ટ્રમ્પના નિર્ણય બાદ ચીજ-વસ્તુઓ મોંઘી થશે: સાંસદ પ્રવીણ ખંડેલવાલ
દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ અને વધારાનો દંડ ઝિંકવાની જાહેરાત કરી છે. નવો ટેરિફ પહેલી ઓગસ્ટથી લાગુ થશે.
ટ્રમ્પે ભારત રશિયા પાસેથી સતત ક્રૂડ ઓઈલ આયાત કરતું હોવાથી અને લાંબા સમયથી વેપાર અડચણોના કારણે આ નિર્ણય લીધો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ‘ભારત, અમેરિકાનો મિત્ર હોવા છતા બિઝનેસ મામલે ક્યારેય વધુ સહયોગી નથી રહ્યો. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે અને ત્યાં નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. એજ કારણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત રહી.’ ટ્રમ્પની જાહેરાત બાદ ભારતના રાજકીય નેતાઓએ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે.
ભાજપે ટ્રમ્પના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ કહ્યો છે, તો કોંગ્રેસે વિદેશ નીતિની નિષ્ફળતાનો ઉલ્લેખ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ‘ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ ભારત સરકાર નિશ્ચિત કોઈ પગલું ભરશે. સરકાર અમેરિકન વહિવટી તંત્ર સાથે પણ વાત કરી શકે છે. ટ્રમ્પના નિર્ણય બાદ ચીજ-વસ્તુઓ મોંઘી થઈ જશે. આપણે અભ્યાસ કરવો પડશે કે, ટેરિફના કારણે માર્કેટ પર શું અસર થશે? ટેરિફ લગાવવો દુર્ભાગ્યપૂર્ણ છે. મને આશા છે કે, ટ્રમ્પ તંત્રને વહેલી તકે અનુભૂતી થશે અને તેઓ નિર્ણયને પરત ખેંચી લેશે.’કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે, ‘ટ્રમ્પે ભારતની આયાત પર 25 ટકા ટેરિફ અને દંડ ઝિંક્યો છે. ટ્રમ્પ અને હાઉડી મોદી વચ્ચે થયેલી આ તમામ પ્રશંસાનો કોઈ અર્થ રહ્યો નથી.
Reporter: admin







