News Portal...

Breaking News :

ચૂંટણી અધિકારી અને પોલીસની હાજરીમાં જ રાજકારણીઓમાં ઢીશુમ ઢીશુમ

2026-04-16 10:33:23
ચૂંટણી અધિકારી અને પોલીસની હાજરીમાં જ રાજકારણીઓમાં ઢીશુમ ઢીશુમ


એક તબક્કે ઝપાઝપીમાં સોટ્ટા કેટલાક સામેવાળા કાર્યકરોથી ઘેરાઈ ગયા હતા.સમર્થકો ના હોત તો હુમલો નિશ્ચિત હતો..
સંગઠન અને હોદ્દેદારોનાં આદેશ વગર "ઓપરેશન રણછોડ" શક્ય નથી
ડભોઈમાં લોકશાહીનાં ધજાગરા: ધારાસભ્ય-કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જાહેરમાં મારામારી, ‘બિનહરીફ જીત’ પર સવાલ
લીંગસ્થળી બેઠક પર ફોર્મ પરત બાદ બખેડો, સેવાસદન બન્યું રણમેદાન—કાર્યકરો વચ્ચે છૂટાછવાયા હાથાપાઈ
દબાણ અને ગોઠવણનાં આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પોલીસની હાજરીમાં જ હિંસા—મતદાન પહેલા ડભોઈમાં તંગદિલી



ડભોઈમાં ભાજપ ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ઝપાઝપી, લીંગસ્થળી બેઠક પર ફોર્મ પરત—કાર્યકરો વચ્ચે મારામારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે વડોદરા જિલ્લાનાં ડભોઈમાં રાજકીય અખાડો સર્જાયો હતો. ડભોઈ તાલુકા પંચાયતની લીંગસ્થળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જ મામલો બિચક્યો હતો. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ સુધીર બારોટ વચ્ચે જાહેરમાં બોલાચાલી બાદ  હાથાપાઈ થતા લોકશાહીનાં લીરેલીરા ઉડ્યા હતા.લીંગસ્થળી બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર અરવિંદ પાટણવાડિયાએ અચાનક મેદાન છોડવાનો નિર્ણય લેતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો અને આક્રોશ વ્યાપી ગયો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કોઈ સ્વૈચ્છિક નિર્ણય નથી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલી ‘ગોઠવણ’ અને દબાણનું પરિણામ છે. આ ફોર્મ પરત ખેંચાતા જ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, પરંતુ આ જીત વિવાદોના વંટોળમાં ઘેરાઈ છે.જ્યારે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે ડભોઈ સેવાસદન બહાર જ ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ સામસામે આવી ગયા હતા. ધારાસભ્ય શૈલેષ મહેતા અને કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. બંને પક્ષનાં કાર્યકરોએ એકબીજા પર હુમલો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થિતિ એટલી વણસી હતી કે સ્થાનિક પોલીસ ટૂંકી પડી હતી અને વધારાનો કાફલો બોલાવવાની ફરજ પડી હતી.જ્યાં જનતાના કામ થવા જોઈએ તે ડભોઈ તાલુકા સેવા સદન આજે રણમેદાન બની ગયું હતું. નેતાઓ એકબીજાનાં કોલર પકડતા જોવા મળ્યા અને કાર્યકરોમાં છૂટાછવાયા હાથાપાઈ થઈ. પોલીસની હાજરીમાં જ થયેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે.



વડોદરા જિલ્લામાં 40 બેઠકો બિનહરીફ થઈ છે, પરંતુ ડભોઈની આ ઘટનાએ સાબિત કર્યું છે કે બિનહરીફ થવાની પ્રક્રિયા હંમેશા શાંતિપૂર્ણ હોતી નથી. રાજકીય કાવાદાવા જ્યારે હિંસામાં ફેરવાય છે, ત્યારે નુકસાન માત્ર સામાન્ય જનતા અને લોકશાહીના મૂલ્યોને જ થાય છે. ડભોઈની જનતા આ તમાશો જોઈ રહી છે અને 26મી એપ્રિલે ઈવીએમ દ્વારા પોતાનો જનાદેશ આપશે.
ડભોઈમાં સોટ્ટા ફેક્ટર અને રાજકારણ.
ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) હંમેશા તેમના આક્રમક અંદાજ માટે જાણીતા છે. આજની ઘટનામાં તેમની સાથે થયેલી ઝપાઝપીએ આ વિવાદને વધુ હવામાં ઉછાળ્યો છે. ભાજપનાં કાર્યકરોનો દાવો છે કે કોંગ્રેસે પહેલા ઉશ્કેરણી કરી હતી. આ વિવાદની અસર આગામી દિવસોમાં મતદાન પર કેવી પડશે તે જોવું રહ્યું.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડભોઈ તાલુકા સેવા સદન આજે રણમેદાન બની ગયું હતું. નેતાઓ એકબીજાના કોલર પકડતા જોવા મળ્યા અને કાર્યકરોમાં છૂટાછવાયા હાથાપાઈ થઈ હતી. એક તબક્કે સોટ્ટાને કાર્યકરોએ ઘેરી લીધા હતા. મારામારીની આ ઘટનામાં બંને પક્ષનાં કેટલાક કાર્યકરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી, પરંતુ સમગ્ર ડભોઈ પંથકમાં આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી.

Reporter: admin

Related Post