મીડિયા અને સરકાર એકબીજાના પર્યાય છે. સરકાર મીડિયા મારફતે પોતાની યોજનાઓ અને જાહેરાતો નાગરિકો સુધી પહોંચાડે છે.

ત્યારે મીડિયા અને સરકાર બંનેના સંબંધો સુમેળભર્યા બની રહે તે લોકશાહીમાં ખૂબ જરૂરી છે. પણ વડોદરામાં ભાજપ શાસિત કોર્પોરેશનના શાસકો સત્તામાં નશામાં ચૂર થયા છે. છેલ્લા ઘણા સમયથી વડોદરા કોર્પોરેશનના ભાજપ શાસકો અને હોદ્દેદારો મીડિયાને યેનકેન પ્રકારે ટાર્ગેટ કરી રહ્યા છે. શાસકો વચ્ચે અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે, જેને લઈ મીડિયાને ટાર્ગેટ કરી રહ્યા છે. મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવાની કોશિશ કરવામાં આવી રહી છે. લોકશાહીમાં મીડિયા ચોથી જાગીર છે જેને રોકવાનો પ્રયાસ વડોદરા પાલિકાના હોદ્દેદારો કરી રહ્યા છે.

મીડિયાને સવાલ ન પૂછવા, ઓફિસમાં નહીં ઘૂસવા દઈએ તેવી ધમકી આપવી, કોર્પોરેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જેવા નિર્ણયો લઈ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ જે ઇમરજન્સી લાદી હતી તેની યાદ તાજી કરી રહ્યા છે. આજે આ તમામ ઘટનાઓને લઈ વડોદરા મીડિયા કલબના પ્રમુખ અજયભાઈ દવેની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસમાં બેઠક યોજવામાં આવી. કોર્પોરેશનના સત્તાધીશોએ મીડિયા સાથે લડી લેવાનો મૂડ બનાવી લીધો છે, ત્યારે હવે વડોદરા મીડિયા ક્લબે એક ખાસ બેઠક યોજી આગામી દિવસોમાં મીડિયા જગતની સ્વતંત્રતા અને સ્વમાન જાળવી રાખવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.



Reporter: