News Portal...

Breaking News :

વડોદરા શહેર-જિલ્લામાં રક્તપિત્તના દર્દીઓને શોધવા માટે તા. ૧૦ થી તા. ૨૯ જૂન ૨૦૨૪ સુધી ‘રકતપિત્ત દર્દી શોધ ઝૂંબેશ’ હાથ ધરાશે

2024-06-07 12:31:39
વડોદરા શહેર-જિલ્લામાં રક્તપિત્તના દર્દીઓને શોધવા માટે તા. ૧૦ થી તા. ૨૯ જૂન ૨૦૨૪ સુધી ‘રકતપિત્ત દર્દી શોધ ઝૂંબેશ’ હાથ ધરાશે


કુલ ૧૬૮૭ ટીમ દ્વારા ૨૪.૫૬ લાખ નાગરિકોની રકતપિત્ત માટે આરોગ્ય ચકાસણી કરાશે હાલ વડોદરા શહેર-જિલ્લામાં ૨૭૦ દર્દીઓની સારવાર ચાલુ વડોદરાનો હાલનો પ્રીવેલન્સ રેટ ૦.૭૦ છે રકતપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડીત લોકોને સમાજિક ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે. 


આ રોગમાં કોઈ પણ જાતની પીડા જોવા મળતી ન હોવાના કારણે ઘણા દર્દીઓને રકતપિત્ત રોગની જાણ પણ હોતી નથી.જેથી રકતપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવા તથા રકતપિત્ત નિર્મૂલન કરવાના આશયથી વડોદરા જિલ્લાના તમામ તાલુકા અને વડોદરા કોર્પોરેશનના નિયત વિસ્તારોમાં તા. ૧૦ થી તા. ૨૯ જૂન ૨૦૨૪ સુધી રક્તપિત્ત શોધ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.આ અભિયાનમાં વડોદરા જિલ્લો અને કોર્પોરેશનના નિયત વિસ્તારોમાં કુલ ૧૬૮૭ ટીમ દ્વારા તા. ૧૦/૦૬/૨૦૨૪ થી તા. ૨૯/૦૬/૨૦૨૪ સુધી રક્તપિત્ત દર્દી શોધ ઝૂંબેશ (LCDC) યોજવામાં આવશે.આ કેમ્પેઇનમાં આશા અને પુરુષ વોલેન્ટીયરની ટીમ દ્વારા વડોદરા જિલ્લાના તમામ તાલુકા અને કોર્પોરેશનના મળી કુલ ૨૪,૫૬,૭૩૪ વ્યક્તિઓની રકતપિત્ત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. ટીમ દ્વારા બે વર્ષથી ઉપરના તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે.


જે વ્યક્તિને રકતપિત્તના શંકાસ્પદ ચિન્હો જણાય તેઓને નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદીર, પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ પર નિદાન અને સારવાર માટે મોકલી આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં ૧૯૪ અને મહાનગરપાલિકા વિસ્તારમાં ૭૬ મળી કુલ ૨૭૦ દર્દીઓને રક્તપિત્તની સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં જાન્યુઆરીમાં યોજાયેલ રક્તપિત્ત દર્દી શોધ ઝૂંબેશ દરમિયાન પાંચ લાખ ઉપરાંત ઘરોની ૨૨.૪૭ લાખ વસતીની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ ઝૂંબેશ દરમિયાન જિલ્લામાં કુલ ૭૨ રક્તપિત્તના દર્દીઓ મળી આવ્યા હતા. જેની સારવાર હાલ ચાલી રહી છે. વડોદરાનો હાલનો પ્રીવેલન્સ રેટ ૦.૭૦ છે.

Reporter: News Plus

Related Post