વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પડ્યા છે જેઓ રાતે નેશનલ હાઇવે ઉપર લોકોને રોકી તેઓ પાસેની રોકડ રકમ ઉપરાંત ઓનલાઈન ટ્રાન્જેક્શ કરાવી રૂપિયા પડાવી લેતા હતા. અનેક લોકોને આ ટોળકીએ નિશાન બનાવ્યા છે જેઓ હાલમાં પોલીસ હિરાસતમાં આવ્યા છે.
વડોદરા શહેરના કપુરાઇ પોલીસ સ્ટેશન હદમાં તાજેતરમાં હાઇવે પર લુંટ અંગેનો ગુનો નોંધાયો હતો. જેમાં ભોગ બનનાર ફરીયાદી તેઓના મિત્ર સાથે ડીસ્કવર ટુ-વ્હીલર મો.સા.પર કરજણ તરફ જતા હતા ત્યારે ને.હા.નં.48 ઉપર તરસાલી ચોકડી થી જાંબુવા બ્રીજ તરફ જતા મહાદેવ હોટલ નજીક કોર્પોરેશનના ઢગલા પાસે તા.5 જૂનના રોજ રાત્રીના સમયે એક ઓટો રિક્ષામાં અજાણ્યા ત્રણ ઇસમોએ આવી મો.સા આગળ ઓટોરીક્ષા ઉભી રાખી બોલાચાલી કરી ઝપાઝપી કરી ફરીયાદીના શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.5,000/-ની લુંટ કરી તથા ફોન પે થી રૂ.4,000/- ની રકમ ટ્રાન્સફર કરાવી આરોપીઓ ઓટોરીક્ષામાં બેસી સુરત તરફ ભાગી ગયા હતા. જે અંગેનો ગુનો નોંધાતા પોલીસે.તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારીત તપાસ કરતા આ ગુનાહીત કૃત્યમાં અગાઉ લુંટના ગુનાઓ સહીતના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની સંડોવણી જણાઇ આવતા ગોત્રી તેમજ સેવાસી રોડ ખાતેથી કિરણ અંબાલાલ માછી ઉ.વ.27 રહે.સીધરોટ ગામ કૃષ્ણપુરા તા.જી.વડોદરા ,રસીક ચીમનભાઇ ચૌહાણ ઉ.વ.24 રહે.રામપુરાગામ તા.આંકલાવ જી.આણંદ અને ભાવીક ઉર્ફે પન્નો અરવિંદભાઇ વાઘેલા ઉ.વ.23 રહે,૭૭૬ ગોકુળનગર ગોત્રી વડોદરાનાઓને શોધી કાઢી તેઓની પ્રાથમીક પુછપરછ દરમ્યાન તેઓએ આ હાઇવે રોડ પર લુંટનો ગુનો કબુલ્યો હતો. આ આરોપીઓએ અગાઉ પણ અનેક લૂંટ ચલાવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus