શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, મેયર અને ચેરમેનને નોટિસ આપશે ?..
રંગમંચ છે વડોદરા કોર્પોરેશન અને ભવાયા છે પદાધીકારીઓ..જેમની ભવાઇ આખુ ગુજરાત જોઇ રહ્યું છે...
વડોદરા કોર્પોરેશનમાં અત્યારે જબરજસ્ત ભાજપની ભવાઇ ભજવાઇ રહી છે. કોર્પોરેશનના પદાધીકારીઓ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. મેયર પોતાના સ્વાર્થમાં રાજકારણ રમી રહ્યા છે તો શાસક પક્ષના નેતા પણ અલગ રાજકારણ રમી રહ્યા છે. કમિશનર પણ પોતાની રીતે જ અલગ નાટક ભજવી રહ્યા છે અને વડોદરા સહિત આખું ગુજરાત આ લોકોની ભવાઇ જોઇ રહ્યું છે.

વડોદરા કોર્પોરેશનમાં મેયર, ચેરમેન , કમિશનર અને શાસકપક્ષના નેતા અત્યારે અંગત સ્વાર્થમાં રાજકારણ રમીને વડોદરાના હિત સાથે છેતરપીંડી કરી રહ્યા છે. સામાન્ય સભામાં કમિશનર અને કોર્પોરેટર વચ્ચે ખુલ્લેઆમ જીભાજોડી થાય છે તે કદાચ ક્યારેય વડોદરામાં બન્યું ના હોય તેવી ઘટના છે. કમિશનર સત્તાના મદમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી આપે છે. બીજી તરફ મેયર પોતાના દુ:ખડા મીડિયા સમક્ષ ગાઇ રહ્યા છે અને કમિશનર પોતાને ગણતા ના હોય તેવા રોદણાં રડી રહ્યા છે. સ્ટેન્ડિંગ અને સંકલનમાં જે દરખાસ્ત મંજૂર થઇ હોય તે દરખાસ્તને સામાન્ય સભામાં મુલતવી કરી દેવાય છે. શાસકપક્ષના નેતા કંઇક અલગ જ રમત રમી રહ્યા છે. આ નેતાઓ વચ્ચે ભારે તડાફડી જોવા મળી રહી છે. વિશ્વામિત્રીના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા કમિશનર અને ચેરમેન પહેલાં જતા રહે છે અને પાછળથી મેયર પણ ત્યાં જાય છે. મેયર પોતે પોતાના પદની ગરિમા ભુલીને સ્થળ વિઝીટ કરવાનો આગ્રહ રાખતા થઇ ગયા છે. મેયર એ ભુલી જાય છે કે તેઓ વડોદરા શહેરના પ્રથમ નાગરીક છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સ્થળ વિઝીટ કરવાનું કામ તેમનું નથી જ. આ કામ ચેરમેન અને કમિશનરનું છે. પણ આમ છતાં મેયર પિંકી સોની અગમ્ય કારણોસર સ્થળ વિઝીટ કરવા જતા રહે છે અને પછી પોતાને કમિશનર બોલાવતા નથી તેવા રોદણાં રડે છે. શહેરની જનતા આ બધુ જોઇ રહી છે. તમામને વાહવાહી લૂંટવી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પોતાને જશ મળે તે માટે તથા પોતાને વ્યક્તિગત લાભ મળે તે માટે આ પદાધીકારીઓ ધમપછાડા કરી રહ્યા છે તે હવે વડોદરાની જનતા જાણી ચુકી છે. મેયર, ચેરમેન, ડે.મેયર તથા શાસકપક્ષના નેતા તથા વહિવટી પાંખમાંથી કમિશનર પ્રજાની સમસ્યાઓનું સોલ્યુશન લાવવાના બદલે એકબીજાના ટાંટીયા ખેંચવામાં મશગુલ બની ગયા છે. તમામ બે મોંઢાની વાતો બોલી રહ્યા છે. ગઇ કાલે જેમની વિરુદ્ધ બોલે તેના આજે વખાણ કરતા થઇ જાય છે અને તેથી આ નેતાઓની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઉભા થયા છે. શહેરની જનતાએ તમને ખોબલે ખોબલે મત આપીને શહેરનો વિકાસ કરવાની જવાબદારી આપી છે ત્યારે આ નેતાઓ શહેરનું હિત ભુલીને પોતાના જ હિતમાં રચ્યાપચ્યા રહે છે તેનો આ પુરાવો છે. મેયરને એવી એવી બાબતો પર ખોટુ લાગી જાય છે અને એવી એવી બાબતો પર તેઓ રીસાઇ જાય છે જે બાબત તેમના કાર્યક્ષેત્રમાં જ આવતી નથી. ચેરમેન પણ પોતાનો પતંગ એકલો જ ચગાવી રહ્યા છે તો ડે મેયર અને શાસક પક્ષના નેતાઓ પણ પોતાની અલગ રાજરમત રમી રહ્યા છે. કમિશનર આ લોકોની આંતરીક હુંસાતુસીનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને છેલ્લે નુકશાન વડોદરાવાસીઓનું થઇ રહ્યું છે. વડોદરાની જનતા આ રાજરમતો જોઇ રહી છે અને જ્યારે સમય આવશે ત્યારે જવાબ પણ આપશે તે આ પદાધીકારીઓએ સમજી લેવું જોઇએ
પદાધીકારીઓ વચ્ચે શું કકળાટ ચાલે છે તે હવે જનતા જાણી ચુકી છે...
પદાધીકારીઓ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જે કકળાટ ચાલી રહ્યો છે તે કામના લીધે થયો નથી તે હવે આ પદાધીકારીઓને ઓળખતા કાર્યકરો અને શહેરની જનતા પણ માની રહી છે. પદાધીકારીઓ દ્વારા કામો અટકાવી દેવા કે મુલતવી કરવાના બાલીશ પ્રયાસો કરાઇ રહ્યા છે. આ પદાધીકારીઓ વચ્ચે અત્યારે જે લડાઇ ચાલે છે તે શહેરના વિકાસના કામોના લીધે નહી પણ પોતાના અંગત વિકાસ માટે લડાઇ ચાલે છે. મેયર પીંકી સોની તો ગઇ કાલ સુધી ચેરમેન વિરુદ્ધ બોલતા હતા તો આજે કમિશનર સામે બોલે છે. તો સવાલ એ છે કે તેઓ ગઇ કાલે સાચા હતા કે આજે સાચા છે. કમિશનર અને ચેરમેન તેમને મુકીને સ્થળ વિઝીટ કરવા જતા રહ્યા અને કમિશનર તેમને ગાંઠતા નથી તેવા રોદણાં રોતા મેયરે સમજવું જોઇએ કે બધાએ એક સાથે જવુ જરુરી છે. તમારા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે શહેરનો વિકાસ થવો જોઇએ.
મેયર જો તમને ખોટું જ લાગતું હોય તો આ મુદ્દાઓ પર પણ ખોટું લગાડો....
મેયર પિંકી સોનીને બહુ જલ્દી ખોટું લાગી જાય છે. જો તેમને આટલું બધુ ખોટુ લાગતું હોય તો જ્યારે કમિશનરે આરઆરના નિયમોની વિરુદ્ધ ચીફ ફાયર ઓફિસરની નિમણુક કરી ત્યારે તેમને ખોટુ કેમ ના લાગ્યું. તેમણે કમિશનર સામે અવાજ કેમ ના ઉઠાવ્યો. આજે તેઓ કમિશનર વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા છે તો ચીફ ફાયર ઓફિસર ની નિમણુક વખતે તેમનું મોંઢુ કેમ સીવાઇ ગયું હતું. કમિશનરના પીએની નિમણુકમાં પણ લાયકાત અને અનુભવનો છેદ ઉડાવી દેવાયો ત્યારે મેયર પિંકી સોનીને ખોટુ કેમ ના લાગ્યું. કાર્યપાલક ઇજનેર સીવીલમાં જ જ્યારે કમિશનરે 50 ટકા અનામત લાદી ત્યારે મેયર પિંકી સોની કેમ મૌન રહ્યા. કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચાર સામે મેયર પિંકી સોની કેમ કંઇ બોલતા નથી અને કેમ તેમને ખોટુ લાગતું નથી. કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ કરવા માટે કેમ મેયર અવાજ ઉઠાવતા નથી. મેયર કેમ સામાન્ય જનતાનો ફોન પણ ઉંચકતા નથી. મેયર, sઅને કમિશનર કેમ લોકોના ફોનનો જવાબ આપતા નથી. તમારે ખોટા લગાડવા હોય તો શહેરની આટલી બધી પૂર સહિતની અનેક સળગતી સમસ્યા છે તે બાબતે કેમ ખોટું નથી લગાડતા?
Reporter: admin