વડોદરા : દિપોત્સવીના તહેવાર આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો છે.
આજે તા.૨૪ ઓકટોબરે ગુરૂ પુષ્યામૃત યોગના પર્વે શુકનવંતી ચીજવસ્તુઓ ખરીદવા માટેનું શુભ મુર્હૂત આવી રહ્યુ હોય તેને લઈને ગોહિલવાડના સોના, ચાંદીના વિક્રેતાઓ તેમજ ઓટોમોબાઈલના વિક્રેતાઓ દ્વારા સ્ટોક સહિતની આગોતરી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.તહેવારોના દિવસો જાણે કે, ઝડપભેર પસાર થઈ રહ્યા હોય પ્રકાશનું મહાપર્વ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગોહિલવાડની વિવિધ બજારોમાં ભારે ભીડ દ્રશ્યમાન થતા ધીમે ધીમે રોનક જામી રહી છે
ત્યારે આજે તા.૨૪ ઓકટોબરને ગુરૂવારે ગુરૂ પુષ્યામૃત યોગના અનન્ય મહિમાવંતા મહાપર્વે ચોપડા, વાહન, પૂજાનો સામાન, સોના,ચાંદીના આભુષણો, જમીન અને મકાન તેમજ પ્લોટની ખરીદી શુભ બની રહેશે. ગુરૂપુષ્યામૃતના યોગના પર્વે શ્રધ્ધાળુઓ દ્વારા શ્રીયંત્રની ધૂમ ખરીદી થશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ. વિક્રમ સવંત ૨૦૮૦નું અંતિમ અતિ શુભ અને સમૃધ્ધિ આપવાવાળુ ગુરૂ પુષ્યામૃત નક્ષત્ર તા.૨૪મીએ સવારે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી રહેશે.એટલે કે, ગુરૂવારે દિવસ અને રાત્રિ દરમિયાન આ યોગનો લાભ લઈને શુકનવંતી ખરીદી કરી શકાશે. આ યોગમાં સોના,ચાંદી, હિરા, માણેક, ઝવેરાત અને ઈલેકટ્રોનિકસની વસ્તુઓની ખરીદી કરવાથી વિશેષ લાભ થશે.
Reporter: admin