મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેની ગુરુવારે ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર પડી શકે છે.
કોટક એએમસીના એમડી નિલેશ શાહ સહિત ઘણા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ નિર્ણય બજાર માટે આંચકો હોઈ શકે છે અને ભારતે તેની આર્થિક નીતિઓને ઝડપી બનાવવી પડશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટ 2025થી ભારત પર 25 ટકા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ જાણકારી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ લખ્યું કે ભારત મિત્ર તો છે પરંતુ વેપારના મામલામાં તે નિષ્પક્ષ નથી. તેમણે કહ્યું કે ભારતનો ટેરિફ દુનિયામાં સૌથી વધુ છે અને તેના બિન-ટેરિફ પ્રતિબંધ પણ વધુ કડક છે.
નિલેશ શાહે કહ્યુ કે, હું આશા કરુ છું અને પ્રાર્થના કરુ છું કે અમેરિકાના એકતરફી નિર્ણય બાદ ભારત પોતાની નીતિ નિર્માણની પ્રક્રિયાને ઝડપી કરે અને તેને વિકાસ કેન્દ્રીત બનાવે. આપણી સૌથી મોટી નબળાઈ હજુ પણ આપણા જીડીપીના આકાર અને વૈશ્વિક સ્પર્ધામાં પાછળ રહી જવાની છે.ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની લશ્કરી ખરીદી પર પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આજે પણ ભારત તેના લશ્કરી સાધનોનો મોટો ભાગ રશિયા પાસેથી ખરીદે છે અને ચીનની સાથે ઊર્જાનો સૌથી મોટો ખરીદનાર છે. ટ્રમ્પે કહ્યું કે આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખી દુનિયા ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં યુદ્ધ બંધ કરે. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે કહ્યું, "હવે ભારતે અન્ય પ્રવૃત્તિઓ માટે 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે."
Reporter: admin







