પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા
દિલ્હી : અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે.
ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં ૧૭૨ ટકાનો ઊછાળો થયો છે જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. જોકે, ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પરંતુ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે.મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૭૧ ડોલરથી વધીને ૧૧૧ ડોલર સુધી પહોંચી ગયા છે. સપ્લાય અંગે અનિશ્ચિતતા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ફરી એક વખત બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊછળવાની આશંકા સેવાઈ રહી છે.
વૈશ્વિક સ્તર પર ગ્લોબલપેટ્રોલપ્રાઈસ.કોમના તાજા આંકડા મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો કરનારા દેશોમાં ફિલિપાઈન્સમાં ૧૭૨ ટકા, લાઓસમાં ૧૬૯ ટકા, મ્યાંમારમાં ૧૬૧ ટકા, મલેશિયામાં ૧૨૪ ટકાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં ભાવવધારાની અસર હજુ સુધી ભારત પર જોવા મળી નથી. ભારતમાં કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના સ્તરે સ્થિર છે.
Reporter: admin







