) તરફ જતા રસ્તાઓને "નો એન્ટ્રી ઝોન" જાહેર કરાયા છે.તદુપરાંત આ રૂટના રસ્તાઓ પર સવારના ૭ કલાકથી અથવા જરૂરિયાત મુજબ તમામ પ્રકારના વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના રોડ-શો ને લઈને કુલ ૧૧ રસ્તાઓ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે, જેની સામે ૧૧ રૂટ પર વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.આ જાહેરનામામાંથી ઈમરજન્સી સર્વિસમાં જોડાયેલા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો તેમજ બંદોબસ્તમાં રોકાયેલા પોલીસના વાહનો, ગ્રાઉન્ડ લોજીસ્ટીક સાથે જોડાયેલ કે સીવીલ એવીએશનના સ્ટાફ પોતાનું વેલીડ આઈ. ડી. કાર્ડ બતાવે અથવા એરપોર્ટની ફ્લાઇટની ટિકીટ બતાવે તેવા વાહનોને મુકિત રહેશે. આ જાહેરનામું તા.૨૬/૦૫/૨૦૨૫ સવારના કલાક ૦૭:૦૦ થી સ્વાગત કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.
Reporter: admin