અમદાવાદ કોર્ટના બે અલગ કેસમાં સજા પામેલો આરોપી ઘરેથી જ પકડાય
સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરતી બાપોદ પોલીસ ટીમ
વડોદરા શહેરમાં સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચાલી રહેલી કામગીરી અંતર્ગત બાપોદ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. અમદાવાદની કોર્ટ દ્વારા બે અલગ અલગ કેસોમાં સજા પામ્યા બાદ નાસતા ફરતા આરોપીને પોલીસે તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, આરોપી શૈલેષકુમાર નાનજીભાઇ સોલંકી વિરુદ્ધ અમદાવાદના નવરંગપુરા કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસમાં સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત, લાલદરવાજા કોર્ટ દ્વારા પણ અન્ય એક અરજીના આધારે સજા વોરંટ જારી કરવામાં આવ્યો હતો. બંને કેસોમાં સજા પામ્યા બાદ આરોપી લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે બાપોદ પોલીસ સ્ટાફે આરોપી હાલ પોતાના ઘરે હાજર હોવાની માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી ઘરેથી જ મળી આવ્યો હતો. ત્યારબાદ તેની ઓળખ ખાતરી કરી તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના વિરુદ્ધ જારી થયેલા સજા વોરંટ અંગે સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીથી શહેરમાં ફરતા અન્ય સજા વોરંટના આરોપીઓ માટે પણ ચેતવણીરૂપ સંદેશ ગયો છે.પોલીસના જણાવ્યા મુજબ, શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા તેમજ કોર્ટના આદેશોની પાલના સુનિશ્ચિત કરવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. બાપોદ પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિકોમાં વિશ્વાસ વધ્યો છે કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત સતર્ક છે.
Reporter: admin







