ક્રાઇમ બ્રાન્ચે રીઢા વાહનચોરને ઝડપી પડ્યો
અટલ બ્રિજ નીચે ચોરાયેલી સુઝુકી એકસેસ મોપેડ સાથે ઝડપાયેલ આરોપીની 17 ગુનાઓમાં સંડોવણી બહાર આવી
વડોદરા શહેરમાં વધતા વાહનચોરીના બનાવોને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ મનિષા ચોકડી નજીક અટલ બ્રિજ નીચે પાર્ક કરેલી સુઝુકી એકસેસ મોપેડની ચોરીનો ભેદ ઉકેલી પોલીસએ એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.પોલીસને મળેલી માહિતી અનુસાર, શહેરમાં વાહનચોરીના ગુનાઓ અટકાવવા અને આરોપીઓને ઝડપવા માટે સતત પેટ્રોલિંગ અને બાતમી આધારે કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન અજબડી મિલ નજીક ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે એક શંકાસ્પદ ઇસમ નજરે પડ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરીને તપાસ કરતાં તેની પાસે રહેલી એકસેસ મોપેડ અંગે સંતોષકારક માહિતી આપી શક્યો નહોતો.વાહનના કાગળો રજૂ કરવામાં નિષ્ફળ રહેતાં પોલીસે મોપેડ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે તેણે તા. 04 એપ્રિલ 2026ના રોજ મનિષા ચોકડી પાસે અટલ બ્રિજ નીચે પાર્ક કરેલી મોપેડનું લોક તોડી ચોરી કરી હતી.
આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલ હતો.પકડાયેલ આરોપીની ઓળખ અર્જુન ઉર્ફે દેવો કનુભાઈ માળી (ઉંમર 32) તરીકે થઈ છે, જે હાલ ભાયલી વિસ્તારમાં રહે છે અને મૂળ મિયાગામ કરજણનો વતની છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ અનેક વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલ છે. તેની સામે કુલ 17 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 14 વાહનચોરી અને 3 પ્રોહિબિશન સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 30,000 કિંમતની સુઝુકી એકસેસ મોપેડ કબજે કરી છે. વધુ તપાસ માટે આ કેસ જે.પી. રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ કામગીરીથી શહેરમાં વાહનચોરી કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આવા ગુનાઓ પર અંકુશ મેળવવા માટે આગળ પણ સઘન કામગીરી ચાલુ રાખવામાં આવશે.
Reporter: admin







