પુરી : જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનો ખજાનો 14મી જુલાઈએ ખોલવામાં આવશે. 46 વર્ષના વ્હાણાં પછી રત્નભંડારના ઓરડાઓના તાળા ખોલવામાં આવશે.
મંદિરના ખજાનામાં રહેલી અસ્કયામતોની આકારણીનું કામ ઘણાં સમયથી અટકેલું હતું. હવે તે થવા જઈ રહ્યું છે ત્યારે એક રસપ્રદ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. મંદિરના અધિકારીઓ ખજાનો ખોલતા સમયે એમની સાથે મદારીને રાખવાના છે!જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને લાગે છે કે રત્નો અને ઘરેણાંની આસપાસ ઝેરી સાપ હોઈ શકે છે. દાયકાઓથી એવી લોકમાન્યતા છે કે, જગન્નાથ મંદિરના બહુમૂલ્ય ખજાનાનું રક્ષણ કોબ્રા જેવા અતિઝેરી સાપ કરે છે. માન્યતા સાચી હોય કે ન હોય. પરંતુ 46 વર્ષથી બંધ રહેલા ઓરડાઓ ખોલતી વખતે SJTAના અધિકારીઓ કોઈ જોખમ લેવા નથી માંગતા અને અગમચેતીના ભાગરૂપે મદારીને સાથે રાખવાના છે કે જેથી કોઈ સાપ નીકળે અને કોઈને કરડે એ પહેલાં મદારી એને પકડી લે.
જો મદારી એના કામમાં ચૂકે ને ઝેરી સાપ કોઈને દંશ તો ભોગ બનનારને બચાવી લેવા માટે એક મેડિકલ ટીમ પણ સ્થળ પર હાજર હશે. ટીમમાં ડોક્ટર, નર્સથી લઈને એમ્બ્યુલન્સ સહિત જરૂરી તબીબી ઉપકરણો હશે. વર્ષ 2018માં 16 જણની ટીમે જગન્નાથ મંદિરના રત્નભંડારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પણ ફક્ત 40 મિનિટમાં જ એ અભિયાન આટોપી લેવું પડ્યું હતું. લોકોમાં એ જાણવાનું કુતૂહલ જાગેલું કે કયા કારણસર રત્નભંડાર સુધી નહોતું પહોંચી શકાયું. અધિકારીઓ દ્વારા એવું કહેવાયેલું કે, ખજાનાના ભીતરી કક્ષની ચાવીનો નહોતી મળી એટલે ખજાના સુધી પહોંચી નહોતું શકાયું.પણ,અફવા એવી ઉડેલી કે ખજાનાનું રક્ષણ કરતા સાપ અવરોધ બનીને ઊભા રહેલા જેને કારણે એ અભિયાન પડતું મુકાયું હતું.
Reporter: admin