News Portal...

Breaking News :

કાલે 2જી મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1156 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત માટે વડોદરા આવશે

2025-05-01 10:14:36
કાલે 2જી મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1156 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત માટે વડોદરા આવશે


પેહલી વાર સીએમ ને લઇ ભીડ ભેગી કરવા ભાજપ કાર્યાલય ખાતે બેઠક બોલવાઈ...

વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરીને થયેલા કામોની માહિતી મેળવશે.....



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે 2 જી મે, શુક્રવારે વડોદરા આવી રહ્યા છે. મુખ્યમંત્રી વડોદરાના દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કોર્પોરેશનના 1156 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પધારવાના હોવાથી કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવી ગયું છે અને કાર્યક્રમને લગતી તૈયારીઓ શરુ કરી દીધી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શરુ કરાયેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પણ તેઓ નિરીક્ષણ કરીને થયેલા કામોની માહિતી મેળવશે. આ માટે મુખ્યમંત્રી મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી નદી પર ચાલી રહેલી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગિરીનું પણ નિરીક્ષણ કરશે. 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કેટલું કામ થયું તેની માહિતી મુખ્યમંત્રી મેળવશે અને ઝડપથી કામ પુર્ણ થાય તેવી સુચના આપી શકે છે .બીજી તરફ  મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી શહેર ભાજપ સંગઠન અને કાર્યકરો પણ સક્રિય થયા છે અને ભીડ ભેગી કરવાના કામમાં લાગી ગયા છે. શહેર પોલીસ પણ મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો પ્લાન તૈયાર કરી રહી છે. ટૂંકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને અનુલક્ષીને કોર્પોરેશન તંત્ર, કલેક્ટર તંત્ર, જિલ્લા પંચાયત તંત્ર તથા શહેર પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયું છે. 

મુખ્યમંત્રીના રુટ પર કોર્પોરેશન મેકઅપ કરી રહ્યું છે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનના પગલે તેમના રુટ પર તથા તેઓ મંગલપાંડે રોડ પર વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગિરીની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર રુટ પર કોર્પોરેશન દ્વારા રંગરોગાન શરુ કરી દેવાયું છે. મુખ્યમંત્રીને વડોદરા ચોખ્ખુ અને સ્વચ્છ દેખાય તે માટે તેમના રુટ પર સતત સફાઇ અભિયાન ચાલી રહ્યું છે અને લારી ગલ્લા સહિતના દબાણો પણ ઉઠાવી લેવાયા છે. મુખ્યમંત્રી જ્યારે વડોદરા આવવાના હોય ત્યારે કોર્પોરેશન દ્વારા તેમના રુટ પર મેકઅપ કરી દે છે અને મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીની મુલાકાત હોય તો પોલીસ પણ ખડે પગે હાજર થઇ જાય છે. જેના પગલે વડોદરા વાસી ઇચ્છે છે કે મુખ્યમંત્રી દર મહિને વડોદરાના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લે તો વડોદરાની તસવીર બદલાઇ જશે. બાકી વડોદરાના ઘણા એવા વિસ્તારો છે જ્યાં આજે પણ ગંદકી દેખાય છે અને દબાણોનો ખડકલો દેખાય છે.



ભીડ ભેગી કરવા કાર્યકરોને પ્રમુખ અને ધારાસભ્યોનો અલગ અલગ લક્ષ્યાંક
મુખ્યમંત્રીનો  કાર્યક્રમ હોય ત્યારે પેહલી વાર શહેર ભાજપ દ્વારા લોકોની મોટી ભીડ એકત્ર કરવા માટે કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવે છે પણ 2જી મેના રોજ જ્યારે મુખ્યમંત્રી વડોદરા પધારવાના છે ત્યારે વોર્ડ નંબર 1થી 19ના વોર્ડ પ્રમુખ, પ્રભારી, કોર્પોરેટરો ને શહેર પ્રમુખ અને ધારાસભ્યોએ ભીડ એકત્ર કરવાનો અલગ અલગ ટાર્ગેટ આપતાં કાર્યકરો પણ મુંઝાઇ ગયા છે. બુધવારે સવારે શહેર પ્રમુખે તમામ વોર્ડના પ્રમુખ, પ્રભારી, કોર્પોરેટર સાથે બેઠક બોલાવીને દરેક વોર્ડમાંથી 50 લોકોને બોલાવી લાવે તેવો ટાર્ગેટ અપાયો હતો પણ બપોર પછી જ્યારે વોર્ડ પ્રમુખ, પ્રભારી,અને કોર્પોરેટર સાથે ધારાસભ્યોએ બેઠક કરી તો તેમણે દરેક વોર્ડમાંથી 200 લોકો લાવામાં આવે તેવો ટાર્ગેટ આપ્યો હતો જેથી કાર્યકરોને કોની વાત માનવી અને કેટલી ભીડ ભેગી કરવી તે મુશ્કેલ બન્યું છે.

વોર્ડના હોદ્દેદારોને ભીડ એકત્ર કરવા પરસેવો વળી જશે...
એ તો દરેક જાણે છે કે આ વખતે દરેક વોર્ડમાં માનીતા લોકોને જ હોદ્દા આપવામાં આવ્યા છે. વોર્ડમાં એવા લોકોની નિમણુક કરાઇ છે જે ક્યારેય ભાજપમાં સક્રીય સભ્ય રહ્યા નથી અને લોકો સાથે તેમનો સંપર્ક પણ નથી તો આ વોર્ડના હોદ્દેદારો કઇ રીતે ભીડ એકત્ર કરશે તે મોટો સવાલ છે. જે કાર્યકરો અત્યાર સુધી ઉત્સાહમાં રહીને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના કાર્યક્રમ માટે ભીડ એકત્ર કરતા હતા તે કાર્યકરોમાં પોતાની નિમણુક ના થતાં નિરાશા ફરી વળી છે. જેથી તેઓ નિષ્ક્રીય થઇ જશે ત્યારે ભલામણ અને લાગવગના જોરે નિમણુક પામેલા વોર્ડના હોદ્દેદારોને ભીડ એકત્ર કરવા પરસેવો વળી જશે તેવી ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે.

Reporter: admin

Related Post