નિષ્ઠુર તંત્ર શાળા સામે હજી કોઇ પગલાં જ લઇ શક્યું નહી
સનરાઇઝ સ્કુલ પાસે સુર્યનગર ગ્રાઉન્ડનું ભાડુ વસુલ કરો, કમિશનરને આશિષ જોશીનો પત્ર.

હરણી બોટકાંડમાં બેદરકારી દાખવનારી વાઘોડીયા રોડની સનરાઇઝ સ્કૂલ સુર્યનગર ગરબા મેદાનનો વાપર ઉપયોગ કરી રહી છે, તે બંધ કરવા અને આજદિન સુધી જે વાપર ઉપયોગ કર્યો છે તેનું ભાડુ વસુલ કરવા માટે કોર્પોરેટર આશિષ જોશીએ મ્યુનિ.કમિશનરને પત્ર લખ્યો છે. ઉલ્લેખનિય છે કે હરણી બોટકાંડને આજે અઢાર જૂને, અઢાર મહિના પુરા થઇ ગયા છે. હજુ સુધી પીડિતોને ન્યાય મળ્યો નથી.
કોર્પોરેટર આશિષ જોશીએ કમિશનરને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે દોઢ વર્ષ પુર્વે શહેરમાં જે ગોઝારી ઘટના બની તેમાં હરણી તળાવ કે જે વડોદરા કોર્પોરેશને પીપીપી મોડલ પર ડેવલપ કરવા આપ્યું હતું અને ડેવલપ કરનારા ઇજારદાર દ્વારા બોટીંગ તથા રીક્રીએશનલ ની વ્યવસ્થા ઉભી કરી હતી . આ જગ્યાએ સનરાઇઝ સ્કુલના બાળકો પીકનીક પર ગયા હતા અને બોટીંગ કરતા, બોટ ઉંધી વળતા 12 બાળકો અને 2 શિક્ષીકાઓએ પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટના વડોદરા શહેર અને કોર્પોરેશન માટે કલંકિત છે. કોર્પોરેશને જે સુપરવીઝન કરવું જોઇએ તે કર્યું ન હતું. જેથી આ માસુમ બાળકો અને શિક્ષીકાઓની જળ સમાધી થઇ હતી. આ વિષયમાં ઉંડાણપૂર્વક જોતા કોર્પોરેશન અને ઇજારદાર જેટલા જવાબદાર છે તેટલાં જ સનરાઇઝ સ્કુલના સંચાલકો પણ એટલા જ જવાબદાર છે. પણ આ શાળા માટે કુણું વલણ અપનાવાઇ રહ્યું છે. તેવું સ્પષ્ટપણે અનુભવાઇ રહ્યું છે. આ બાબતે અમે સભામાં રજૂઆત પણ કરી હતી કે કોર્પોરેશન દ્વારા જે બાળકો અને શિક્ષીકાઓએ પ્રાણ ગુમાવ્યા છે તેમના પરિવારને વળતર આપવું જોઇએ અને આ માટે રસ્તો પણ અમે બતાવ્યો કે સનરાઇઝ સ્કુલ સુર્યનગર ગરબા મેદાનનો ઉપયોગ વર્ષોથી કોઇ પણ જાતની પરવાનગી વગર કરી રહી છે. જે વાપર ઉપયોગ કરવા માટેનો કાયદેસરનો શાળાને કોઇ અધિકાર નથી. આ માટે કોર્પોરેશને વર્ષોથી વાપરેલું ગ્રાઉન્ડનું ભાડુ લેવાનો અધિકાર છે. તેમણે પત્રમાં લખ્યું છે શાળાએ વર્ષોથી ગ્રાઉન્ડનો વાપર ઉપયોગ કર્યો છે તેનું ભાડુ વસુલવું જોઇએ. આ ઘટના ઘટી ત્યારે બીજા કે ત્રીજા દિવસ બાદ વોર્ડના અધિકારીઓ દ્વારા આ ગ્રાઉન્ડ નો પંચક્યાસ કરાયો હતો. જે આજે પણ રેકોર્ડ પર હશે. અને તેમાં સ્કુલ દ્વારા આ મેદાનનો ઉપયોગ બિનપરવાનગી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવું ફલીત થયું હશે. ત્યારબાદ સનરાઇઝ શાળાએ આ મેદાનનો વાપર ઉપયોગ બંધ કર્યો હતો પણ પાછો ફરીથી ઉપયોગ શરુ કર્યો છે. તેવું અમારી જાણમાં આવ્યું છે. થોડા મહિના પહેલા બોટકાંડના પીડીતો સાથે તત્કાલિન કમિશનરને હું મળવા આવ્યો ત્યારે વચન આપ્યું હતું કે સનરાઇઝ સ્કુલ જે ગ્રાઉન્ડનો ઉપયોગ કરી રહી છે તેની સામે પગલાં લઇશું પણ દુઃખ સાથે કહેવું પડે કે તેઓએ આજ દિનસુધી આ બાબતે કોઇ પગલાં લીધા નથી કે પગલા લેવા વિભાગને જણાવ્યું હોય અને શાળાએ પહેલાની જેમ આ મેદાનનો ઉપયોગ શરુ કરી દીધો છે. કોર્પોરેશને કોઇ નક્કર પગલાં નહી લીધા હોવાથી અને 20-03-2025ના રોજ તત્કાલિન કમિશનરને પત્ર લખી આ બાબતે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. પણ પત્ર બાદ પણ તે દિશામાં કોઇ કાર્યવાહી થઇ હોય તેવું જણાતું નથી. અમારી માંગણી એ કે વડોદરા કોર્પોરેશને જે પરિવારમાંથી બાળકો અને શિક્ષીકા મૃત્યુ પામ્યા છે તેમના પરિવાર પ્રત્યે માનવતા દાખવવા બાબતની છે. ત્યારે અમારી માંગ છે કે આપ ત્વરિત અસરથી આ મેદાનનો ઉપયોગ જે શાળા કરી રહી છે તે બંધ કરાવો અને આજ દિન સુધી ગ્રાઉન્ડનો વાપર ઉપયોગ કર્યો છે તે પેટેનું ભાડુ વસુલવા કાર્યવાહી કરવી.

સ્કૂલ દાદાગીરી કરીને ગ્રાઉન્ડને લગાવેલા તાળા પણ ખોલી દે છે.
મેદાનની લાગત વસુલ થઇ નથી અને રેલીંગ પણ કરી નથી. આ કામગીરી તો કોર્પોરેશનના તંત્રના હાથમાં છે. પણ છતાં આંખ આડા કાન કરાઈ રહ્યા છે. મેં ગઇ કાલે વોર્ડ ઓફિસરને કહીને ગ્રાઉન્ડને તાળા મરાવ્યા છે પણ કોણ જાણે કેમ પણ સ્કુલ દાદાગીરી કરીને કોર્પોરેશને લગાવેલા તાળા ખોલી દે છે. એવું લાગે છે કે કોર્પોરેશને પંચક્યાસ કરીને કહેવા પુરતો ગ્રાઉન્ડનો કબજો લીધો છે. પણ બધા ફુટેલા છે.
આશિષ જોશી, કોર્પોરેટર


Reporter: admin







