લાખાવાલાની આક્રમક શૈલી સામે, ભાજપનાં જ કહેવાતા સિનિયર નેતાઓ ગોટે ચડ્યા. રાજકારણ ગરમાયું.
વડોદરા ભાજપમાં ભૂકંપ, પૂર્વ મંત્રી લાખાવાલાનાં નિવેદનથી સંગઠન બે ભાગમાં વહેંચાયું, કાર્યકરોમાં ભારે ગણગણાટ
વડોદરાનાં રાજકારણમાં જેમના નામનો સિક્કો પડે છે તેવા પીઢ નેતા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ હાલમાં જ આપેલા એક નિવેદને ભાજપના મોભીઓને વિચારતા કરી દીધા છે. વોર્ડ લેવલનાં સામાન્ય કાર્યકરથી લઈને રાજ્યના મંત્રી પદ સુધીની સફર ખેડનાર લાખાવાલાએ પક્ષની વર્તમાન સ્થિતિ અંગે મીડિયા સમક્ષ કરેલી ટિપ્પણી બાદ ભાજપના અન્ય નેતાઓ બચાવની સ્થિતિમાં આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરના કન્વીનર તરીકે ભૂપેન્દ્ર લાખાવાલાને ભારતીય જનતા પાર્ટી તરફથી મૂકવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર લાખાવાલાએ જ્યારે મીડિયા સામે છેલ્લા 10 વર્ષમાં વડોદરાનો વિનાશ થયો તેવું નિવેદન આપ્યું, ત્યારે શહેર ભાજપના નેતાઓ તેને તેમનું અંગત મંતવ્ય ગણાવી રહ્યા છે. દંડક ધારાસભ્ય બાળુ શુક્લાએ મીડિયાને જણાવ્યું કે લાખાવાલા પ્રદેશ પ્રમુખ કે પ્રદેશ પ્રવક્તા નથી, તેથી આ તેમનું અંગત મંતવ્ય છે. જોકે તે પહેલા તો ભાજપના કાર્યકર જ છે અને આ તેમનું અંગત મંતવ્ય તો ન જ ગણાય તેમ કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે. સિનીયર મોસ્ટ નેતા જ્યારે નિવેદન આપે, તો તે તેમણે સમજી વિચારીને જ આપ્યું હોય છે અને તેમણે જે નિવેદન આપેલું છે તે ખોટું પણ નથી, તો તેને અંગત મંતવ્ય ગણાવીને બાળુ શુક્લા શું સાબિત કરવા માગે છે? લાખાવાલા જે બોલે છે તે ખોટું બોલે છે કે તેમના નિવેદનનો કોઈ અર્થ નથી? એવો સવાલ કાર્યકરો કરી રહ્યા છે. આ રીતે બાળુ શુક્લા સહિતના નેતાઓ લાખાવાલાની વિરુદ્ધમાં નિવેદન આપી કે તેમનું નિવેદન અંગત મંતવ્ય ગણાવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાળુ શુક્લાને કાર્યકરો કહી રહ્યા છે કે તમે ખોટું બોલવાનું બંધ કરો; તેમણે કાર્યાલયની નીચે આ નિવેદન આપ્યું છે, તો તે અંગત કેવી રીતે હોઈ શકે? કાર્યકરો કહી રહ્યા છે કે તેમણે જે કહ્યું છે તે વાસ્તવિકતા-સત્ય છે. પક્ષનાં પાયાના કાર્યકરોની જે રીતે અવગણના થઈ રહી છે અથવા સત્તાના નશામાં જે રીતે નિર્ણયો લેવાઈ રહ્યા છે, તેના પર લાખાવાલાએ અરીસો બતાવ્યો છે. તેમના મતે, જો અનુભવી નેતા સાચું બોલે તો તેને ગુમરાહ કરવાનું લેબલ ન લગાવવું જોઈએ.
લાખાવાલા નિવેદન પર ભાજપમાં એકસૂર બચાવ
એકસરખા આલાપ સાથે ધારાસભ્યો બાળું શુક્લ, મંત્રી ડૉ. મનીષા વકીલ,શહેર પ્રમુખ ડો જય પ્રકાશ સોની,પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલ ,પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડો શીતલ મિસ્ત્રી,પૂર્વ ડે. મેયર ચિરાગ બારોટ, લાખાવાલાનાં નિવેદન સામે પ્રતિક્રિયા આપી. ઉપરથી આવેલ આદેશ મુજબ તેમનું વ્યક્તિગત નિવેદન છે, તેમ સૌએ એકસરખા આલાપ સાથે ગાણાં ગાયા. પાર્ટીનાં તેઓ પ્રવક્તા નથી-શહેર પ્રમુખ નથી.તેઓ ચૂંટણીનાં કન્વીનર છે.એમને કોઈ એવી જવાબદારી આપી નથી કે જ્યાંથી તેઓ આવા નિવેદન આપી શકે.રાવપુરાનાં ધારાસભ્ય અને દંડક બોખલાટ સાથે પોતાની પ્રતિક્રિયા આપી એમાં સ્પષ્ટ દેખાતું હતું કે લાખાવાલાનાં નિવેદનથી વડોદરાનાં રાજકારણ ઉપર સીધી અસર થઈ છે. અન્ય કદાવર નેતાઓનાં પણ હોશ- કોશ ઉડી ગયા છે. એટલું જ નહીં તેઓ બચાવ-પક્ષની ભૂમિકામાં આવી ગયા છે. છેલ્લા પાંચ- દસ વર્ષનાં વહીવટને લાખાવાલાએ વખોડ્યો હતો. ફાયર બ્રિગેડમાં થયેલ સહિયારા ભ્રષ્ટાચાર ઉપર કોઈ આક્રમક પગલાં ન લેવાતા હોદ્દેદારોને જવાબદાર ગણ્યા હતા.જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે, મોદીનું ભાજપમાં કોઈ અસ્તિત્વ પણ ન હતું ત્યારે મોદીનાં નામ વગર લાખાવાલા કોર્પોરેશનની ચૂંટણીમાં જીત્યા હતા. અન્ય નેતાઓની જેમ તેઓ સીધા ગાદી ઉપર બેઠા નથી.જનસંઘ વખતના તેઓ નેતા છે. ભાજપમાં તેઓએ રાત'દિવસ મહેનત કરી લોહી પાણી એક કર્યું છે. તેઓ વડોદરાથી કોર્પોરેટર,શહેર પ્રમુખ,, ધારાસભ્ય ,મંત્રી તરીકે જવાબદારી વહન કરી છે. હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેઓને ચૂંટણી કન્વીનર તરીકેની જવાબદારી સોંપી છે.આ પરિસ્થિતિમાં તેઓએ આપેલા નિવેદનને અન્ય નેતાઓ વ્યક્તિગત નિવેદન છે તેવું કઈ રીતે જાહેર કરી શકે ? હાલનાં સંજોગોમાં આ નિવેદનને ગંભીરતાથી લેવાને બદલે અન્ય નેતાઓ તોડી- મરોડીને આ નિવેદન વ્યક્તિગત છે તેવું કહીને જાહેર જનતાને ગુમરાહ કરી રહ્યા છે. વડોદરાની પ્રજા શાણી છે હવે એ મૂર્ખ નહીં બને. હાલમાં પરિસ્થિતિ એવી છે કે પાર્ટીની સામે કોઈપણ વ્યક્તિ સત્ય બોલે, પોતાનાં સાચા વિચારો પ્રગટ કરે કે કોઈ નાગરિક વિરોધ પ્રગટ કરે તો તેઓને પાર્ટી વિરોધી ગણે છે. વડોદરાના કોઈપણ જાગૃત નાગરિક પોતાનું સૂચન રજૂ કરે કે પોતાનો વિચાર પ્રગટ કરે તો તેમાં કોઈ ખોટું નથી. લાખાવાલાએ એક જાગૃત નાગરિક તરીકે,ચૂંટણીના કન્વીનર તરીકે, પ્રાથમિક સભ્ય કે સક્રિય સભ્ય તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે પૂર્વ મંત્રી તરીકે, પૂર્વ શહેર પ્રમુખ તરીકે, નિવેદન આપ્યું છે એ સમજવાની જરૂર છે. સત્યને સ્વીકારવાને બદલે, સામે આવી ઢોલ નગારા પીટવા તે હાસ્યાસ્પદ છે. આવા બહુરૂપીયા નેતાઓને હવે વડોદરાની જનતા ઓળખી ચૂકી છે.
Reporter: admin







