વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયેલા ઇસમને સુરત જેલ મોકલાય
પાસા હેઠળ અટકાયત બાદ આરોપીને સુરત મધ્યસ્થ જેલ મોકલતી પોલીસ ટીમ
ગઇકાલના રોજ વડોદરા શહેર પોલીસે પ્રોહિબિશનના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપી સામે કડક કાર્યવાહી કરી પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ) હેઠળ અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સઘન મોનિટરિંગ અને કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.માહિતી મુજબ, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં આરોપી હામિદહુસેન દિનમોહંમદ પઠાણ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)નો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ, હેરફેર અને વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રેઇડ દરમ્યાન કુલ રૂ. 36,19,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં વિવિધ બ્રાન્ડના દારૂની બોટલો, મોબાઇલ ફોન, કન્ટેનર અને પીકઅપ વાહનનો સમાવેશ થાય છે.તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે દારૂ લાવી લાકડાના ભુસાના ઢગલા નીચે છુપાવી સપ્લાય કરતો હતો.
આ દારૂની ગુણવત્તા અંગે કોઈ ખાતરી ન હોવાને કારણે તે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. આવા ગેરકાયદેસર દારૂના સેવનથી નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની તેમજ જાનહાનિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું હતું કે આરોપી અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલ હોવા છતાં જામીન પર છૂટ્યા બાદ ફરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં લાગી ગયો હતો. તેના વિરુદ્ધ કડક પગલાં તરીકે પાસા હેઠળ અટકાયતનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દ્વારા શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપાર પર રોક લગાવવા સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ થાય છે.
Reporter: admin







