News Portal...

Breaking News :

સીઆઇડી ક્રાઈમને આરટીઆઇ હેઠળ મળેલી મુક્તિ પાછી ખેંચવા ગુજરાત સરકારને ભલામણ

2025-06-08 11:11:06
સીઆઇડી ક્રાઈમને આરટીઆઇ હેઠળ મળેલી મુક્તિ પાછી ખેંચવા ગુજરાત સરકારને ભલામણ


ગાંધીનગર : ગુજરાત રાજય માહિતી આયોગે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે સ્ટેટ સીઆઇડી ક્રાઈમને આરટીઆઇ હેઠળ મળેલી મુક્તિ પાછી ખેંચવા ગુજરાત સરકારને ભલામણ કરતો નિર્દેશ કર્યો છે. 


એટલું જ નહી, રાજય માહિતી આયોગે રાજયના તમામ શહેર અને ગ્રામ્ય એલસીબી અને કાઈમબ્રાંચોને પણ આરટીઆઇ હેઠળ અપાયેલી મુકિત પાછી ખેંચવા માટે રાજય સરકારને બહુ અગત્યની ભલામણ કરી છે. ગુજરાત રાજય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે દૂરોગામી અસરો પેદા કરનારા આ ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, ગુપ્તતાના ઓઠા હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને માહિતી નહી આપવાનો સાયબર ક્રાઈમ સેલનો નિર્ણય બિલકુલ અયોગ્ય છે. 


સાયબર ફ્રોડના ગુનાઓ સંબંધી માહિતી તેનો ભોગ બનનારા લોકોને માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવી જ જોઈએ. રાજ્ય માહિતી કમિશનરે આ હુકમની નકલ રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને પણ મોકલી આપવા હુકમ કર્યો હતો. ઉપરાંત, આ હુકમ અનુસંધાનમાં ગૃહ વિભાગ પાસેથી પ્રગતિની વિગતો સમયાંતરે મેળવીને રાજય મુખ્ય માહિતી કમિશનર સમક્ષ યોજાતી બેઠકોમાં રજૂ કરવા પણ હુકમ કર્યો હતો. સાથે સાથે ગુજરાત રાજય માહિતી આયોગના આ હુકમ મુજબ, રાજય સરકાર દ્વારા સુધારેલું જાહેરનામું બહાર પાડવામાં આવે તો તેની નકલ પણ રાજ્ય માહિતી આયોગમાં મોકલવા કડક તાકીદ કરાઇ હતી.

Reporter: admin

Related Post