વડોદરાઃ રિસાઇને પિયર ચાલી ગયેલી પત્ની પાસે તાજેતરમાં જન્મેલી બાળકી મેળવવા માટે પતિએ તરકટ રચ્યું હતું.પરંતુ પત્નીએ અભયમની મદદ લઇ થોડા જ સમયમાં બાળકીને પરત મેળવી લીધી હતી.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતા અને તેની સાસુ વચ્ચે નાનીનાની વાતે ખટરાગ થતો હોવાથી તે આઠ મહિનાની બાળકીને લઇ પિયરમાં ચાલી ગઇ હતી.જેથી પતિએ બાળકી મેળવવા માટે પ્લાન ઘડયો હતો.પતિએ પત્નીને અલગ રહેવાની બાંયધરી આપી પત્ની અને તેમજ પુત્રીના કપડાં ખરીદવા મોલમાં લઇ ગયો હતો.જ્યાં પત્નીએ ડ્રેસ પસંદ કરી ટ્રાયલ રૂમમાં ગઇ હતી.
થોડીવાર બાદ તે બહાર નીકળી ત્યારે પતિ અને બાળકી ગાયબ હતા.જેથી તેણે મોલમાં શોધખોળ કરી હતી.આખરે તે સાસરીમાં પહોંચી ત્યારે પતિ અને બાળકી હાજર હતા.સાસરીયાંએ બાળકીને આપવાનો ઇનકાર કરતાં આખરે પરિણીતાએ અભયમની મદદ લીધી હતી.અભયમે બંને પક્ષે કાઉન્સેલિંગ કરી કાયદાકીય રીતે સમજ આપીને બાળકીને માતાને અપાવી હતી.
Reporter: admin







