News Portal...

Breaking News :

રાણાજીનાં નવ રતન પૈકીનાં મનોજ પાટીલથી તોબા તોબા

2025-03-16 10:10:31
રાણાજીનાં નવ રતન પૈકીનાં મનોજ પાટીલથી તોબા તોબા


નવા ચીફ ફાયર ઓફિસરને 1 મહિના પછી પણ વહિવટમાં ગતાગમ પડતી નથી.
વહીવટની કામગીરી સીએફઓ તાબાના અધિકારીને ફોરવર્ડ કરીને પોતાના હાથ અદ્ધર કરી દે છે.
ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટિલે ચાર્જ સંભાળ્યે 1 મહિના કરતા વધુ સમય વિતી ગયો છે પણ તેમને હજુ સુધી ફાયર વિભાગની કામગીરીની ગતાગમ પણ પડતી નથી. 


રાણાજીના આશિર્વાદથી સીએફઓની ખુરશી પર ચડી ગયેલા મનોજ પાટિલને હવે ફાયર બ્રિગેડનો વહિવટ કેવી રીતે કરવો તેની ખબર પડતી નથી. તેમણે અત્યાર સુધી આરઆરના નિયમ મુજબ કોઇપણ નગરપાલિકા કે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડમાં 3 વર્ષ સુધીની ફરજ બજાવી જ નથી. ફાયર બ્રિગેડમાં નોકરી જ ના કરી હોય અને સીધા તમને સીએફઓની ખુરશી પર મહેરબાની કરીને બેસાડી દેવાયા હોય તો તમને શું ખબર પડે? અત્યારે તો સીએફઓ કોઇ પણ ફાઇલ આવે એટલે ગતાગમ પડતી ના હોવાથી ડે.સીએફઓ કે પછી ફાયર ઓફિસરને ફોરવર્ડ કરી દે છે. 


તાબાના અધિકારીઓ જ અત્યારે વહીવટ કરી રહ્યા છે. જો ભવિષ્યમાં કંઇ થશે તો સીએફઓ તો છટકી જશે પણ ડે.સીએફઓ અને ફાયર ઓફિસરો ભરાઇ જશે કારણ કે તેમણે મંજૂરીની સહિ કરી હશે.ફાયર વિભાગમાં ફાયરના કોલ ઉપરાંત વહીવટી કામગીરી પણ અત્યંત જરુરી છે પણ નવા સીએફઓ સાહેબને કંઇ જ આવડતું નથી. કેમકે તેમની પાસે યોગ્ય લાયકાત નથી કે અનુભવ પણ નથી. ફાયર વિભાગમાં એનઓસી તથા વીવીઆઇપી બંદોબસ્ત કે પછી કોઇ પણ ઇન્વર્ડ કામગીરી આવે તો સીએફઓ તાબાના અધિકારીને ફોરવર્ડ કરીને પોતાના હાથ અદ્ધર કરી દે છે. તેઓ ફાયરના વ્હિકલના મેઇન્ટેનન્સમાં પણ ધ્યાન આપતા નથી. વર્ષોથી દાંડીયાબજાર ખાતે પતરામાં ચાલતા ફાયર સ્ટેશનને નવા બનેલા બદામડીબાગ ફાયર સ્ટેશનમાં ખસેડતા પણ નથી. વળી ગુજરાતી ભાષા બોલતા કે લખતા કે વાંચતા તો તેમને આવડતી જ નથી જેથી કોઇપણ પરિપત્ર આવે તો તેમાં શું લખેલું છે તેની પણ તેમને ખબર પડતી નથી. તેઓ પોતાના સ્ટાફ મીટીંગ, એન ઓ સી માટે મળવા આવનારા સાથે માત્ર હિન્દીમાં જ વાતચીત કરે છે. પરિણામે તેઓ યોગ્ય કોમ્યુનિકેશન્સ પણ કરી શકતા નથી. રાણાજીના પ્રતાપે શહેરનો એવો સીએફઓ મળ્યો છે કે વડોદરાવાસીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે. નવાઇની વાત એ છે કે પ્રમાણપત્રો ચેક કરવાની વાતો કરવાના રાણાજી આજના ફાસ્ટ યુગમાં એક મહિના પછી પણ નવા સીએફઓના પ્રમાણપત્ર ચેક કરી શક્યા નથી અને તે જ બતાવે છે કે રાણાજી કેટલા કાર્યદક્ષ છે.

Reporter: admin

Related Post